Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ગુરૂકુલ સંસ્થાપક શાસ્ત્રી પૂ. ધર્મજીવનદાસજી સ્વામીનો ભાવાંજલી મહોત્સવ

રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુલમાં તા.૨૨ થી ૨૫ ડિસેમ્બરે આયોજનઃ ૩૫ જેટલી શાખાના સંતો - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભાવિકો દ્વારા મહોત્સવ ઉજવાશે : ૧૦૦૮ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.રમેશભાઈ ઓઝા, પૂ. પરમાત્માનંદજી, પૂ.ઘનશયામ પ્રકાશદાસજી સહિતના સંતો- મહંતો ભાવાંજલી અર્પણ કરશે : બાળકો - યુવાનો - વડીલો માટે પ્રદર્શન - લાઈટીંગ શો

રાજકોટ, તા. ૧૬ : સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક રીતે અગ્રગણ્ય સંસ્થા શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટના સ્થાપક શાસ્ત્રી સ્વામીશ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ દીક્ષા લીધી તેને ૨૦૧૭માં ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રાજકોટ ગુરૂકુલ અને તેની ૩૫ જેટલી શાખા ૨૩૪ સંતો, હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભકતો દ્વારા ભાવાંજલી મહોત્સવ ઉજવાશે.

શ્રી પ્રભુસ્વામીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી ભાવાંજલી અર્પણ કરવા શૈક્ષણિક, સામાજીક અને ધાર્મિક સેવા કાર્યો ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ૨૩૫ જેટલા સંતો અને સ્વયંસેવકો કરી રહ્યા છે.

શાસ્ત્રીજી મહારાજને ભજન ખૂબ જ પ્રિય હતું. તેથી સ્વામીજીની યાદમાં વિશેષ ભજન થાય એવા સંકલ્પો કરાયા. જેના અનુસંધાને શાસ્ત્રીજી મહારાજને ભાવાંજલી અર્પવાના ફળ સ્વરૂપે ૫૦૦ ધર્મજીવન વ્યાખ્યાનમાળાઓ, ૨૫ લાખ લાખ હરીસ્મૃતિ, વંદુ તેમજ શ્રીપત્રીના પાઠ, ૧૬ હજાર ઘરે ઠાકોરજી સાથે સંતોની પધરામણી, ૯ નૂતન ગુરૂકુલ, તથા ૮ નૂતન મંદિરોના નિર્માણ થયા, ૨૦૦ કરોડ મંત્રલેખન તથા મંત્રજાપ, ૨૧૧ ભકતચિંતામણી યજ્ઞો તથા મંત્રજાપ, ૨૫ ઉપરાંત ગ્રંથો, સી.ડી., ડી.વી.ડી. સ્વરૂપે સત્સંગ સાહિત્ય પ્રકાશન, આજીવન ફરતી અખંડ ધૂન, ૧૦૦ ઉપરાંત રકતદાન ક્ષય, નેત્ર તથા સર્વરોગ નિદાન કેમ્પો, ૧૧૦ યોગ તથા સત્સંગ શિબિરો, ૪ સમૂહ લગ્નના આયોજનો, ૩૦ હજાર ધાબળાનું વિતરણ, વ્યસનમુકિત અભિયાન, પર્યાવરણ સુરક્ષા હેતુ વૃક્ષારોપણ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વગેરે આયોજન થયા અને સુંદર રીતે આ આયોજનો પૂર્ણ કરવામાં આવ્યા.

રાજકોટ ખાતે ૨૨ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન યોજાનાર ભાવાંજલી મહોત્સવમાં શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના વડા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આર્ષવિદ્યામંદિર શ્રી પરમાત્માનંદજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમના મહંત શ્રી, હરિકૃષ્ણ હરેરામ સંસ્થાના મહંત શ્રી તથા વૈષ્ણવાચાર્યો તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલના ચેરમેન શ્રી અમદાવાદ, ભુજ વગેરે સ્થાનોથી વરિષ્ઠ સંતો પધારી ભાવાંજલી અર્પણ કરશે. આ ઉપરાંત રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ વગેરે પધારશે. રાજકોટ ગુરૂકુલના તથા વિવિધ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આઈ.એ.એસ., આઈ.પી.એસ., તેમજ ન્યાયાધીશો પધારી સ્વામીજીને ભાવાંજલી અર્પણ કરશે.

બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વૃદ્ધો માટે જોવા અને જાણવા અને જીવનમાં પ્રેરણા આપતા કાર્યક્રમો આ પ્રસંગે રજૂ થશે. સાથો સાથ સુંદર પ્રદર્શન તેમજ લાઈટીંગ શો પણ રાખવામાં આવેલ છે.

તસ્વીરમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટના પૂ.મધુસુદનસ્વામી, પ્રભુચરણ સ્વામી - ૯૮૭૯૦ ૦૦૨૫૦, રૂગનાથભાઈ દસલાણીયા - ૯૩૭૪૧ ૦૨૮૩૮ અને પ્રવિણભાઈ કાનાબાર - ૯૮૨૪૨ ૬૫૩૦૦ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૪)

સાધુ સંતો અને સન્યાસીઓને ભગવાનને વરવા માટેનો અવસર એટલે દીક્ષા મહોત્સવ દિન

૭ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ રાજકોટ ગુરૂકુલ અને તેમની શાખાઓમાં આજે ૩૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

ગૃહસ્થોને જેમ લગ્ન એ મહોત્સવ હોય છે, બ્રાહ્મણોને જનોઈ ધારણ કરવાનો પ્રસંગ મહોત્સવ હોય છે એ જ રીતે સાધુ સંતો અને સન્યાસીઓને ભગવાનને વરવા માટેનો મહાન દિવસ એટલે દીક્ષા મહોત્સવ દિન.

અમરેલી જીલ્લાના નાના એવા તરવડા ગામે જન્મેલા અને ૧૪ વર્ષની ઉંમરે ઘર છોડી ૧૬મે વર્ષે સારંગપુરમાં કષ્ટભંજનદેવની સાનિધ્યમાં આચાર્ય મહારાજશ્રીના હસ્તે દીક્ષાગ્રહણ કરી. ૭ વર્ષ સુધી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરી ગામડે ગામડે વિચરણ કરી લોકોને વ્યસન મુકત તેમજ અંધશ્રદ્ધાથી મુકત કરી સદાચારી જીવન જીવતા કર્યા. જૂનાગઢ કોઠારી તરીકે રહી ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂનાગઢ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ૨૧ દિવસનો મહાવિષ્ણુયાગ કરેલો અને ત્યારબાદ હિમાલયની પદયાત્રા પ્રસંગે ગુરૂકુલ કરવાનો વિચાર થતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે તે સમયના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈની સાથે વાત કરી વિદ્યા અને સદ્વવિદ્યાના વાવેતરને અર્થે સંતો દ્વારા કાર્ય થતુ હોવાથી ૪૦,૦૦૦ વાર જમીન ગોંડલ રોડ ખાતે લીધી.

૭ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ રાજકોટ ગુરૂકુલમાં અને તેની શાખાઓમાં આજે ૩૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ગુરૂકુલમાં અભ્યાસ કરી દેશવિદેશમાં સ્થિર થયેલા છે. ગુરૂનું ઋણ ચૂકવવા આ વિદ્યાર્થીઓ ૨૨ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન રાજકોટ ગુરૂકુલ પધારી ભાવાંજલી અર્પણ કરી ગુરૂઋણમાંથી મુકત થવા પ્રયત્ન કરશે આ પ્રસંગે દેશવિદેશમાંથી હજારોની સંખ્યામાં ભાવિકજનો તેમજ ગુરૂકુલ પરિવારના ભકતો કાર્યક્રમને દિપાવશે.(૩૭.૧૩)

(3:48 pm IST)