Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

સોમવારે રાજકોટની ૮ બેઠકની 'કણકોટ' ખાતે મતગણત્રીઃ જબરી ઉત્તેજનાઃ તંત્ર સાબદૂ

૮ વીવીપેટમાં મતની ગણતરી માટે તમામ બુથની ૨૧૫૮ ચીઠ્ઠીઓ નાંખીને પસંદગી થશેઃ ૮.૩૦ વાગ્યાથી ગણતરી શરૂ થશેઃ મતગણતરી કેન્દ્ર આસપાસ ૨૦૦ મી. એરિયામાં ૧૪૪ કલમ લાગુઃ જડબેસલાક પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા. ૧૬ : આગામી તા. ૧૮ને સોમવારે રાજકોટ શહેર જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોની મતગણતરી આગામી તા. ૧૮ને સોમવારે સવારે ૮.૩૦ વાગ્યાથી શરૂ થનાર છે. તે પૂર્વે આજે જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ કણકોટ એન્જીનિયરીંગ કોલેજ ખાતેના મતગણના કેન્દ્રમાં તમામ તૈયારીનું છેલ્લી ઘડીનું નિરીક્ષણ કર્યું હતું.

મતગણતરી કેન્દ્રમાં કુલ ૬ રૂમ રખાયા છે અને દરેક રૂમમાં ૧૪ ટેબલ નખાયા છે. જેમાં દર ૧૫ મીનીટના ૧ રાઉન્ડ મુજબ મતગણતરી થશે.

સૌ પ્રથમ ૮ વાગ્યે ૫૦૦૦ જેટલા પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ શહેર - જિલ્લાનાં તમામ બુથની મતગણતરી શરૂ થઇ જશે.

આ વખતે સૌ પ્રથમ વખત વીવીપેટ મશીનનો ઉપયોગ મતદાનમાં થયો છે ત્યારે દરેક બુથદિઠ ૧ વીવીપેટ મનીનની પસંદગી ચીઠ્ઠી નાંખીને કરાશે. જેની ચીઠ્ઠી નિકળે તે વીવીપેટમાં મતની ચબરખીની ગણતરી કરાશે. આ હીસાબે કુલ ૨૧૫૮ ચીઠ્ઠીઓ ઉલાળી ૮ જેટલા વીવીપેટ પસંદગી કરી અને તેમાંથી મતની ચબરખીની ગણતરી થશે.

દરમિયાન કણકોટ ખાતેના મત ગણતરી કેન્દ્રમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પેરામીલ્ટ્રી ફોર્સનાં જવાનો ખડેપગે છે.

તા. ૧૮મીને સોમવારે સવારે ૬ વાગ્યાથી મતગણતરી કેન્દ્રનાં સ્ટાફનું રેન્ડમાઇઝેશન શરૂ થઇ જશે. કુલ ૬૦૦થી વધુ કર્મચારીઓની ફોજ આ મતગણતરી માટે કામે લાગી જશે ત્યારે હવે સૌ કોઇ ઉત્તેજના પૂર્વક સોમવારની રાહ જોઇ રહ્યા છે અને કોઇ અનિચ્છનિય ઘટના ના બને અથવા મોટીખામી ન સર્જાય તે માટે કલેકટર તંત્ર સાબદુ થયું છે.

(12:49 pm IST)