Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રક્ષિત સ્‍મારકો સાચવવાની જવાબદારી સંભાળતી પુરાતત્‍વ વિભાગની કચેરીમાં માત્ર બે જ કર્મચારી ફરજ બજાવે છે

કોંગ્રેસના ઘોષણાપત્રમાં ગુજરાતની પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા, નવી શોધવા પુરાતત્‍વ વિભાગને અલગ વિભાગ સાથે પુરતો સ્‍ટાફ આપવાનું વચનઃ ડો.નિદત્ત બારોટ

રાજકોટઃ કોંગ્રેસ પક્ષનાં ચૂંટણી ઢંઢેરા- ઘોષણાપત્ર ૨૦૨૨-૨૭માં, ગુજરાત રાજયમાં આવેલાં વિશ્વપ્રસિધ્‍ધ આપણી પ્રાચીન સંસ્‍કૃતિનાં ભંડારની અને તેનાં મહત્‍વની નોંધ લઈને તેને ખાસ મહત્‍વ આપવામાં આવ્‍યું હોવાનું પ્રદેશ કોંગ્રેસ ડો.નિદત બારોટે એક યાદીમાં જણાવ્‍યું છે.

ઐતિહાસિક વિરાસત ધરાવતાં રાજસ્‍થાન રાજયના મુખ્‍યમંત્રીશ્રી અશોક ગેહલોત અને રઘુ શર્માજી એ.આઈ.સી.સી. તરફથી ચૂંટણીનું સુકાન સંભાળી રહેલા છે. તેમણે અને સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના કસાયેલા અનુભવી પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, મેનિફેસ્‍ટો સમિતિનાં અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ બાબરીયાએ ગુજરાતની પ્રાચીન વિરાસત અને તેનાં ગૌરવને યાદ રાખી તેને ખાસ મહત્‍વ જન ઘોષણાપત્રમાં આપેલ છે. ગુજરાતનાં પુરાતત્‍વવિદો, ઈતિહાસવિદો, સંશોધકો, સંસ્‍કૃતિ પ્રેમીઓ, વિદ્વાનો અને પ્રબુધ્‍ધ નાગરીકો આ બાબતને બહોળો આવકાર જરૂર આપશે.

ગુજરાતમાં હજારો વર્ષ પ્રાચીન એવી વિશ્વની સૌથી પ્રાચીન સંસ્‍કૃતિ ધરાવતાં અનેક સ્‍થળો શોધાયેલા છે જેની સમગ્ર વિશ્વમાં આદર સાથે નોંધ લેવામાં આવે છે.

રાજકોટમાં આવેલ સૌરાષ્‍ટ્ર વિસ્‍તારનો કાર્યભાર સંભાળતી અને આશરે ૧૫૦ ઉપર સરકાર દ્વારા જાહેર થયેલાં રક્ષિત સ્‍મારકો સાચવવાની જવાબદારી સંભાળતી પુરાતત્‍વ વિભાગની કચેરીમાં લાંબા વર્ષો થયાં ફકત બે જુનિયર કર્મચારી ફરજ બજાવે છે, જે આપણી પ્રાચીન વિરાસતને સાચવવા બાબતે ઘોર બેદરકારી સાથે તેની અવગણના છે. આ પરિસ્‍થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ વચન આપણી ગૌરવપ્રદ વિરાસત સાચવવા અને નવાં સ્‍થળો શોધવા ખુબ મહત્‍વનું સાબીત થશે.  તેમ ડો.નિદત બારોટ (ઈન્‍ચાર્જ મીડિયા સેન્‍ટર સૌરાષ્‍ટ્ર પ્રવકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)એ યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(4:25 pm IST)