Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સિટી - BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા.૩.૧૩ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૯ કંડકટર સસ્‍પેન્‍ડ : બે મુસાફરો ટીકીટ વિના ઝડપાયા

રાજકોટ તા. ૧૬ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા ૭ થી ૧૩ નવેમ્‍બર સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩૧૩ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૯ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૨ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત ૭ થી ૧૩ નવેમ્‍બર સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ (RMTS) સેવા

સિટી બસ સેવા (RMTS)માં તા. ૧ થી ૧૩ નવેમ્‍બર દરમિયાન કુલ અંદાજીત ૯૨,૬૬૮ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૭,૮૧૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૭૯૦૦ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૨,૭૬,૫૦૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૩૭,૨૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ/ અનિયમિતતા સબબ કુલ ૯ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૨ કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

ચેકીંગ દરમિયાન કુલ ૨ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૨૨૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ. બસની કામગીરી

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. ૭ થી ૧૩ નવેમ્‍બર દરમિયાન કુલ અંદાજીત ૫૭,૯૫૧ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૭૬,૯૬૬ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૨૦૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(4:23 pm IST)