Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ન્‍યુ રાજકોટના ત્રણ વોર્ડમાં પાણીના ધાંધીયા : ત્રણ કલાક મોડું વિતરણ

નર્મદા નીર ઓછું મળતા વોર્ડ નં. ૧, ૯, ૧૦ના ગાંધીગ્રામ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ સહિતના વિસ્‍તારોમાં અસર : ગૃહિણીઓમાં દેકારો

રાજકોટ તા. ૧૬ : શહેરને પાણી પુરૂં પાડતા આજી અને ન્‍યારી જળાશયો છલોછલ છે ત્‍યારે નર્મદા આધારિત વિસ્‍તારો જેવા કે ગાંધીગ્રામ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારોમાં નર્મદાનું ઓછું નીર મળતા આજે ત્રણ કલાક પાણી મોડું વિતરણ થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે મનપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વેસ્‍ટ ઝોનના વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૯, ૧૦ના વિસ્‍તારોમાં રૈયાધાર પમ્‍પીંગ સ્‍ટેશનથી નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે. નર્મદા નીરમાં ધાંધીયા સર્જાય તો આ વિસ્‍તારોમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાય છે ત્‍યારે ગઇકાલે રાતના ઢાંકી ખાતે ટેકનિકલ ખામી સર્જાતા આજે સવારે નર્મદા નીરની ૧૨ એમએલડીની ઘટ થતાં વોર્ડ નં. ૧, ૯, ૧૦ના વિસ્‍તારોમાં પાણી વિતરણ ત્રણ કલાક મોડું કરવામાં આવ્‍યું હતું. વધુમાં સૂત્રોના જણાવ્‍યા મુજબ સવારના ૧૦ વાગ્‍યા પછી નર્મદા નીર રાબેતા મુજબ શરૂ થતાં પાણી વિતરણ કરવામાં આવ્‍યું હતું અને સાંજ સુધીમાં નર્મદા નીરની ઘટ પૂરી થતાં રાબેતા મુજબ પાણી વિતરણ વ્‍યવસ્‍થા થશે.

(4:18 pm IST)