Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

અમદાવાદ મહાનગરપાલિકાના ડમ્‍પર હડફેટે મૃત્‍યુ પામેલ યુવાનને ૪૦ લાખનું વળતર ચૂકવવા ફરમાન

સિનિયર એડવોકેટ હરેન્‍દ્ર અભ્‍યાસપૂર્ણ દલીલ અદાલત દ્વારા માન્‍ય

રાજકોટ તા.૧૬: અમદાવાદના ઇશનપુર વિસ્‍તારમાં કોર્પોરેશનના ડમ્‍પર ચાલક દ્વારા ૨૦૧૯ની સાલમાં એક યુવકને હડફેટે લેતા માથું ફાટી જવાના કારણે મોત નીપજતા થયેલ કેસ સંદર્ભે અદાલત દ્વારા સિનિયર એડવોકેટ હરેન્‍દભાઇ સેજપાલની ધારદાર અને અભ્‍યાસપૂર્ણ દલીલ માન્‍ય રાખી ૪૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

સિનિયર એડવોકેટ હરેન્‍દ્ર સેજપાલ જણાવ્‍યુ હતુ કે, ૬૨ વર્ષીય સિનિયર સિટીઝન મુરલીધરના ૨૭ વર્ષીય પુત્ર હિતેશ બી.કોમ, એલ.એલ.બી અને કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો હતો. અને ખાનગી કંપનીમાં રૂા.૪૦ હજારથી વધુના પગાર મેળવી નોકરી કરતો હતો. ૧૮  માર્ચ ૨૦૧૯ના સવારે ૯.૩૦ વાગે હિતેશ પોતાના ઘરેથી બાઇક લઇને ઇસનપુર ચાર રસ્‍તાથી ઘોડાસર ચાર રસ્‍તા તરફ જવાના સવિસ રોડ ઉપરથી જતો હતો. તે વખતે કોર્પોરેશનના ડમ્‍પરના ચાલકે હિતેશના બાઇકને ટકકર મારી હતી. જેમાં પૈડા નીચે હિતેશનું માથું કચડાઇ જતા તેનું ઘટના સ્‍થળે મોત નીપજયુ હતું.

આ બનાવ અંગે જે.ડિવિઝનના ટ્રાફિક પોલીસ સ્‍ટેશનના અધિકારીએ ડમ્‍પરના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

આ કેસમાં મૃતકના પિતા તરફથી રૂ.૮૦ લાખના વળતર અંગે કેસ પણ કર્યો હતો. આ કેસ અમદાવાદ ગ્રામ્‍ય જિલ્‍લા કોર્ટમાં ચાલવા પર આવતા કોર્ટની જજે મૃતકના પિતા અને વીમા કંપનીને કેસનું સમાધાન કરી યોગ્‍ય વળતર આપવા માટે ભલામણ કરી હતી.

આથી મૃતકના પિતા મુરલીધર અને વીમા કંપની રૂ.૪૦ લાખમાં સહમત  થતા કોર્ટે ૩ મહિનામાં મૃતકના પિતાને રૂ.૪૦ લાખ વળતર પેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.

(3:50 pm IST)