Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

બાળકોને સંસ્‍કાર આપશો તો સંપત્તિ સાચવશે અને રાષ્‍ટ્રને ઉપયોગી થશે : આચાર્ય દેવવ્રતજી

રાજકોટ ગુરુકુળની બાવનમી શાખાનું નવી મુંબઇમાં ભૂમિપૂજન

રાજકોટ ગુરુકુળની બાવનમી શાખાનું નવી મુંબઇમાં ભૂમિપૂજન અને અમૃત સંમેલન ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી વગેરેની હાજરીમાં થયેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ,તા. ૧૬ : નવી મુંબઈના શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સંસ્‍થાન દવારા સીડકો એકઝીબીશન હોલ નં.૧ ખાતે ભૂમિપૂજન તથા રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્‍સવ ઉપલક્ષ્યે મુંબઈમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સત્‍સંગીઓનું સંમેલન યોજાયેલ.ભૂમિપૂજન તથા અમૃત સંમેલનમાં  ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્‍ય મહેમાનશ્રી તરીકે ઉપસ્‍થિત રહેલ હતા.

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનને સીડકો દ્વારા કામોઠે નવી મુંબઈ ખાતે વિદ્યા સાથે સદવિદ્યા પ્રવર્તન હેતુ ૭,૬૬૬/-ચોરસ મીટર જગ્‍યા ફાળવવામાં આવેલ છે. આ ભાગ્‍યવંત ભૂમિપર નિર્માણ થનાર વિદ્યામંદિરનું ભૂમિપૂજન વૈદિક વિધિ સાથે રાજયપાલ તથા ગુરૂવર્ય મહંત સ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના હસ્‍તે કરવામાં આવેલ. નવી મુંબઈવાસી ખાતે સીડકો એકઝીબીશન હોલમાં ત્રણ હજાર ઉપરાંત ભાવિકો અને ૫૦ ઉપરાંત સાધુ સંતોએ અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, નાડાછડી, નાગરવેલના પાન તેમજ પુષ્‍ય વગેરે ઉપચારોથી ઇષ્ટિકા-ઇંટોનું પૂજન કરેલ હતું.

અમૃત મહોત્‍સવના એક ભાગરૂપે અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવેલ. ભારતની આઝાદીની સાથે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનો રાજકોટના ઢેબર રોડ ઉપર ૪૦,૦૦૦ વાર ભૂમિપર ગુરુકુલનો પ્રારંભ થયેલ.  ૭૫ વર્ષથી રોજના માત્ર ૧ એક રૂપિયાના ટોકન દરે નાતજાત તેમજ ધર્મના ભેદભાવ વિના વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાની શિક્ષા બાળકો લઇ રહ્યા છે.

આ પ્રસંગે શાષાી શ્રી વિરક્‍તજીવનદાસજી સ્‍વામીએ વાત કરતાં કહ્યું હતું કે ૧૯૪૮ થી આજે પણ ૮૦૦ વિદ્યાર્થીઓ ગુરુકુલ રાજકોટમાં અભ્‍યાસ કરે છે. આજે તેની દેશ વિદેશમાં ૫૧ શાખાઓ કાર્યરત છે જેમાં ૩૦,૨૪૮ બાળકોને વિદ્યા સાથે ભારતીય સંસ્‍કૃતિના સુસંસ્‍કારો સંતો દ્વારા અપાઈ રહ્યા છે.

નવી મુંબઈ કામોઠે ખાતે સ્‍વામીશ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના શુભ આશીર્વાદ તથા મહંત સ્‍વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા સ્‍વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસાર વિદ્યામંદિર નિર્માણ પામશે. જેમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વિના દરેક પ્રાંતના લોકોના સંતાનો અભ્‍યાસ કરશે.

સમારોહમાં રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સંસ્‍થાનની સુરત બ્રાંચના સાત વિદ્યાર્થીઓને રાજયપાલના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવેલ. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દિલ્‍હી દ્વારા આયોજીત પ્રદૂષણ મુક્‍ત ભારતની ચિત્ર સ્‍પર્ધામાં દેશના એક કરોડ ઉપરાંત બાળ સ્‍પર્ધકોએ ભાગ લીધેલ. તેમાં પ્રથમ નંબર તેમજ યોગા સ્‍પર્ધામાં વર્ડ લેવલે યોજાયેલ સ્‍પર્ધામાં દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રાજયપાલએ સન્‍માનિત કરેલ.

ગુજરાતના રાજયપાલ આચાર્યશ્રી દેવવ્રતજીએ કહ્યું હતું કે બાળકોને બાલ્‍યવસ્‍થાથી સંસ્‍કાર આપવા. જો એમાં સંસ્‍કાર હશે તો જ તમારી સેવા કરશે. સંપત્તિ સાચવશે, રાષ્ટ્રને ઉપયોગી થશે. સંસ્‍કાર વિનાના માણસને શાસ્ત્રોએ પશુ સમાન ગણેલ છે. આ ગુરુકુલના સંતો બાળકોને સંસ્‍કાર સાથે અહીં શિક્ષા પ્રદાન કરશે.

આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજયના શિક્ષણમંત્રીશ્રી દિપક કેસરકરજી, પનવેલના વિધાનસભ્‍ય પ્રશાંત ઠાકુર, દશરથ ભગત, મંદાતાઈ મહાત્રે,  મંત્રીશ્રી ગણેશનાયકજી તેમજ ઉદ્યોગપતિશ્રી રાકેશભાઈ દુધાત, પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, પિયુષ ભાઈ પટેલ, જીગ્નેશભાઇ હીરાણી, મેઘજીભાઇ બંગારી, કીર્તિભાઈ રાણા વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:44 pm IST)