Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

કલેકટર કચેરીમાં ૪૩ દિવ્‍યાંગો MCMC કન્‍ટ્રોલરૂમમાં ફરજ બજાવે છે : શારીરિક ઉણપ ભૂલી ખરા અર્થમાં ફરજ

બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ડ્રેસ કોડ રાખ્‍યો : દરેક કર્મચારી માટે ૮-૮ કલાકની શીફટ

રાજકોટ, તા. ૧૬ : કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. માનવીનું મન મક્કમ હોય તો ગમે તેવી પરિસ્‍થિતિમાં માર્ગ મળી જ જાય છે અને મંઝિલ સુધી પહોંચી શકાય છે. રાજકોટમાં એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમમાં ફરજ નિભાવતા કર્મચારીઓએ ઉપરોક્‍ત ઉક્‍તિ સાચા અર્થમાં સાર્થક કરી છે. તેઓ તનથી દિવ્‍યાંગ છે પણ મનથી નહીં. કારણ કે તેઓ ખરાં અર્થમાં પોતાની શારીરિક તકલીફો ભૂલી ખુલ્લા દિલથી લોકશાહીના અવસરને માણી રહ્યા છે.

રાજકોટ શહેરમાં કલેકટર કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટીમાં કાર્યરત ૪૩ કર્મચારીઓ દિવ્‍યાંગ છે. આ તમામ સરકારી કર્મચારીઓ કંટ્રોલ રૂમમાં સભ્‍ય સચિવશ્રી સોનલબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળ આઠ-આઠ કલાકની ત્રણ શિફટમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઇલેક્‍ટ્રોનિક મીડિયામાં થતા પ્રચાર-પ્રસાર તથા પેઈડ ન્‍યૂઝનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. આ કર્મચારીઓએ નિરીક્ષણની કામગીરી એકધારી કરવાની હોવાથી તેઓ સતત કાર્યરત હોય છે. ત્‍યારે ખાસિયત એ છે કે તેઓ પોતાના કાર્યને બોજ તરીકે જોતા નથી પણ મોજ સાથે કરે છે.

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી રશ્‍મિનભાઈ પટેલએ જણાવ્‍યું છે કે અહીં દરેક કર્મચારીઓને શરીરના કોઈ અંગમાં તકલીફ છે. અમુક કર્મચારીઓ રોજ અપડાઉન કરે છે. આવી પરિસ્‍થિતિમાં અમે પોતાની કામગીરીને વધાવવાની ભાવના રાખી છે. તાજેતરમાં અમે બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટ ડ્રેસકોડ રાખ્‍યો હતો. તમામ કર્મચારીઓ સફેદ રંગના કપડાંમાં સજ્જ થઈને આવ્‍યા હતા. જેનાથી ટીમમાં એકતા જળવાઈ રહે. આ રીતે વિવિધ થીમ સાથે એકધારી પ્રવૃત્તિને આનંદિત બનાવી રહ્યા છીએ. વિધાનસભા સામાન્‍ય ચૂંટણીમાં જિલ્લાના દરેક દિવ્‍યાંગ મતદારો મતદાન કરી ચુંટણીમાં ભાગીદાર બને તેવો મારો અનુરોધ છે.

લોકશાહીનું પાવન પર્વ ચુંટણી નજીક આવી રહ્યું છે. યુવાનથી લઈને વયોવૃદ્ધ મતદારો મતદાનના અમૂલ્‍ય અધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે. ત્‍યારે એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમમાં તૈનાત દિવ્‍યાંગ કર્મચારીઓએ શારીરિક ઉણપને ભૂલી પોતાને સોંપાયેલી રોજિંદી ફરજને રચનાત્‍મક પ્રવૃત્તિઓ સાથે રસ તરબોળ કરી ‘Work is worship.'નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્‍યું છે.

 

(3:39 pm IST)