Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

‘યમરાજ કોલીંગ-ર' શેમારૂમી પર રીલીઝ

પ્રથમ પાર્ટમાં જીંદગી જીવવા અંગે સૌને જાગૃત કરાયા અને હવે બીજા ભાગમાં જીંદગી માણતા કરવાનો મુક સંદેશ : ગુજરાતી પારિવારિક વેબસીરીઝના પ્રથમ ભાગને દર્શકોએ દિલથી વધાવી લેતા બીજો ભાગ રજુ : દેવેન ભોજાણી અને નિલમ પંચાલ નવા જ બોધદાયી સંદેશાઓ પીરસવા સજજ

રાજકોટ તા. ૧૬ : શેમારૂમી  એપ્‍લીકેશન પર ગુજરાતી પારિવારિક વેબ સીરીઝ ‘યમરાજ કોલીંગ ૨' ધુમધડાકાભેર રજુઆત થઇ ચુકી છે.

આ સીરીયલના મુખ્‍યપાત્રોને ન્‍યાય આપતા દેવેન ભોજાણી અને નિલમ પંચાલે ‘અકિલા' ખાતે આ વેબસીરીઝની રસપ્રદ વાતો રજુ કરી હતી.

તેઓએ જણાવેલ કે યમરાજ કોલીંગના પ્રથમ ભાગને દર્શકોએ ખુબ પ્રેમ આપ્‍યો હતો. જેનાથી પ્રેરાઇને આ બીજો ભાગ રજુ થયો છે. જેમાં અલગ અલગ હપ્‍તે કઇકને કઇક બોધદાયી સંદેશાઓ આપવા પ્રયાસ થયો છે. પ્રથમ મૃત્‍યુના ડરનો અહેસાસ કરાવી જીંદગી કેમ જીવવી તેનો અહેસાસ કરાવવામાં આવ્‍યો છે તો બીજા ભાગમાં જીવનને માણવાની શરૂઆત કેમ કરવી તે દર્શાવવામાં આવ્‍યુ છે.

આ તકે દેવેન ભોજાણીએ જણાવ્‍યુ હતુ કે દરેકના જીવનમાં નાની નાની સમસ્‍યાઓ સર્જાતી જ હોય છે. પરંતુ જો માણસ શાંતિ ચિતે મનથી વિચારતો થાય તો તેની સમસ્‍યાનું સોલ્‍યુશન તેને મળી જ રહે છે. જીવનને વ્‍યર્થ એળે ન જવા દયો, તેને પળે પળ માણો તેવુ આ વેબસીરીઝના માધ્‍યમથી કહેવાયુ છે.

નિલમ પંચાલે જણાવ્‍યુ હતુ કે દરેક હપ્‍તે દર્શકોને નવો જ સંદેશો મળશે. જેમાં એક હપ્‍તો આજકાલ વધી ગયેલ મોબાઇલ મેનીયાને લઇને તૈયાર કરાયો છે તો એક હપ્‍તો દિકરી વિદાય ઉપર તૈયાર કરાયો છે. ખાસ કરીને દિકરીના પિતા જે વાત કરે છે તે マદયને સ્‍પર્શી જાય તે રીતે રજુ થઇ છે. આવા પાત્રને ન્‍યાય આપવાની મને તક મળી તે બદલ હું પણ ખુશી અનુભવુ છુ.

અહીં ઉલ્લેખનીય છે કે નિલમ પંચાલ મુળરાજ રાજડા પરિવારમાંથી આવે છે અને ‘હેલ્લારો' તેમજ ‘૨૧ મું ટીફીન', ‘રાડો' જેવી ગુજરાતી ફિલ્‍મો કરી ચુકયા છે. ઉપરાંત ‘હમારી દેવરાની', ‘વીરા' જેવી વેબસીરીઝોમાં પણ અભિનય આપી ચુકયા છે. એક હિન્‍દી ફિલ્‍મ ‘કાબેલ' કર્યુ છે અને અનેક નાટકો પણ કર્યા છે.

જયારે દેવેન ભોજાણી ત્રીસેક વર્ષથી અભિનય ક્ષેત્રે છે. ‘બા બહુ ઓર બીબી' માં ‘ગટુ' ના પાત્રથી ખુબ ફેમશ થયેલા. આ ઉપરાંત ‘ઓફીસ ઓફીસ' ઉપરાંત અનેક નાટકો અને ‘જો જીતા વહી સીકંદર', ‘અગ્નિપથ' જેવી હિન્‍દી ફિલ્‍મો કરી ચુકયા છે. ‘કમાન્‍ડો-૨' તથા ‘સારાભાઇ વર્સીસ સારાભાઇ'નું દિગ્‍દર્શન કરેલ અને હાલ ‘રાજકુમાર હિરા'નું શુટીંગ ચાલુ છે.

વેબ સીરીઝ ‘યમરાજ કોલીંગ-૨'નું ટ્રેલર લોન્‍ચ થયુ ત્‍યારથી જ લોકો તેના પર ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે. ગત ૧૪ નવેમ્‍બરથી શેમારૂમી પર આ વેબસીરીઝ પ્રારંભ થઇ ચુકી છે. જે મોબાઇલ પર ડાઉનલોડ કરીને પણ નિહાળી શકાય છે.  તેમ આ કલાકારોએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે ‘યમરાજ કોલીંગ-૨' વેબસીરીઝના અભિનેતા દેવેન ભોજાણી તથા અભિનેત્રી નિલમ પંચાલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)