Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટના ‘સ્‍ટોન કિલર'ને આજીવન કારાવાસ

સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર ‘રામન રાઘવન' સ્‍ટાઇલથી થયેલી હત્‍યાઓને કારણે રાજકોટ ધ્રુજી ઉઠયું હતું : મોર્નિંગ વોકમાં નીકળેલા વલ્લભભાઇ રંગાણીને લાલચ આપી સ્‍કૂટર પર બેસાડી પાળના રસ્‍તે લઇ પથ્‍થરોના ઘા ફટકારી હત્‍યા કરીહતીઃ અગાઉ ત્રણ ગુનામાં અરોપી નિર્દોષ છુટેલોઃ ચોથા ગુનામાં નજરે જોનારા સાહેદના નિવેદન, એક્‍સ્‍ટ્રા જ્‍યુડિશીયલ કન્‍ફેશન ઉપરની જૂબાનીથી કેસ પુરવાર થયોઃ સરકારી વકિલ બીનલબેન રવેશીયાની દલિલો માન્‍ય રાખી કોર્ટએ સજા સાથે ૧ લાખનો દંડ ફટકાર્યો

રાજકોટ તા. ૧૬ :.. અત્રે મુંઝકા ગામથી પાળ ગામ જવાના રસ્‍તે આવેલ ઉમા પેલેસ આંગન પાર્ક નજીક વલ્લભભાઇ જાગાભાઇ રંગાણીની હત્‍યા કરવા અંગે પકડાયેલ સ્‍ટોન કિલર હિતેષ ઉર્ફે બાડો દલપતરાય રામાવત સામેનો કેસ ચાલી જતાં અધિક સેશન્‍સ જજ શ્રી બી. ડી. પટેલે આરોપી સ્‍ટોન કિલરને આજીવન કેદની સજાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવીને હત્‍યા-લૂંટના ગુનામાં આજીવન કેદની સજા અને એક લાખનો દંડ આરોપીને ફટકાર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાં રાજકોટના જુદા જુદા વિસ્‍તારોમાં ત્રણ થી ચાર વ્‍યકિતના માથા અને કપાળના ભાગે પથ્‍થરના ઘા મારીને સ્‍ટોન કિલર દ્વારા હત્‍યા કરવામાં આવતાં રાજકોટ સૌરાષ્‍ટ્રમાં ભારે ચકચાર મચી ગયેલ હતી.
આ બનાવની વિગત મુજબ આ કામના ફરીયાદી શૈલેષભાઇ રંગાણી કે જેઓ રાજકોટ તાલુકા પોલીસ વિસ્‍તારમાં આવેલ ગીરનાર સોસાયટીમાં રહે છે. બનાવના દિવસે તા. ર-૬-૧૬ નાં રોજ ફરીયાદીના પિતા મરનાર વલ્લભભાઇ જાગાભાઇ રંગાણી વહેલી સવારના વોકીંગમાં ગયેલ ત્‍યારે આરોપી સ્‍ટોન કિલર તેને લૂંટના ઇરાદે પોતાના સ્‍કુટર ઉપર લઇ જઇને પાળ રોડ તરફના  રસ્‍તે લઇ ગયેલ જયાં તેની પાસે રહેલ મોબાઇલ ફોન અને ૧૧,પ૦૦ ની લૂંટ કરી માથા અને કપાળના ભાગે પથ્‍થરોના ઘા મારી વલ્લભભાઇની હત્‍યા કરી હતી.
આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને અત્રે મેઘમાયાનગરમાં રહેતા કિશોર કલાભાઇ મુછડીયાએ બનાવના દિવસે મૃતક અને આરોપીને સ્‍કુટર ઉપર જતાં સાથે જોયા હતાં તેથી તેનું નિવેદન લઇને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.
પોલીસ તપાસ દરમ્‍યાન આરોપી મૃતકને કોઇ લાલચ આપીને સાથે લઇ ગયા બાદ પથ્‍થરના ઘા મારીને હત્‍યા કર્યાનું ખુલ્‍યું હતું.
આ કેસ ચાલતાં સરકાર પક્ષે એ. પી. પી. બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, આ બનાવ અંગે સાહેદ કિશોરભાઇ મુછડીયાએ આપેલ નિવેદન ઉપરથી તેઓ આરોપીને મરનાર સાથે જોયા હતાં તેમજ આ સાહેદે કોર્ટ સમક્ષ ૧૬૪ હેઠળ નિવેદન આપેલ છે. તેમાં તેણે આરોપીએ લાલ કલરનું ટી-શર્ટ  અને પેન્‍ટ પહેરેલ હોવા સહિતની માહિતી  આપી  પોલીસને   પુરી વિગતો આપી છે.
આ સાહેદે મૃતકનો છાપામાં ફોટો જઇને પોલીસને સઘળી માહિતી આપી હતી. પોલીસે સાહેદના નિવેદન ઉપરથી સી. સી. ટી.વી.ના કેમેરા ચેક કરી સાહેદનું નિવેદન લઇને આરોપીનું પગેરૂ મેળવી તેની ધરપકડ કરી હતી.
વધુમાં સરકારી વકીલ શ્રી બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, સાહેદના એકસ્‍ટ્ર જયુડીશ્‍યલ કન્‍ફેશન વાળા નિવેદન ઉપરથી તેણે આપેલ ઝૂબાની જોતા આરોપી વિરૂધ્‍ધ નિશંકપણે ગુનો પુરવાર થતો હોય આરોપીને વધુમાં વધુ આકરી સજા કરવી જોઇએ.
સરકારી વકીલ બિનલબેને જણાવેલ કે, પોલીસ તપાસ દરમ્‍યાન હાલનો આરોપીએ એક જ મોડસ ઓપરેન્‍ડીથી રાજકોટની આસપાસના વિસ્‍તારો પથ્‍થરના ઘા મારીને ત્રણ થી ચાર વ્‍યકિતઓની હત્‍યા કરી હતી. પથ્‍થરોના ઘા મારીને સ્‍ટોન કિલર દ્વારા થયેલ હત્‍યાઓના પગલે રાજકોટમાં પોલીસની ઉંઘ પણ ખરાબ થઇ ગયેલ તેમજ શહેરભરમાં ભારે હાહાકાર મચી ગયો હતો. તેથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય તેને આકરામાં આકરી સજા કરવી જોઇએ.
ઉપરોકત રજૂઆત અને સાહેદોના નિવેદન તેમજ પોલીસ તપાસને ધ્‍યાને લઇને અધિક સેશન્‍સ જજ શ્રી બી. ડી. પટેલે આરોપી સ્‍ટોન કિલર હિતેષ ઉર્ફે બાડો રામાવતને આ ગુનામાં તકસીરવાન ઠરાવેલ હતાં. આ અગાઉ ત્રણેક ગુનામાં આરોપી છૂટી ગયો હતો. જયારે હાલના ગુનામાં આરોપીને સજા માટે તકસીરવાન ઠરાવવામાં આવેલ છે. આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

 

(3:30 pm IST)