Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટ યાર્ડમાં મગફળીની વધુ ૧.૧૫ લાખ ગુણીની આવક : ભાવમાં ઉછાળો

કપાસના ૧૮૦૦ થી ૧૯૦૦ રૂા.ભાવ ઉપજતા ખેડુતો રાજી રાજી : તલના ભાવો વધ્‍યા બાદ ઘટયા

રાજકોટ, તા., ૧૬: સૌરાષ્‍ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક શરૂ કરાતા જ વધુ ૧.૧પ લાખ મગફળીની ગુણીની આવકો થઇ હતી. મગફળીની પુષ્‍કળ આવકો છતા ભાવ ઘટવાને બદલે વધ્‍યા હતા. સાથોસાથ કપાસના ભાવો પણ સારા મળતા ખેડુતો ખુશખુશાલ છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા ૧૪પ૦ થી વધુ વાહનોમાં  ૧.૧પ લાખ મગફળીની ગુણીની આવકો નોંધાઇ હતી. મગફળી ભરેલા વાહનોની ઉતરાઇમાં કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાઇ તે માટે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તથા તમામ ડીેરેકટરો અને યાર્ડના કર્મચારીઓ હાજર રહી સંકલનથી તમામ મગફળી ભરેલા વાહનોની ઉતરાઇ કરાવી હતી. મગફળીની જંગી આવક છતા મગફળીના ભાવો ઘટવાને બદલે વધ્‍યા હતા. મગફળી એક મણના ભાવમાં ૧૦ થી ર૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. મગફળી જીણી એક મણના ભાવ ૧૦૯૦ થી ૧ર૭૦ રૂપીયા, મગફળી જાડી એક મણના ભાવ ૧૧ર૦ થી ૧૧પપ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. મીલ ડીલવરીમાં મગફળી જીણીના ભાવ ૧૧૦૦ થી ૧રપ૦ રૂપીયા અને મગફળી જાડીના ૧૧પ૦ થી ૧૩પ૦ રૂપીયા ભાવ બોલાયા હતા. યાર્ડના સંચાલકો દ્વારા હાલ તુર્ત નવી મગફળીની આવકો બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી બંધ રખાઇ છે.

દરમિયાન રાજકોટ યાર્ડમાં કપાસની  ર૬૦૦ કવીન્‍ટલની આવક હતી. કપાસ એક મણના ભાવ ૧૮૧૦ થી ૧૯૧૦ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. કપાસના ભાવ સારા મળતા ખેડુતો રાજી રાજી છે. બીજી બાજુ સફેદ તલના ભાવોમાં રેકર્ડબ્રેક ભાવ વધારો થયા બાદ પ૦ થી ૧૦૦ રૂપીયાનું ગાબડું પડયું હતું. સફેદ તલ એક મણના ભાવ ૨૮૫૦ થી ૩૨૯૦ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. બે દિ' પુર્વે સફેદ તલ ૩૬ર૧ રૂપીયાના વિક્રમજનક ભાવે સોદા પડયા હતા.

(1:26 pm IST)