Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ગાયએ લોહાણા વેપારી રસિકલાલ ઠકરારને ઢીંકે ચડાવી પતાવી દીધાઃ ગાયના માલિક સામે ગુનો

પોતાનું પશુ રખડતું મુકવાથી કોઇને મહાવ્‍યથા પહોંચાડશે તેવું જાણવા છતાં માલિકે બેદરકારી દાખવ્‍યાનો આરોપ : મૃત્‍યુ પામનાર યાર્ડના કમિશન એજન્‍ટ વૃધ્‍ધના પુત્ર વૈભવભાઇએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવીઃ ઘરેથી દૂધ લેવા નીકળ્‍યા'તાઃ ગાયને તગડવા લોકોએ હોકી, ટ્રેકટરથી પ્રયાસ કર્યો પણ ગાય સતત ઢીંક મારતી રહીઃ વિડીયો વાયરલ થયો : ગોપાલ ચોક ત્રિલોક પાર્ક નિવેદીતા સોસાયટીમાં ૮મીએ બનાવ બન્‍યો હતો : કાળા રંગની શીંગડાવાળી ગાયની ગર્ભાશયની કોથળી સ્‍હેજ બહાર નીકળેલી હતીઃ વર્ણનના આધારે ગાયના માલિકને શોધતી પોલીસ

તસ્‍વીરમાં કઇ રીતે ગાયએ વૃધ્‍ધ રસિકલાલ ઠકરારની પાછળ દોડી ઢીંકે ચડાવી પછાડી દીધા બાદ ઢીંક મારવાનું ચાલુ રાખ્‍યું હતું તેના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો જોઇ શકાય છે. ઇન્‍સેટમાં મૃત્‍યુ પામનાર રસિકલાલ ઠકરાર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૬: અઠવાડીયા પહેલા સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક ત્રિલોક પાર્ક-૧ નિવેદીતા સોસાયટીમાં વલ્લભ કૃપા ખાતે રહેતાં અને માર્કેટ યાર્ડમાં કમિશન એજન્‍ટ તરીકે કામ કરતાં રસિકલાલ મોરારજીભાઇ ઠકરાર (લોહાણા) (ઉ.વ.૭૬) ઘરેથી નજીકને ડેરીએ દૂધ લેવા જવા નીકળ્‍યા ત્‍યારે એક ગાયએ તેમને ઢીંકે ચડાવ્‍યા હતાં અને ખુંદી નાંખ્‍યા હતાં. એક ભાઇએ હોકી વડે અને બીજા એક વ્‍યક્‍તિએ પોતાના ટ્રેકટરથી ગાયને ડરાવી દૂર ભગાડવા પ્રયાસ કર્યો હતો છતાં ગાય વૃધ્‍ધને ઢીંકો મારતી રહી હતી. અંતે ટ્રેકટર ચાલકે વધુ પ્રયાસ કરતાં ગાય ભાગી ગઇ હતી. પરંતુ ગંભીર ઇજા પામનારા રસિકલાલ ઠકરારનું સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આ કિસ્‍સામાં યુનિવર્સિટી પોલીસે રખડતી ગાયના માલિક વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. પોતાના પશુને રખડતું મુકવાથી કોઇને મહાવ્‍યથા થવાની શક્‍યતા જાણતાં હોવા છતાં તેણે ગાયને રેઢી મુકી દીધી હોઇ આ ગાયએ રસિકલાલનું મોત નિપજાવ્‍યાનો આરોપ મુકાયો છે. આ પ્રકારનો પહેલો જ ગુનો રાજકોટ શહેરમાં દાખલ થયો છે.

બનાવ અંગે પોલીસે નિવેદીતા સોસાયટી ત્રિલોક પાર્કમાં રહેતાં વૈભવભાઇ રસિકલાલ  ઠકરાર (ઉ.૩૬)ની ફરિયાદ પરથી કાળા રંગની શીંગડાવાળી ગાયના માલિક વિરૂધ્‍ધ આઇપીસી ૨૮૯, જીપીએક્‍ટની કલમ ૯૦-એ મુજબ ગુનો નોંધ્‍યો છે. વૈભવભાઇએ જણાવ્‍યું છે કે અમે બે ભાઇઓઅ ને બે બહેનો છીએ. મારા પિતાજી રસિકલાલ માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્‍ટનું કામ કરતાં હતાં અને હું પણ તેમની સાથે કામ કરુ છું. તા. ૮/૧૧/૨૨ના સવારે પોણા આઠેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે દિવ્‍યાબેને આવીને મારા પત્‍નિ કાજલને આવીને કહેલું કે તમારા સસરાને ગાય મારે છે અને તે પડી ગયા છે, જલ્‍દી આવો. જેથી હું, મારી પત્‍નિ બધા રોડ પર જતાં શેરીમાં સ્‍કાય કિડ્‍સ નામની સ્‍કૂલ નજીક ગાય મારા પિતાને ઢીંકો મારતી હતી. મેં તથા બીજા એક ભાઇએ હોકીની મદદથી ગાયને દૂર ખસેડવા કોશીષ કરી હતી પણ તે જતી નહોતી અને મારા પિતાને મારવાનું ચાલુ રાખ્‍યું હતું.

એ દરમિયાન એક ટ્રેકટર ચાલક નીકળતાં તેણે પણ ટ્રેકટરની મદદથી ગાયને દૂર ભગાડવા પ્રયાસ કર્યો હતો. છતાં ગાય મારા પિતાજીને ઢીંક મારી રહી હતી. એ પછી ટ્રેકટરચાલકે વધુ પ્રયાસ કરતાં અને નજીકમાં આડુ ટ્રેકટર રાખી દેતાં ગાય ભાગી ગઇ હતી અને થોડે દૂર જઇ ઉભી રહી ગઇ હતી. એ પછી અમે ૧૦૮ને જાણ કરી હતી. પણ ૧૦૮ આવવામાં વાર લાગતાં રિક્ષા બોલાવી મારા પિતાજીને ગંભીર ઇજા થઇ હોવાથી વોકહાર્ટ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. પરંતુ ત્‍યાં તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

જે તે વખતે અમે પોલીસ સમક્ષ આ બનાવ અંગે પ્રાથમિક નોંધ કરાવી હતી. અંતિમવિધી પુરી થયા બાદ મેં ફરિયાદ કરી છે. વૈભવભાઇએ વધુમાં જણાવ્‍યું છે કે ગાય કાળા કલરની હતી અને માથે શીંગડા હતાં, પાછળની બાજુએ ગર્ભાશયની કોથળી થોડી બહાર નીકળી ગયેલી હાલતમાં હોય તેવી હતી. ગાયના માલિક કે જેઓ જાણતાં હોય કે મારા પશુને રખડતુ મુકવાથી કોઇને મહાવ્‍યથા પહોંચાડશે તેમ છતાં તેણે બેદરકારી દાખવી હોઇ જેના કારણે મારા પિતાજીનું મૃત્‍યુ થયું હોઇ જેથી ગાયના માલિક વિરૂધ્‍ધ મેં ફરિયાદ કરી છે. જેથી કરીને બીજા લોકો આ રીતે પોતાના ઢોરને રખડતાં છોડતાં પહેલા વિચાર કરે. યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોનસ. એ. ડી. અવાડીયાએ ગુનો નોંધી ગાયના માલિકની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૬)

રૈયા રોડ આમ્રપાલી પાછળની સોસાયટીઓમાં પણ રખડતાં ઢોરનો ભારે ત્રાસઃ લોકોની ફરિયાદ

ઞ્જરૈયા રોડ પર આમ્રપાલી સિનેમા પાછળના ભાગેની સોૈરભ સોસાયટી, નિરંજની સોસાયટી, પ્રગતિ સોસાયટી, શિવાજી પાર્ક સહિતના વિસ્‍તારમાં પણ રખડતાં ઢોરનો ભારે ત્રાસ હોવાની ફરિયાદો આ વિસ્‍તારના રહેવાસીઓમાં ઉઠવા પામી છે. તંત્રવાહકો આ મામલે કાર્યવાહી કરી તેવી લોકોની માંગણી છે.

(11:47 am IST)