Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટની શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલનો ૨૩મા અને અમદાવાદની હોસ્‍પિટલનો પાંચમાં વર્ષમાં પ્રવેશ

શનિવારે અમદાવાદમાં સુપ્રીમ કોર્ટના જસ્‍ટીસ એમ.આર.શાહ, જસ્‍ટીસ જે.બી. પારડીવાળા અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હૃદયરોગના બાળ દર્દીઓને આશીર્વાદ આપશે

રાજકોટઃ ‘દિલ વિધાઉટ બિલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં ૨૨ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.
તા.૧૮/૧૧/૨૦૨૨ના શુક્રવારના રોજ શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, અમદાવાદ પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે તા.૧૯/૧૧/૨૦૨૨, શનિવારના રોજ શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાસીન્‍દ્રા, સરખેજ ધોળકા હાઈવે ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશો ખાસ ઉપસ્‍થિત રહીને હોસ્‍પિટલના હૃદય રોગના બાળ દર્દીઓને આશીર્વાદ આપશે.
આ ખાસ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ શ્રી એમ.આર.શાહ, જસ્‍ટિસ શ્રી જે.બી. પારડીવાળા અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી હાજરી આપશે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્‍ટિસ અને ચેરમેન રવિ બિયાસ વોટર ટ્રિબ્‍યુનલ શ્રી વિનીત સરન ખાસ વર્ચ્‍યુલી હાજર રહેશે.
શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્‍પિટલ છે કે જે બાળકોને હૃદયના ઓપરેશન જેનો કોઈપણ હોસ્‍પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્‍યે કરે છે. આ હોસ્‍પિટલએ છેલ્લાં ૪ વર્ષમાં ૩૨૦૦ જેટલા બાળદર્દીઓની હાર્ટસર્જરી વિનામૂલ્‍યે કરી નવું જીવન આપ્‍યું છે. શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા ૨૦૦૦૦થી પણ વધારે દર્દીઓના ઓપરેશન નિઃશુલ્‍ક કરવામાં આવ્‍યા છે.
૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ- આઈસીસીયુ અને કેથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાશિન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.
અમદાવાદમાં આવેલી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ખરા અર્થમાં દર્દીઓની સેવાની ભેખ ધારણ કરેલી છે. જયાં બાળદર્દીઓને હાર્ટસર્જરી સુવિધાઓ વિનામૂલ્‍યે પૂરી પાડે છે.
શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, પ્‍લોટ નં.૨૩ બી, કાસિન્‍દ્રા ગામ, વિશ્વકર્મા મંદિરની સામે, સરખેજ ધોળકા હાઈવે, દસક્રોઈ તાલુકો, અમદાવાદ-૩૮૨૨૧૦ સંપર્ક- ૦૨૭૧૮/૨૨૪૮૦૦-૦૧, મો.૯૩૨૭૬ ૫૫૮૧૮

 

(11:17 am IST)