Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

સરકારી નોકરી માટે પસંદગી પામેલા તાલીમાર્થીઓનું ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સન્‍માન : રાજકોટની વેબસાઈટનું રિ-લોન્‍ચિંગ

રાજકોટ : ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ (KDVS) માંથી તાલીમ મેળવીને વર્ષ ૨૦૨૨ ની સરકારી નોકરીઓમાં પસંદ થયેલા ૧૮૮ વિદ્યાર્થીઓના સન્‍માન સમારોહનું આયોજન રાજકોટના મવડી-પાળ રોડ પર આવેલા ક્રિષ્‍ના પાર્ટી પ્‍લોટ ખાતે કરવામાં આવ્‍યું હતું. ખોડલધામ ટ્રસ્‍ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલા સન્‍માન સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્‍યથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ ખોડલધામ ટ્રસ્‍ટ- કાગવડના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરીયાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. સ્‍વાગત બાદ સરકારી નોકરીમાં પસંદ થયેલા કુલ ૧૮૮ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સરદાર વલ્લભભાઈ પટેલની છબી આપીને સન્‍માનિત કર્યા હતા. સન્‍માનિત થયેલા કુલ ૧૮૮ તાલીમાર્થીઓએ પોલીસ વિભાગ, પીએસઆઈ-એએસઆઈ, હેડ ક્‍લાર્ક, સિનિયર ક્‍લાર્ક, બિન સચિવાલય ક્‍લાર્ક, ટેક્‍નિકલ વિભાગ, મ્‍યુનિસિપલ કોર્પોરેશન ક્‍લાર્ક, આઈટીઆઈ ઈન્‍સ્‍ટ્રક્‍ટર સહિતના અન્‍ય વિભાગમાં નિમણુંક પામી સમાજ, સંસ્‍થા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું અને મોબાઈલમાં ફલેશલાઈટ ચાલુ કરી મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિની વેબસાઈટ www.kdvsgujarat.org રિ-લોન્‍ચિંગ નરેશભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે તાલીમાર્થીઓને તાલીમ આપનાર તમામ ફેકલ્‍ટીઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે તાલીમાર્થીઓએ આભાર વ્‍યકત કરવા નરેશભાઈ પટેલનું હાર પહેરાવી સન્‍માન કર્યું હતું. આ ઉપરાંત તાલીમાર્થીઓએ માર્ગદર્શક પીઆઈશ્રી સંજયભાઈ પાદરીયા અને પોલીસ કોન્‍સ્‍ટેબલશ્રી સંજયભાઈ ખાખરીયાનું પણ સન્‍માન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં આભાર વિધી શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ- કાગવડના મંત્રીશ્રી જીતુભાઈ વસોયાએ કરી હતી. આ સન્‍માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીઓ, સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન-રાજકોટના ટ્રસ્‍ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથના ટ્રસ્‍ટીઓ, દાતાઓ, ખોડલધામ ટ્રસ્‍ટના કન્‍વીનરો, સહ કન્‍વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્‍યો, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ લિગલ સમિતિ, અન્‍ય સમિતિઓ, સોશિયલ ગ્રુપના સભ્‍યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્‍થાના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં ભાઈઓ- બહેનોએ ઉપસ્‍થિત રહીને તાલીમાર્થીઓના સન્‍માનના સાક્ષી બનીને તેઓને શુભેચ્‍છા પાઠવી હતી.

(3:22 pm IST)