Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ધારાસભ્‍ય બનીશ તો પગાર નહી લઉ, શિક્ષણ- આરોગ્‍ય માટે વાપરીશ

રાજકોટ ૭૦ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા કહે છે સમગ્ર વિસ્‍તારને સીસીટીવી કેમેરાથી સજજ બનાવીશ, સુચીત સોસાયટીઓનું નિરાકરણ અચુક લાવીશું, ભાજપ સરકાર ઢગલાબંધ વચનો આપે પણ કામગીરી થતી નથી

રાજકોટઃ વિધાનસભા-૭૦ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા આજે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ કહ્યું કે જો હું ધારાસભ્‍ય તરીકે ચુંટાઈશ તો પગાર ભથ્‍થા નહી લઉ અને તેનો શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે ઉપયોગ કરીશ.

તેઓએ જણાવેલ કે આ માટે એક કમીટીની નિમણુંક કરીશ અને જરૂરીયાતમંદોને શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે પુરતી મદદ કરવામાં આવશે.

હિતેષ વોરાએ જણાવેલ કે મારો પ્રથમ એજન્‍ડા વિધાનસભા-૭૦ સમગ્ર વિસ્‍તારને સીસીટીવીથી સજજ કરવાનો છે. આ ઉપરાંત રોડ, રસ્‍તા, પાણીના પ્રશ્નો તેમજ ૭૦ની બેઠકમાં મોટાભાગના વિસ્‍તારોમાં સુચિત સોસાયટીઓ છે જે નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.

તેઓએ ભાજપ ઉપર ચાબખા મારતા કહ્યું કે ભાજપના નેતાઓ સ્‍ટેજ ઉપર મોટી- મોટી જાહેરાતો કરે છે. મોટા મોટા આદેશો આપવામાં આવે છે. પણ કઈ અમલમાં આવતું નથી.

આ તકે મહેશ રાજપુતે જણાવેલ કે આ વખતે ચૂંટણીના પરિણામો કોઈએ ધાર્યા ન હોય તેવા કલ્‍પના બહારના આવશે. અંદરખાને જનતાનો ભાજપ સામે રોષ છે જ જે આ ચૂંટણીમાં જનતા વોટ આપી જવાબ આપશે.

તેઓએ જણાવેલ કે પોલીસ તંત્ર દ્વારા અવાર નવાર કોંગ્રેસના નેતાઓને જ હેરાન કરવામાં આવે છે. હાલમાં મારા, મિતુલ દોંગા સહિતના નેતાઓ ઉપર ચેપ્‍ટર કેસ કરવામાં આવી રહ્યા છે. જયારે ભાજપના પ્રધાનોએ તો ભુતકાળમાં કોંગ્રેસના કાર્યકરોના ઘરે જઈ મારામારવાના દાખલા છે.

અમારી સામે આવા ખોટા કેસ કેમ કરવામાં આવે છે. અમે તો કોંગ્રેસના કાર્યકરો છીએ કોઈ ગુનેગારો નથી.

કોંગ્રેસના નેતા જશવંતસિંહ ભટ્ટીએ જણાવેલ કે હાલમાં તંત્ર દ્વારા કોંગ્રેસના ૪૦૦ થી ૫૦૦ નેતાઓ કાર્યકરોના લીસ્‍ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ચૂંટણીના દિવસે તમામને ઉપાડી જવાની માહિતી મળી હોવાનું જણાવેલ.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ-૭૦ બેઠકના ઉમેદવાર હિતેષ વોરા તેમજ પ્રદેશ કોંગ્રેસના મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, પૂર્વ ડે.મેયર ભરતભાઈ મકવાણા, રાજકોટ શહેર અનુ.જાતિ સેલના પ્રમુખ નરેશભાઈ સાગઠીયા, વોર્ડ પ્રમુખ બિજલભાઈ ચાવડીયા, જીજ્ઞેશભાઈ ડોડીયા, પ્રહલાદસિંહ ઝાલા, કેતન ઝરીયા, દિપકભાઈ ધવા અને વિજયસિંહ જાડેજા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:48 pm IST)