Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

દરેક સમાજના નાનામાં નાના પ્રશ્નો ઉકેલવા પુરતા પ્રયત્‍નો કરીશ, મહિનામાં બે વખત લોકદરબાર યોજાશેઃ મેહુલ નથવાણી

રઘુવંશી સમાજના યુવા અગ્રણીએ રાજકોટ-૬૯ બેઠક ઉપરથી અપક્ષમાંથી ઝંપલાવ્‍યું: તેઓ કહે છે સરકારી યોજનાઓની જાહેરાતો થાય છે પણ તેનો અમલ થતો નથી

રાજકોટઃ રાજકોટ- ૬૯ બેઠક ઉપરથી રઘુવંશી યુવા અગ્રણી મેહુલ નથવાણીએ અપક્ષમાંથી ઝપલાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે રઘુવંશી સમાજ સાથે સતત અન્‍યાય થઈ રહ્યો છે. કોર્પોરેશન હોય કે વિધાનસભાની ચૂંટણીઓમાં લોહાણા સમાજને ટિકિટો આપવામાં આવતી નથી.

રાજકોટ-૬૯ બેઠક ઉપર કુલ ૩.૫૦ લાખ મતદારો છે. જેમાંથી ૫૫ થી ૫૭ મતદારો લોહાણા સમાજના છે. મેહુલ નથવાણીએ જણાવેલ કે હજુ ગઈકાલે જ ફોર્મ ભર્યુ અને લોકોનું સમર્થન મળી રહ્યું છે. વિવિધ જ્ઞાતિની સંસ્‍થાઓએ પણ મને ટેકો જાહેર કર્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે જો હું ધારાસભ્‍ય તરીકે ચુંટાઈશ તો દરેક સમાજના  નાનામાં નાના પ્રશ્નો હલ કરવા પુરતા પ્રયત્‍નો કરીશ. મહિનામાં બે વખત અલગ- અલગ વિસ્‍તારમાં લોક દરબાર યોજાશે. જેમાં લોકો પોતાના અને વિસ્‍તારના પ્રશ્નો રજૂ કરી શકશે.

દરેક સમાજને રોજગાર મળે તેવા પ્રયત્‍નો કરીશ. ખાસ કરીને યુવાઓ ઉપર વધુ ધ્‍યાન આપવામાં આવશે. તેઓએ જણાવેલ કે સરકારી યોજનાઓ જાહેર થાય છે. પરંતુ તે લોકો સુધી પહોંચતી નથી અમુક નાનાવર્ગને તો આ બાબતનો ખ્‍યાલ પણ હોતો નથી. તેના માટે જરૂરી માર્ગદર્શન કેમ્‍પ યોજવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે મેહુલ નથવાણી- અન્‍નપૂર્ણા સદાવ્રત, નથવાણી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ (ટ્રસ્‍ટી અને પ્રમુખ), રઘુવંશી સોશ્‍યલ ગ્રુપ (ટ્રસ્‍ટી- પ્રમુખ), રામ ચરિત્ર માનસ મંદિર ટ્રસ્‍ટ રતનપર (ટ્રસ્‍ટી), જલારામ હોસ્‍પિટલ ટ્રસ્‍ટી એડવાઈઝર કમિટી, રઘુવંશી પરિવાર રાજકોટ, રઘુવંશી ક્રાંતિ મંચ (કેન્‍દ્રીય ઉપપ્રમુખ), વિશ્વ હિન્‍દુ પરિષદ, જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ (સાંસ્‍કૃતિક તથા સોશ્‍યિલ મીડિયા ઈન્‍ચાર્જ), અખિલ ગુજરાત લોહાણા સમાજ (યુવા સંગઠન) તથા સમાજ સેવક છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લેતા રાજકોટ-૬૯ બેઠકના અપક્ષ ઉમેદવાર મેહુલ નથવાણી (મો.૯૮૨૫૦ ૭૨૦૭૯) નજરે પડે છે. આ સાથે રઘુંવશી ક્રાંતિ મંચના મહેશભાઈ નગડીયા, રઘુવંશી યુવા કલબના રવિભાઈ માણેક, વિમલભાઈ વડેરા, રસેષભાઈ કારીયા નજરે પડે છે.

(3:47 pm IST)