Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

રાજકોટની ૪ બેઠક ઉપર ભાજપ - કોંગ્રેસ - આપના ફોર્મ માન્‍ય : ૩ અપક્ષ તથા તમામ ‘ડમી'ના ફોર્મ રદ્દ

૭૦-રાજકોટમાં કોંગ્રેસના હિતેષ વોરા સામે અપક્ષે વાંધો લીધો પણ વ્‍યાજબી નહી જણાતા વાંધો ઉડાડી દેવાયો : ૭૧-માં બે અપક્ષના ફોર્મ રદ્દ : ૬૮-૬૯માં પણ ફોર્મ ચકાસણી પૂરી : તમામ સ્‍થળે ઓબ્‍ઝર્વર હાજર

જૂની કલેકટર કચેરી ખાતે ઓબ્‍ઝર્વરોની હાજરીમાં ચૂંટણીમાં ભરાયેલ ફોર્મની ચકાસણી થઇ હતી, જે શાંતિપૂર્ણ રહી હતી. તસ્‍વીરમાં ૬૯ રાજકોટમાં R.O. શ્રી સંદિપ વર્મા, ૬૮-રાજકોટમાં R.O. શ્રી સૂરજ સુથાર દ્વારા ભાજપ - કોંગ્રેસ - આપના પ્રતિનિધિઓ - ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી કરી રહ્યા છે તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૫ : રાજકોટ શહેર - જિલ્લાની કુલ ૮ વિધાનસભા બેઠક ઉપર આજે સવારે ૧૧.૩૦ કલાકે તમામ ઓબ્‍ઝર્વરની હાજરીમાં ફોર્મની ચકાસણી દરેક R.O. દ્વારા કરાઇ હતી, જે શાંતિપૂર્ણ રહી હતી, કોઇ વિવાદ સર્જાયા નથી. ચકાસણીના અંતે ૩ અપક્ષના ફોર્મ ટેકેદારોની સહીના અભાવને કારણે અમાન્‍ય કર્યા હતા, તો ભાજપ - કોંગ્રેસ - આપના ઉમેદવારો સાથે ડમી ફોર્મ ભરનાર તમામ ડમીના ફોર્મ આપોઆપ રદ્દ થયા હતા. ૬૮-રાજકોટમાં ભાજપના ઉદય કાનગડ, કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજયગુરૂ તથા આપના રાહુલ ભુવાનું ફોર્મ માન્‍ય રહ્યું હતું. ૬૯-રાજકોટમાં ભાજપના દર્શીતાબેન શાહ, કોંગ્રેસના મનસુખભાઇ કાલરીયા તથા આપના દિનેશભાઇ જોશી અને અન્‍ય અપક્ષોના ફોર્મ માન્‍ય રહ્યા હતા.

૭૦-રાજકોટમાં ભાજપના રમેશભાઇ ટીલાળા કોંગ્રેસના હીતેષભાઇ વોરા તથા આપના ઉમેદવાર રાકેશભાઇ સોરઠીયાનું ફોર્મ માન્‍ય રહ્યું હતું. કોંગ્રેસના હિતેષ વોરાના ફોર્મ સામે એક અપક્ષ ઉમેદવારે આંકડાકીય બાબતે વાંધો લીધો હતો, પરંતુ આ વાંધામાં કશું વ્‍યાજબી નહિ જણાતા આ વાંધો રદ્દ કરાયો હતો.  ૭૧-રાજકોટમાં કોંગ્રેસના સુરેશભાઇ બથવાર, ભાજપના ભાનુબેન બાબરીયા, આપના વશરામભાઇ સાગઠીયાનું ફોર્મ માન્‍ય રહ્યું હતું, બે અપક્ષ તથા ત્રણ ડમીના ફોર્મ રદ્દ થયા હતા.

(3:15 pm IST)