Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વેરા શાખાનો સપાટોઃ ૨૩ બાકીદારોની મિલ્‍કતો સીલ

સામા કાંઠે, મોરબી રોડ, પેડક રોડ, કુવાડવા રોડ વિસ્‍તારમાં ૧૧ મિલ્‍કતો સીલઃ જૂના રાજકોટમાં બજરંગવાળી ઢેબર રોડ પર બે મિલ્‍કતો અને નવા રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર પાંચ મિલ્‍કતોને સીલ લગાવી દેવાયા

રાજકોટ, તા. ૧૬ :. મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં વેરો બાકી રાખનારા બાકીદારોની મિલ્‍કતોને સીલ લગાવી અને બાકી વેરાની કડક ઉઘરાણી કરવામાં આવી હતી. જેમા સામા કાંઠે ૧૧, જૂના રાજકોટમાં ૩ અને નવા રાજકોટમાં ૫ મિલ્‍કતોને સીલ લગાવાયા હતા.

પૂર્વ ઝોન (સામા કાંઠે)

આજે પૂર્વ ઝોન વેરા શાખા દ્વારા વોર્ડ નં. ૪, ૫ અને ૬મો મોરબી રોડ, પેડક રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્‍તારોમાં કુલ ૧૧ મિલ્‍કતો સીલ કરવામાં આવી હતી. જેમાં કુવાડવા રોડ પર એલ.એમ. ટ્રાન્‍સપોર્ટની ૬ મિલ્‍કતોનો ૧.૭૭ લાખનો વેરો વસુલવા સીલ લગાવી દેવાયા હતા તથા મોરબી રોડ બારદાન ગલીમાં અમરસિંહ ખજુરીયાની બે મિલ્‍કતોને રૂા. ૧.૭૬ લાખનો વેરો વસુલવા માટે સીલ કરાઈ હતી તથા પાણીના ઘોડે પેડક રોડ પર પ્રિતીબેન પંડયાની મિલ્‍કતનો ૨ લાખનો બાકી વેરો વસુલવા સીલ લગાવાયુ હતું તથા આ જ વિસ્‍તારમાં ગુણવંતભાઈ ગજેરાની મિલ્‍કતનો ૪.૨૯ લાખનો વેરો વસુલવા સીલ લગાવાયુ હતુ અને રણછોડનગર ૭ માં ૯૪ હજારનો બાકી વેરો વસુલવા માનીબેન ચતુરભાઈની મિલ્‍કત સીલ કરાઈ હતી. આ કામગીરી પૂર્વ ઝોનના આસિસ્‍ટન્‍ટ મેનેજર એમ.ડી. ખીમસુરીયાના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર તથા વોર્ડ ઈન્‍સ્‍પેકટર પરેશ જોશી, બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, કુંદન પંડયા વગેરે દ્વારા કરાઈ હતી.

મધ્‍ય રાજકોટ (સેન્‍ટ્રલ ઝોન)

જ્‍યારે મધ્‍ય રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલ પૂનમ કોમ્‍પલેક્ષમાં બે મિલ્‍કતો અને ઢેબર રોડ એક દુકાન સહિત કુલ ૩ મિલ્‍કતોને સીલ લગાવી દીધા હતા. આ કામગીરી આસિ. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફિસર આરતીબેન નિંબાર્ક, કેતન સંચાણીયા, ટેકસ ઈન્‍સ. નિતીન ખંભોળીયા, કમલેશ ઠાકર, મુકેશ ખંધેરીયા વગેરે દ્વારા આસિ. કમિશ્નર શ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું.

વેસ્‍ટ ઝોન (નવુ રાજકોટ)

જ્‍યારે વેસ્‍ટ ઝોન વેરા વિભાગ દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ ઈમ્‍પીરીયલ હાઈટસમાં વિક્રમભાઈ સોરઠીયાની મિલ્‍કતનો બાકી વેરો વસુલવા સીલ લગાવાયુ હતું તથા આ જ સ્‍થળે ઐશાની ડેવલોપર્સની મિલ્‍કતનો ૫૧૦૦૦નો બાકી વેરો વસુલવા સીલ લગાવી દેવાયુ હતું.

જ્‍યારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર અંજની ટાવરમાં હર્ષદભાઈ પોપટના ફલેટનો ૫૧ હજારનો બાકી વેરો વસુલવા સીલ લગાવાયુ હતું તથા ત્રિલોક પાર્કમાં શ્રમદીપ કોમ્‍પલેક્ષમાં પણ એક ફલેટને સીલ લગાવી દેવાયુ હતું. આ જ રીતે ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાદલ કોમ્‍પલેક્ષમાં ભારતીબેન બારડના નામે નોંધાયેલ દુકાનનો ૫૭ હજારનો બાકી વેરો વસુલવા સીલ લગાવી દેવાયુ હતું.

ઉપરોકત કામગીરી વેસ્‍ટ ઝોનના આસિસ્‍ટન્‍ટ મેનેજર તથા ટેકસ ઈન્‍સ્‍પેકટર હિતેષભાઈ મહેતા, વશરામભાઈ કણઝારીયા, વાલજીભાઈ પરમાર, જે.બી. પાતળીયા, ભરતભાઈ વાંક, પ્રશાંત ગઢવી, રાજેશ નૈયા, દેવાભાઈ રાઠોડ વગેરે દ્વારા આસિ. કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.

(3:30 pm IST)