Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સબ રજી. કચેરીમાં છાશવારે બંધ થઇ જતાં ઇન્ટરનેટ કનેકશન સબંધે પડતી મુશ્કેલી દુર કરવા વકીલોની માંગ

રાજકોટ રેવન્યુ બાર એસો. ના વકીલો દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ તા ૧૬  : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં  ઇન્ટરનેટ કનેકશન સબંધે પડતી મુશ્કેલીઓ દુર કરવા અંગે રાજકોટ રેવન્યુ બાર એસો.એ કલેકટરશ્રીને પત્ર પાઠવીને યોગ્ય કરવા રજુઆત કરી છે.

હાલના સમયમાં દસ્તાવેજોની નોંધણી ઓનલાઇન થતી હોય, જેથી ઇન્ટરનેટની કનેકટીવીટી સતત અને ઝડપી યોગ્ય માત્રામાં મળી રહે તે ખુબજ જરૂરી છે, પરંતુ ઘણા સમયથી સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-૩,૪,૫,૬,અને ૭ માં અઠવાડીયામાં એક થી બે દિવસ કોઇપણ કારણોસર કનેકટીવીટી અચાનક જતી રહેવાથી કે ધીમી પડવાથી કે વાયર કપાવાથી કે બી.એસ.એન.એલ. દ્વારા પી.જી.વી. સી.એલ. નું લાઇટ બીલ સમયસર ન ભરી શકવાના કારણે કે, જી-સ્વાનની ખામી કે અન્ય કોઇ કારણોસર કનેકટીવીટીના અભાવે દસ્તાવેજોની નોંધણી યોગ્ય સમયે થઇ શકતી નથી, જેથી પક્ષકારો તથા વકીલોના સમયનો વ્યય થાય છે અને ખુબજ મુશ્કેલીઓ ઉભી થાય છે. તેમજ બંન્ને પક્ષકારો વચ્ચે નાણાંકીય લેવડ-દેવડ  થઇ ગયેલ હોય કનેકટીવીટીને અભાવે દસ્તાવેજ નોંધાવી ન શકવાથી ઘણી વખત પક્ષકારો વચ્ચે વિવાદ પણ સર્જાય છે અને ખુબજ મુશ્કેલી પડે છે.

ઉપરોકત બાબતે આઇ.આર. (ઇન્સ્પેકટર ઓફ રજીસ્ટ્રાર), રાજકોટ શ્રી સવાણીને અનેક વખત રજુઆત કરવા છતાં કનેકટીવીટીનો પ્રશ્ન લોકલ લેવલેથી નહીં પણ ગાંધીનગર કચેરીએથી મેનેજ થતો હોવાનો ઉડાઉ જવાબ આપવામાં આવે છે. ખરેખર આ પ્રશ્ન લોકલ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી અને દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતાં રાજય સરકારને કરોડોની આવક ગુમવવી પડે છે  સાથોસાથ પક્ષકારો અને વકીલોને હેરાનગતીનો ભોગ બનવું પડે છે.

રાજય સરકાર એક તરફ દસ્તાવેજની તમામ કાર્યવાહી ઓનલાઇન કરવાની કાર્યવાહી ગતીમાં  છે, ત્યારે હાલમાં દસ્તાવેજ નોંધણીના કાર્યમાં બે કચેરીઓ વચ્ચેના ગજગ્રાહમાં સામાન્ય જનતાને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને હાલમાં જે દસ્તાવેજ નોંધણીની  કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પડતો હોય વકીલોએ પ્રજાના રોષનો ભોગ બનવું પડે છે.

ઉપરોકત સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે આપના તાબાના અધિકારીઓને યોગ્ય સુચના આપવા રેવન્યુ બારના હોદેદારોએ રજુઆત કરી છે. આ રજુઆતમાં  રેવન્યબારના  પ્રમુખ  સી.એચ. પટેલ, એન.જે. આહીયા, ડી.ડી. મહેતા, એન. વી. પટેલ, રાજભા એચ.ઝાલા, બીજેપી લીગલ સેલના હિતેષ દવે સહિતના ઉપસ્થિત રહેલ હતા.

(4:02 pm IST)