Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ચિત્રલેખાના રાજકોટના પત્રકારને ગુજરાત મીડિયા એવોર્ડ અર્પણ

ગુજરાતના ૨૧ પત્રકારોને એવોર્ડ અપાયા : જવલંત છાયાનો પણ સમાવેશ

રાજકોટ તા. ૧૪ : ચિત્રલેખા મેગેઝીનની રાજકોટ ઓફિસમાં સિનીયર કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવતા રાજકોટના પત્રકાર જવલંત છાયાને તાજેતરમાં ગુજરાતી પત્રકારત્વનો ટૂંક સમયમાં પ્રતિષ્ઠિત બની ગયેલો એવો ગુજરાત મીડિયા એવોર્ડ એનાયત થયો હતો. સમગ્ર ગુજરાતમાંથી પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડિયા, રેડીયો અને વેબ પત્રકારત્વ બધું મળીને કુલ ૨૧ એવોર્ડ જાહેર કરાયા હતા. જેમાં એક એવોર્ડ લાઇફ ટાઇમ એચિવમેન્ટ અને એક જયુરી એવોર્ડ હતો એટલે કુલ ૧૭ માંથી એક એવોર્ડ રાજકોટના આ પત્રકારને મળ્યો છે.

શુક્રવાર તા.૧૧ ઓકટોબરે અમદાવાદ ખાતે યોજાયેલા એક દબદબાભર્યા સમારોહમાં આ એવોર્ડ જવલંત છાયાને ગુજકાતના વરિષ્ટ પત્રકાર-કટાર લેખક દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત થયો ત્યારે ગુજરાતના મીડિયા જગતના માંધાતાઓ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ ઉપરાંત હાસ્યકલાકાર,ચિંતક શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ-લેખક તુષાર શુકલ, ભાજપના પ્રવકતા ભરત પંડ્યા, કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

એવોર્ડ માટે પત્રકારો-વિજેતાઓની પસંદગી માટે ગુજરાતના વરિષ્ટ નિવૃત્ત્। આઇએએસ અધિકારી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના અધ્યક્ષા સોનલ પંડ્યા તથા ડો.શિરિષ કાશીકરે જવાબદારી નિભાવી હતી. પ્રિન્ટ મીડિયામાંથી એવોર્ડ મળ્યો હોય એવા રાજકોટના પત્રકારોમાં જવલંત છાયા એક માત્ર છે જયારે સામયીક પત્રકારત્વની વાત કરીએ તો એમાં આખા ગુજરાતમાંથી એક માત્ર એવોર્ડ ચિત્રલેખાની સ્ટોરીને મળ્યો છે.

જવલંત છાયા ૧૯૯૬થી પત્રકારત્વમાં છે. સોળ વર્ષ દૈનિક પત્રકારત્વમાં વિવિધ જવાબદારી નિભાવવા ઉપરાંત કટાર લેખન પણ કર્યા બાદ છેલ્લા સાડા છ વર્ષથી ચિત્રલેખા મેગેઝીનમાં ફરજ બજાવે છે. એમના ૫ પુસ્તક પ્રકાશિત થયાં છે. ૩૦૦થી વધારે ઇન્ટરવ્યૂ એમણે લીધા છે અને વિવિધ ઘટનાઓનું રિપોર્ટીંગ કર્યું છે. વિવિધ વિષયો પર લખ્યું છે. ત્રણ નાટકો પણ લખ્યાં છે. એક વકતા તરીકે પણ એમનું નામ જાણીતું છે.

આ એવોર્ડ માટે એમણે ચિત્રલેખા પરિવાર તથા ચિત્રલેખાના તંત્રી ભરતભાઇ ઘેલાણીને સંપૂર્ણ શ્રેયના હકદાર ગણાવ્યા છે. સાથે જ પોતાનો પરિવાર પણ આ સન્માન માટે એટલો જ યશભાગી છે એવું કહ્યું છે. જયાં જયાં જે પ્રકાશનમાં કામ કર્યું એના માલિકો,તંત્રીઓ,સાથીઓનું પણ આ ઘડીએ સ્મરણ થાય એ સ્વભાવિક છે. શ્રી જવલંત છાયા ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.  (મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭)

(2:42 pm IST)