Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

થોરાળા વિજયનગરના માતા-પુત્રએ ટ્રેન હેઠળ કૂદી જીવ દીધો

૨૪ વર્ષિય પુત્ર માનસિક અસ્વસ્થ હતો અને ૪૦ વર્ષિય માતાને પણ બ્લડપ્રેશર સહિતની બિમારી રહેતી હોઇ બંને સાંજે ઘરેથી નીકળી ગયા બાદ પગલુ ભર્યુ : મોરબી રોડ નવા ઓવર બ્રિજ નીચે રાતે નવેક વાગ્યે બનાવઃ મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે ઓળખ થઇઃ ચમાર પરિવારમાં ગમગીની

ગીતાબેન નાનજીભાઇ પરમાર અને પુત્ર કેતનની તસ્વીર

રાજકોટ તા. ૧૫: શહેરના નવા થોરાળાના વિજયનગર-૮માં રહેતાં ચમાર પરિવારના ૪૦ વર્ષિય મહિલાએ સાંજે પોતાના ૨૪ વર્ષિય માનસિક અસ્વસ્થ પુત્ર સાથે મોરબી રોડ પર નવા ઓવર બ્રિજ નીચે  ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મહિલાને બ્લડ પ્રેશર સહિતની બિમારી હતી, તો પુત્ર માનસિક અસ્વસ્થ હતો. આ કારણ કંટાળીને પુત્રને સાથે રાખી આ પગલુ ભરી લીધાની શકયતા છે. સ્પષ્ટ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. મા-દિકરા બંનેના એક સાથે મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ રાત્રીના નવેક વાગ્યા આસપાસ મોરબી રોડ નવા પુલ નજીક બિલેશ્વર-રાજકોટ વચ્ચેના રૂટ પર સિકંદરાબાદ રાજકોટ ટ્રેન આગળ એક યુવાન અને એક મહિલાએ પડતું મુકી દેતાં  બંનેના મોત નિપજતાં મૃતદેહોને ટ્રેન મારફત જંકશન રેલ્વે સ્ટેશને લાવવામા ં આવ્યા હતાં અને રેલ્વે પોલીસ મથકના એએસઆઇ મધુસુદભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ મેડમ કે.આર. ચોટલીયા અને રાઇટર મયુરસિંહે સ્ટેશને પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી એક વિઝીટીંગ કાર્ડ અને એક ફોટો મળ્યા હતા. કાર્ડના નંબરમાં ફોન કરતાં તે મૃતક યુવાનનો મિત્ર હોવાનું ખુલતાં તેને રૂબરૂ બોલાવી મૃતદેહ દેખાડાતાં ઓળખ થઇ હતી. મૃતક યુવાનનું નામ કેતન નાનજીભાઇ પરમાર (ઉ.૨૪) હોવાનું અને તેની સાથેના મહિલા તેના માતા ગીતાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૪૦) હોવાનું ખુલ્યું હતું. બંને નવા થોરાળાના વિજયનગર-૮માં રહેતાં હોવાની માહિતી મળતાં તેમના કુટુંબીજનોને બોલાવાયા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ગીતાબેનને સંતાનમાં બે પુત્રો કેતન અને કોૈશિક છે. જેમાં ૨૪ વર્ષનો કેતન માનસિક અસ્વસ્થ હતો. જ્યારે ૧૮ વર્ષનો કોૈશિક કારખાનામાં કામ કરે છે. ગીતાબેનના પતિ નાનજીભાઇ બેચરભાઇ પરમાર છુટક મજૂરી કરે છે. સાંજે સાતેક વાગ્યે ગીતાબેન પોતાના પુત્ર કેતનને લઇને ઘરેથી નીકળી ગયા હતાં. એ વખતે તેનો બીજો પુત્ર અને પતિ કામે ગયા હતાં. રાતે પોણા નવેક વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે મા-દિકરો જોવા ન મળતાં તપાસ શરૂ કરી હતી. ત્યાં મોરબી રોડ પુલ નીચે ટ્રેન હેઠળ બંને કપાઇ ગયાના વાવડ પોલીસ મારફત મળતાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ગીતાબેન પરમારને બ્લડ પ્રેશર સહિતની તકલીફ હતી. જ્યારે તેના પુત્ર કેતનને માનસિક તકલીફ હતી. કદાચ આ કારણોસર કંટાળીને ગીતાબેને પુત્ર સાથે આ પગલુ ભરી લીધાની શકયતા છે. જો કે પરિવારજનોએ અન્ય કોઇ કારણ જણાવ્યું ન હોઇ તપાસ યથાવત રાખવામાં આવી છે.

દિકરા સાથે આપઘાત કરનાર ગીતાબેનના માવતર મવડી પ્લોટમાં રહે છે. તેમના પિતાજીનું નામ આંબાભાઇ માવજીભાઇ ઝાલા છે. સવારે વિજયનગરમાંથી માતા-પુત્રની અરથી એક સાથે ઉઠતાં પરિવારજનો, પડોશીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:17 pm IST)