Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કોપર સીટીમાં યુવાનનો આપઘાતઃ સટ્ટામાં મોટી રકમ ગુમાવ્યાની ચર્ચા

હાલ કન્સ્ટ્રકશનનું કામકાજ કરતાં મુળ અમદાવાદના કમલભાઇ ઉર્ફ કાળુભાઇ જયંતિભાઇ જયસ્વાલ (ઉ.વ.૪૦)એ ગળાફાંસો ખાધો

રાજકોટ તા. તા. ૧૬: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે કોપર સીટીમાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સટ્ટામાં આ યુવાને મોટી રકમ ગુમાવતાં અને લેણાદાર તરફથી ધમકી અપાતાં આ પગલું ભરી લીધાની ચર્ચાઓ વહેતી થઇ  છે. જાણવા મળેલી માહિતી મુજબ કોપર સીટીમાં રહેતાં કમલભાઇ (કાળુભાઇ) જયંતિભાઇ જયસ્વાલ (ઉ.વ.૪૦) નામના યુવાને બપોરે ગળાફાંસો ખાઇ લેતાં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ ત્યાં મૃતદેહ જ પહોંચ્યો હોઇ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળે છે.

ચર્ચા છે કે આ યુવાન મુળ અમદાવાદના વતની હતાં. હાલમાં તે કન્ટ્રકશનનો વ્યવસાય કરતાં હતાં. એક લેણદાર તરફથી તેને ઉઘરાણી માટે ધમકી અપાઇ રહ્યાની પણ ચર્ચા વહેતી થઇ છે.  જો કે હજુ બપોરના સાડા ત્રણ સુધી આ મામલે પોલીસમાં એન્ટ્રી નોંધાઇ નથી. સોશિયલ મિડીયામાં મૃતકની તસ્વીર સાથેના સમાચાર વાયરલ થઇ ગયા હતાં. બે વર્ષ પહેલા તેના પત્નિનું પણ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળે છે. હોસ્પિટલે લાવનારા સગા સ્વજનો પતિના વિયોગમાં પગલુ ભર્યાની વાત કહી રહ્યા છે. આપઘાત પાછળ સટ્ટાકીય પ્રવૃતિ કારણભુત હોવાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ હોઇ પોલીસે આ મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)