Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જિલ્લા પંચાયતમાં નવી હિલચાલઃ સુપરસીડથી બચવા સમાધાનનો માર્ગ

ર૧ જુલાઇની કારોબારી સંદર્ભે 'મેળ' કરી અમલ આડેની અડચણ નિવારવાની ચર્ચાઃ સરકારને સુપરસીડમાં રસ : પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ રાજીનામુ આપે અને પછી કોંગ્રેસ નવેસરથી પદાધિકારીઓ પસંદ કરે તેવી બાગી જુથની ફોર્મ્યુલાઃ સમાધાન બાબતે મતમતાંતર

રાજકોટ, તા. ૧૫ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બે જુથો વચ્ચેની લડાઈ અને ભાજપની દખલગીરીને કારણે વહીવટી તંત્ર પર પડેલ વિપરીત અસર નિવારવા બન્ને જુથો હવે કંઈક પરિણામલક્ષી કામગીરી તરફ આગળ વધવા માગે છે. બધા વિખવાદ નિવારી કોંગ્રેસમાં જ સમાધાનનો રસ્તો ખોલવા અમુક સભ્યો સક્રિય રસ લઈ રહ્યા છે. સરકારને કોંગ્રેસના વધુ સભ્યોને ખેડવી પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવવામાં અને તે શકય ન હોય તો સુપરસીડનું વાતાવરણ ઉભુ કરવામાં રસ છે. ચૂંટાયેલી પાંખનું વિસર્જન થઈ જવાના ભયના કારણે બન્ને જુથો એકબીજાની નજીક આવવા તૈયાર થયા છે. સમાધાન બાબતે બન્ને જુથમાં મતમતાંતર છે પરંતુ અત્યારે નવેસરથી હિલચાલ શરૂ થઈ તે સૂચક છે. કોંગીના બે જુથો વચ્ચેની લડાઈના કારણે ૨૧ જુલાઈની અર્જુન ખાટરિયાની અધ્યક્ષતાવાળી કારોબારી, ત્યાર પછી સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામ સમિતિની સત્તા પાછી ખેંચી લેવાનો મામલો હાઈકોર્ટમાં પડતર છે. કોંગ્રેસે ૧૨ બાગીઓ સામે પક્ષાંતર ધારા હેઠળ ફરીયાદ દાખલ કરી છે. આમ એકથી વધુ પ્રકરણમાં કાનૂની અને રાજકીય વિવાદ હોવાથી શાસન પ્રજાની અપેક્ષા મુજબ ચાલી શકતુ નથી. આખરે આ લડાઈ કઈ બાબતની છે ? તે પ્રજા જાણે છે તેથી જ તે બાબતે બાંધછોડ કરવા બન્ને જુથ વિચારી રહ્યા છે. સમાધાનની વાત આગળ વધશે તો કોર્ટ કેસ પાછા ખેંચવાની શકયતા તપાસાશે.

બાગી જુથે પંચાયતના હાલના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ રાજીનામુ આપી દયે ત્યાર બાદ પાર્ટી નવેસરથી યોગ્ય લાગે તે પદાધિકારીઓની પસંદગી કરે તેવી ફોર્મ્યુલા મુકી છે. કોંગ્રેસના જુથે આ ફોર્મ્યુલા હજુ સ્વીકારી નથી પરંતુ તે બાબતે વિચારવાનો નિર્દેશ કર્યો છે. પ્રજા હિતમાં એકતા બતાવી શકાય તેવા કોઈ રૂપકડા નિમિતની રાહ જોવાઈ રહી છે. રાજકોટમાં જ હોવા છતા ૨૦ દિવસની રજા મુકવાનંુ પ્રમુખનું પગલુ રાજકીય રીતે સ્વભાવિક દેખાતુ નથી. જો કે હાલ પંચાયતમાં બહુમતી ધરાવતા ખાટરિયા જુથના કેટલાક સભ્યો સમાધાનની વાત ફગાવી બાગીઓ સામે છેક સુધી લડી લેવાના મતના છે. ૨૧ જુલાઈની કારોબારીનો મામલો ઉકેલવા કારોબારીની પ્રચલિત પદ્ધતિ મુજબનો મેળ કરી લેવાની વાત ચાલી રહી છે. સમાધાન અને સુપરસીડ તરફ દોરી જતો સંઘર્ષ તે બન્ને રસ્તા હાલ ખુલ્લા છે. અત્યારે બધુ પ્રાથમિક તબક્કે તેમજ જો અને તો આધારીત છે. નજીકના ભવિષ્યમાં જિલ્લા પંચાયતને સ્પર્શતી મહત્વની રાજકીય અને વહીવટી ગતિ તથા પ્રગતિ થઈ શકે છે.

(11:56 am IST)