Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ભકિતનગર સર્કલ નજીક રાત્રે ગાય સાથે બાઇક અથડાયા બાદ ફ્રુટના ધંધાર્થી લાખાભાઇનું માથામાં ઇજા થતાં મોત

એસ્ટ્રોનના નાલા પાસે ફ્રુટ વેંચતા દેવીપૂજક યુવાન રાતે ધંધાના સ્થળેથી એકટીવા પર બાબરીયા કોલોનીમાં ઘરે જવા નીકળ્યા ત્યારે બનાવઃ નાના ભાઇ વિનોદભાઇ પાછળ બીજા વાહનમાં હતાં: તાકીદે હોસ્પિટલે ખસેડ્યા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: રાત્રીના ભકિતનગર સર્કલથી આગળ પટેલ ચોકમાં ગાય આડી ઉતરતાં તેની સાથે એકટીવા અથડાતાં એકટીવાના ચાલક બાબરીયા કોલોનીમાં રહેતાં ફ્રુટના ધંધાર્થી દેવીપૂજક યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. એસ્ટ્રોન ચોકના નાલા પાસે ફ્રુટ વેંચત આ યુવાન રાતે ધંધાના સ્થળેથી ઘરે જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. તેના નાના ભાઇ પાછળ બીજા વાહનમાં હતાં તેમણે તાકીદે હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ   અહિ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ બાબરીયા કોલોનીમાં રહેતાં લાખાભાઇ જીણાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામના દેવીપૂજક રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ભકિતનગર સર્કલથી આગળ પટેલ ચોક પટેલ વાડી પાસે એકટીવા હંકારીને પહોંચ્યા ત્યારે અચાનક ગાય આડે આવતાં તેની સાથે અથડાઇને ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન તેના નાના ભાઇ વિનોદભાઇ જીણાભાઇ વાઘેલા પાછળ બીજા વાહનમાં આવતાં હોઇ તેને બનાવની ખબર પડતાં તાકીદે લાખાભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના આર.બી. ઝાલાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર લાખાભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે અને પત્નિ તેમજ ભાઇ સહિતના પરિવારજનો એસ્ટ્રોન ચોકના નાલા પાસે બેસી સીઝનલ ફ્રુટનો ધંધો કરતાં હતાં. રાત્રે ધંધાના સ્થળેથી એકટીવા હંકારી ઘરે જવા નીકળ્યા હતાં અને રસ્તામાં આ બનાવ બન્યો હતો. સ્વજનના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૮)

હેલ્મેટ પહેર્યુ હોત તો કદાચ મારા ભાઇ બચી ગયા હોતઃ વિનોદભાઇનો વલોપાત

. આજથી રાજ્યભરમાં કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટની અમલવારી શરૂ થઇ છે. વાહન ચાલકોએ જુદા-જુદા નિયમોનું પાલન કરવા ઉપરાંત હેલ્મેટ પણ ફરજીયાત પહેરવાનું છે. ત્યારે લાખાભાઇને નડેલા અકસ્માતમાં તેમને માથામાં ઇજા થવાથી મૃત્યુ થયું હોઇ તેના નાના ભાઇ વિનોદભાઇને  પુછવામાં આવ્યું કે અકસ્માત વખતે લાખાભાઇએ હેલ્મેટ પહેર્યુ હતું કે કેમ? ત્યારે વિનોદભાઇએ વલોપાત સાથે જણાવ્યું હતું કે અમારે હજુ હેલ્મેટ લેવાનું બાકી હતું. જો મારા ભાઇએ હેલ્મેટ પહેર્યુ હોત તો કદાચ માથામાં ગંભીર ઇજા ન થઇ હોત અને તેઓ બચી ગયા હોત.

(11:06 am IST)