Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

અપહરણ-ખંડણીનો પ્‍લાન ફેકટરીમાં જકામ કરતા કમલ અને મોહિને ધડયો'તો

અગાઉ રેકી કરી બે વખત અપહરણની કોશિષ કરી'તીઃ પોતાની ઓળખ છતી ન થાય તે માટે પ્‍લાનમાં અમરેલીના ૪ શખ્‍સોની મદદ લીધી : અપહરણકારોના લોકેશનના આધારે અમરેલી પોલીસની અને પ્‍લાન ઘડનાર મોહિન અને કમલને રાજકોટ પોલીસની મદદથી ઝડપી લેવાયાઃ રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસની પ્રસંશનીય કામગીરી

રાજકોટ તા. ૧૬ :.. શાપર-વેરાવળના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી ૧પ કરોડની ખંડણી માંગનાર ૪ શખ્‍સેને રૂરલ પોલીસે અમરેલી પોલીસ અને અપહરણનો પ્‍લાન ઘડનાર બે શખ્‍સોને રાજકોટ સીટી પોલીસની મદદથી ઝડપી લઇ અપહૃપ યુવકને મુકત કરાવતા રૂરલ પોલીસ ઉપર અભિનંદન વર્ષ થઇ રહી છે.

શાપર-વેરાવળના ઉદ્યોગપતિ પુત્ર અદનાન તેલવાલા (ઉ.વ.રપ) નું અપહરણ કરી ૧પ કરોડની ખંડણી મંગાયાની ફરીયાદ ના પગલે રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અપહરણકારોને ઝડપી લેવા ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વિજય ઓડેદરા, પીએસઆઇ એસ. જે. રાણા, એસઓજીની ટીમ તથા શાપર-વેરાવના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલ સહિતની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં અપહરણકારોનું લોકેશન અમરેલી પંથકમાં આવતા રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદ લઇ અપહરણકારો ઉપર ભીંસ વધારતા અપહરણકારોએ અપહૃત અદનાનને મુકત કરી દિધો હતો. તેમજ અપહરણ કરનાર ૪ શખ્‍સોને અમરેલી પોલીસે દબોચી લીધા હતાં.

દરમિયાન પોલીસ તપાસમાં આ અપહરણ - ખંડણીનો પ્‍લાન કલમ એન્‍ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં નોકરી કરતા કમલ અને મોહિન નામના શખ્‍સે ઘડયાનું ખુલ્‍યું હતું. કમલ અને મોહિનના લોકેશન રાજકોટ સીટીમાં મળતા રૂરલ પોલીસે  રાજકોટ પોલીસની મદદથી અપહરણ અને ખંડણીનો પ્‍લાન ઘડનાર કમલ તથા મોહિનને દબોચી લીધા હતાં.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ ફેકટરીમાં કામ કરતા કમલ અને મોહિને કરોડોની રકમ પડાવવાના ઇરાદે ફેકટરી માલીકના પુત્રનો અપહરણનો  પ્‍લાન ઘડયો હતો. કમલ અને મોહિને આ માટે ૧પ દિ'થી રેકી કરતા હતાં. અપહૃણ અદનાન અને તેના પિતા અલગ-અલગ કારમાં ફેકટરીએ આવતા હોવાનું જાણી ફેકટરી માલીકના પુત્ર અદનાનનું અગાઉ બે ત્રણ વખત અપહરણ કરવા કોશિષ કરી હતી પણ સફળતા ન મળી હતી.

પકડાયેલ કમલ અને મોહિને તેની ઓળખ છતી ન થાય તો માટે અપહરણ અને ખંડણીના પ્‍લાનમાં અમરેલીના શખ્‍સોને સામેલ કર્યા હતાં. બનાવના દિવસે અમરેલીથી કારમાં આવેલા ચારેય શખ્‍સોએ ફેકટરી માલીકના પુત્ર અદનાનની કાર સાથે પોતાનું વાહન અથડાવી માથાકુટ કરી અદનાનનું અપહરણ કરી નાસી ગયા હતાં.

અપહરણનો પ્‍લાન ઘડનાર કમલ અને મોહિન રાજકોટમાં પકડાઇ ગયાની જાણ થતા અમરેલીના ચારેય અપહરણકારો   મુંઝાઇ ગયા હતા એ દરમિયાન રૂરલ પોલીસે અમરેલી પોલીસની મદદથી ભીંસ વધારતા અપહરણકારોએ અપહૃત અદનાનને અમરેલી પાસે કારમાંથી રસ્‍તામાં ઉતારી દિધો હતો. જો કે, બાદમાં અમરેલી પોલીસે ચારેય અપહરણકારોને ઝડપી લીધા હતાં.

અપહૃત ઉદ્યોગપતિ પુત્રને મુકત કરાવનાર રૂરલ  પોલીસ, અમરેલી પોલીસ અને રાજકોટ પોલીસની ટીમને રેન્‍જ ડીઆઇજીપી સંદિપસિંહ તથા રૂરલ એસ. પી. જયપાલસિંહ રાઠોડે અભિનંદન પાઠવ્‍યા હતાં.

(1:47 pm IST)