Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

ધાબડીયા વાતાવરણથી શરદી-તાવ-ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો

મચ્છરોનો ઉપદ્રવ વધ્યો...પાણીને કારણે હજારો દર્દીઓ વાઈરલ ઈન્ફેકશનનો ભોગ બન્યા...જન્માષ્ટમી બાદ રોગચાળો વધવાની ભીતિ

રાજકોટ, તા. ૧૬ :. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને ધાબડીયુ વાતાવરણને કારણે રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે.

ઉનાળાના આકરા તાપમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટયો હતો પરંતુ ફરી ચોમાસાની સીઝનમાં સતત વરસાદ અને પાણીના ખાબોચીયાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો તાવ સહિતની બીમારીનો ભોગ બની રહ્યા છે તો ટાઢોડુ વાતાવરણ રહેતા લોકો શરદી, ઉધરસનો શિકાર બની રહ્યા છે. શરદી - તાવના કારણે દર્દીઓની વધતી સંખ્યાથી સરકારી - ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે.

ભારે વરસાદને પગલે નદી, જળાશયો તેમજ જળસ્તર વધતા નવા પાણીની આવક તેમજ કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટરો છલકાતા પાણી ભળી ગયાની ફરીયાદો ઉઠી છે, ત્યારે નવા પાણીથી ઝાડા-ઉલ્ટીની બિમારી પણ ખૂબ વધી છે.

તબીબો કહે છે કે ધાબડીયુ વાતાવરણ તેમજ નવા પાણીથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. બહારનું ન ખાવુ તેમજ ઠંડો ખોરાક શકય હોય ત્યાં સુધી ન લેવો તેમજ મચ્છરોથી બચવા મચ્છરદાની તેમજ સાફ કપડા પહેરવા જોઈએ.

હજારો દર્દીઓ તેમજ આજે વાયરલ ઈન્ફેકશનને કારણે શરદી, તાવ તેમજ ઝાડા-ઉલ્ટીની પહેશાની વેઠી રહ્યા છે ત્યારે જન્માષ્ટમી બાદ આ રોગચાળો વકરવાની શકયતા વધતી નજરે પડે છે. વરસાદી મહોલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયાનું મહારાનગરપાલિકાના દફતરે નોંધાયુ છે. ૧૪ ઓગષ્ટ સુધીમાં એક માસ સુધી આરોગ્ય કેન્દ્રમાં ૨૧૩૨૩ તાવના દર્દીઓના લોહીના નમૂનાઓ લેવામાં આવેલ. જેના પરીક્ષણમાં ડેંગ્યુ અને મેલેરીયાના ૧૪ કેસો પોઝીટીવ આવ્યા હતા.

(11:45 am IST)