Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

બેના રે સાસરીએ જાતા જો જે પાંપણ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય...

'વહાલુડીના વિવાહ'ના સ્વરૂપમાં ફેરફારઃ રર દીકરીઓને ઘર આંગણે ૧ લાખનો કરીયાવર

સમુહ લગ્નોત્સવ નહિઃ પિતાની છત્રછાંયા ગુમાવનાર દીકરીના લગ્ન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પોતાના ઘર આંગણે યોજવાના રહેશેઃ તા.રપમીથી ફોર્મ વિતરણ

રાજકોટ તા. ૧૬: શહેરની ભાગોળે ઢોલરા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલઓથી દુભાયેલા અને તરછોડાયેલા વડીલ માવતરો માટેનું પોતીકુ ઘર અને પરિવાર એટલે ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ.  જયાં વડીલ માવતરો છેલ્લા વીસથી વધુ વર્ષોથી પોતાની જીંદગીની પાછોતરી ટાઢક મેળવી રહ્યા છે. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની ૧પ૧ જેટલા કર્મષ્ઠ કાર્યકર્તાઓની ટીમ દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં દીકરીઓના ઘરના આંગણે ''વહાલુડીના વિવાહ'' નામે રર દીકરીઓનો લગ્ન પ્રસંગ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ''વહાલુડીના વિવાહ'' સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચલીત બનેલ છે . આ વર્ષે  વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આયોજનના સ્વરૂપમાં ફેરફાર થયેલ છે.

''વહાલુડીનો વિવાહ-૩'' લગ્નોત્સવ અંગેની ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, શીવલાલભાઇ આદ્રોજા, મૌલેશભાઇ ઉકાણી, ડો. નિદત બારોટ, અનુતમ દોશી તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની મળેલ મિટિંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ચાલુ સાલ આ પ્રસંગ અત્યંત સાદાઇથી અને ગરીમાપૂર્ણ રીતે ઉજવાશે. આગામી જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી-ર૦ર૧ માં પિતાની છત્રછાયા ગુમાવેલ રર વહાલી દીકરીઓના ઘર આંગણે પ્રસંગ યોજી તેમાં ૧ લાખ રૂ.નો કરીયાવર દીકરીને ભેટ સ્વરૂપે આપવો તેવું નકકી કરવામાં આવેલ છે. આ માટે નિયમ મુજબની અરજીઓ મંગાવવી અને જરૂરીયાતને ધ્યાને લઇ દીકરીઓને પસંદ કરી યાદી બહાર પાડી કરીયાવર અપાશે. પ્રત્યેક દીકરીના લગ્નમાં સંસ્થાના કાર્યકરો હાજર રહેશે અને પ્રત્યેક કાર્યકર્તા એક એક દીકરીની જવાબદારી ઉપાડશે.

''વહાલુડીના વિવાહ-૩'' અંગે સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, હરેશભાઇ પરસાણા, ધીરૂભાઇ રોકડ, કિરીટભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે આખું વર્ષ દીકરી વહાલુડીના વિવાહ પ્રસંગની રાહ જોઇને બેઠી હોય એવી દીકરીના લગ્ન થાય તે અત્યંત જરૂરી જણાતા ચાલુ સાલ મોટો પ્રસંગ ન ઉજવતા દીકરીના ઘરે લગ્નનો મંડપ બંધાય અને ત્યાં કાર્યકર્તાઓ હાજરી પૂરાવી ૧ લાખ રૂ.નો કરીયાવર ભેટ આપે તેવું જાજરમાન આયોજન સંસ્થા દ્વારા હાથ ધરાયું છે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. આ વર્ષે પણ સંસ્થાના કાર્યકર્તાઓમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળેલ છે.

ઉપેનભાઇ મોદી, સુનીલ મહેતા, ધર્મેશ જીવાણી, રાકેશ ભાલાળા, પ્રવિણ હાપલીયા તેમજ પ્રજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું છે કે સંસ્થા દ્વારા આગામી તા. રપ થી ૩૦પ, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપરથી જરૂરીયાત મંદ દીકરીઓને ફોર્મ અપાશે. ત્યારબાદ ''દીકરાનું ઘર''ની ટીમ દ્વારા પ્રત્યેક દીકરીના ઘરે જઇ તપાસ કરાશે અને તેમાંથી જરૂરીયાતમંદ દીકરીઓ પસંદ કરાશે. આ લગ્નોત્સવમાં પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓ તેમજ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓને જ પસંદ કરવામાં આવશે.

''વહાલુડીના વિવાહ-૩''માં રૂ. ૧ લાખ સુધીના કરીયાવરમાં જરૂરીયાત મુજબનો તમામ કરીયાવર ભેટ આપવાનું સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો છે. આ માટે કોઇ સુખી સંપન્ન દાતા કરીયાવર ભેટ સ્વરૂપે આપવા ઇચ્છતા હોય તો મુકેશ દોશી-૯૮રપ૦ ૭૭૭રપ તેમજ સુનીલ વોરા-૯૮રપર ૧૭૩ર૦ પર સંપર્ક કરી શકે છે.

સંસ્થાના શ્રી હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા, ગૌરાંગભાઇ ઠકકર, ડો. શૈલેષ જાની સહિતના દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે ચાલુ સાલ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રસંગ સાદાઇથી ઉજવાશે. આવતા વર્ષે ફરી વહાલુડીના વિવાહનો પ્રસંગ રાજકોટને આંગણે જાજરમાન રીતે શહેરીજનોની ઉપસ્થિતિમાં ભવ્યાતીભવ્ય રીતે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.

''દીકરાનું ઘર''ની મહિલા ટીમ

ચેતનાબેન પટેલ, નિશા મારૂ, અલ્કા પારેખ, ડો. ભાવનાબેન મહેતા, અરૂણાબેન વેકરીયા, ઋચિતાબેન રાઠોડ, ગીતાબેન વોરા, ડિમ્પલબેન કાનાણી, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતી વોરા, પ્રિતી તન્ના, કિરણબેન વડગામા, રૂપા વોરા, વર્ષાબેન આદ્રોજા, અંજુબેન સુતરીયા, ગીતાબેન કે. પટેલ, તૃપ્તિબેન પરસાણા, છાયાબેન મહેતા, હેતલબેન માવાણી, મૌસમી કલ્યાણી, આશાબેન હરીયાણી, રંજનબેન આદ્રોજા, શિલ્પાબેન સુરાણી, દક્ષાબેન હાપલીયા, ફાલ્ગુનીબેન કલ્યાણી સહિતના બહેનોની ટીમ બનાવવામાં આવી છે જે વહાલુડીના વિવાહ-૩ ની સંપૂર્ણ તૈયારી કરશે.

''વહાલુડીના વિવાહ-૩'' સંદર્ભની કોઇપણ માહિતી માટે ૩૦પ, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર સવારે ૧૦-૦૦ થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી સંપર્ક કરવો અથવા મુકેશ દોશી-૯૮રપ૦ ૭૭૭રપ તેમજ સુનીલ વોરા-૯૮રપર ૧૭૩ર૦ નો સંપર્ક કરવો.

(3:20 pm IST)