Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ડી.કે.-ભાનુભાઇના કારણે જિલ્લા પંચાયત ભાજપની બનતી અટકી, અમે જાહેરમાં ભાજપમાં જોડાયેલા

જિલ્લા ભાજપના હોદ્દેદારોને કે.પી. પાદરિયાનો સણસણતો જવાબ : કારોબારી અધ્યક્ષ કહે છે મેં પાર્ટી કે સરકાર પર આક્ષેપ કરેલ નથી

રાજકોટ, તા. ૧૬ :  જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કે.પી. પાદરિયાએ કોરોનાના મૃત્યુના આંકડા બાબતે કરેલ નિવેદન બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા અને મહામંત્રી ભાનુભાઇ મેતાએ પાદરિયા ભાજપના (નોંધાયેલા) સભ્ય ન હોવાનો લેખિત નિવેદનમાં ધડાકો કરેલ. તેના જવાબમાં પાદરિયાએ પોતે જાહેરમાં ભાજપનો ખેંસ પહેર્યાનું જણાવી સખિયા-મેતા પર વળતા આક્ષેપો કર્યા છે.

કે.પી. પાદરિયા જણાવે કે હું જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરેમન છું તો મારી જવાબદારી બને છે કે કોરોનાની મહામારીમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા જિલ્લામાં સારી કામગીરી થાય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરે છે. રાજકોટ જીલ્લામાં અમુક અધિકારીઓ મુખ્યમંત્રીની મહેનત ઉપર પાણી ન ફેરવે તે પણ જોવાની જવાબદારી ચૂંટાયેલ પ્રતિનિધી તરીકે અમારી છે. ગઇ લોકસભાની ચૂંટણીમાં અમો જીલ્લા પંચાયતના ૧ર સભ્યો કેન્દ્રના મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને અત્યારના કહેવાતા જિલ્લા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ભાજપમાં જોડાયેલ હતા અને અમોને જાહેરમાં ખેંસ પહેરાવીને આવકારેલ ત્યારે તમે કયા હતા ? આપ ભાજપના જવાબદાર સંગઠનના પ્રમુખ છો આપને એક મોઢેથી બે વાતો ન શોભે. પાદરીયા પાર્ટીમાં નવા આવેલ હોવાથી તેમને શિસ્તની ખબર ન હોય તેવું કહી બીજા દિવસે એવુ કહો  છો કે પાદરીયા ભાજપના સક્રિય સભ્ય નથી તો આપ પાર્ટીને ફાયદો કરાવવા માંગો છો કે નુકશાન... ? મુખ્યમંત્રીએ જાહેરાત કરેલ કે એક વર્ષમાં જીલ્લા પંચાયતમાં (ભાજપનું) શાસન હશે તેના અનુસંધાને અમો ૧ર સભ્યો ભાજપમાં આવેલ તો અત્યાર સુધી જીલ્લા પંચાયત ભાજપની ન બની તો કોંગ્રેસના ત્રણ સભ્યોને ન આવવા દેવા માટે ડી.કે. સખીયા તેમજ ભાનુભાઇ મેતાની ભૂમિકાથી આજે જિલ્લા પંચાયત ભાજપની બનતી અટકી પડેલ છે. મારી સામે એક આંગળી ચીંધનારાઓ સામે ચાર આંગળી છે.   પાદરિયાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા પંચાયતમાં આજ દિન સુધીમાં ઘણી ગરબડ થયેલ છે છતાં આપ બન્નેએ કયારેય આક્ષેપ કરેલ નથી તો શું આપને બન્નેને જિલ્લા પંચાયત સાથે ઇલુ-ઇલુ છે ? તમે કાયમી કોંગ્રેસ સાથે સાંઠગાંઠ રાખી જિલ્લા ભાજપ ચલાવેલ છે. મે. આરોગ્ય અધિકારી અને આરોગ્ય વિભાગને કહેલ છે. સરકાર કે ભાજપ પર કોઇ આક્ષેપ કરેલ નથી. કારોબારી ચેરમેન તરીકે મને પંચાયતની કોઇપણ ઓફીસની માહિતી માંગવાનો અધિકાર છે. હું લોકોના હિત માટે કામગીરી કરી રહ્યો છું.

(3:09 pm IST)