Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગજબની ગોલમાલઃકોઇ પ્રોસીઝર નહિ છતાં ખાતામાંથી પૈસા ઉપડી ગયા!

ગોકુલધામના સંદિપ નમકીનવાળા બકુલભાઇ રૂપાણીના ધર્મપત્નિના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી નાણા ગયા : રૂ. ૭૮૨૫ બારોબાર ઉપડી ગયાઃ રકમ નાની પણ નવીનત્તમ ફ્રોડ થયું હોઇ ક્રાઇમમાં ફરિયાદઃ લોકડાઉન શરૂ થયું ત્યારથી ખુબ વધ્યા છે આવા બનાવોઃ દરરોજ થાય છે ફરિયાદોઃ પણ આ પ્રકારના ફ્રોડનો કાયમી ઉકેલ આવતો નથી

રાજકોટ તા. ૧૬: ઓનલાઇન બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરનારા લોકો સાથે અનેક વખત ઠગાઇ થઇ ચુકી છે. બારોબાર નાણા ઉપડી જવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે. ઓનલાઇન છેતરપીંડી કરતી ટોળકીએ વધુ એક શિકાર કર્યો છે.  શહેરના નમકીનના વેપારીના ધર્મપત્નિના એકાઉન્ટમાંથી બારોબાર નાણા ઉપાડી લેવામાં આવતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. રકમ નાની છે પરંતુ ઠગાઇની રીત નવી હોવાથી ફરિયાદ કરી છે. કોઇપણ જાતની પ્રોસીઝર ન કરી હોવા છતાં બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપડી જતાં વેપારી ચોંકી ગયા છે.

 ઓનલાઇન ઠગાઇના કિસ્સા લોકડાઉનના સમયથી ખુબ વધી ગયા છે. રોજબરોજ આ રીતે છેતરપીંડીથી લોકોના ખાતામાંથી બારોબાર નાણા ઉપડી જતાં હોવાના કિસ્સા સામે આવતાં રહે છે. અલગ-અલગ બેંકોમાં અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરાયેલાો લોકો આટાફેરા કરતાં જોવા મળતાં રહે છે. અત્યાર સુધી તો ગઠીયાઓ ફોન કરીને કોઇને કોઇ બેંક અધિકારીના નામે વાત કરી જે તે એટીએમ કાર્ડધારકને તમારું કાર્ડ બ્લોક થઇ જશે...કે પછી બીજી કોઇ વાત કરી કાર્ડ પાછળના નંબર મેળવી લઇ જે તે કાર્ડધારકના ખાતામાંથી નાણા ઉપાડી લેતાં હોવાના કિસ્સા બનતાં હતાં. તો ફેસબૂક એકાઉન્ટ હેક કરી જે તે એકાઉન્ટધારકના મિત્રોને મેસેજ કરી પોતાના ખાતામાં ગઠીયાઓ પૈસા જમા કરાવી લેતાં હતાં. પરંતુ હવે ગજબની ગઠીયાગીરી, ગોલમાલ સામે આવી છે. શહેરના જાણીતા નમકીનના વેપારીના પત્નિના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી બારોબાર પૈસા પ.ડી ગયા છે.

ચોંકાવનારી અને સાયબર ક્રાઇમ સમક્ષ મોટો પડકાર ઉભી કરનારી આ નવીનત્તમ છેતરપીંડીની ઘટનાની વિગતો આપતાં સંદિપ નમકીનવાળા બકુલભાઇ રૂપાણી (રહે. ગોકુલધામ સોસાયટી-૨૦૩)એ જણાવ્યું હતું કે મારા ધર્મપત્નિ અમી રૂપાણીના નામે એચડીએફસી બેંકમાં સેવિંગ્ઝ એકાઉન્ટ છે. આ એકાઉન્માંથી અમે પૈસાની લેતી-દેતી કરીએ તો તુરંત જ બેંકમાંથી અમને મેસેજ મળી જાય છે. ગઇકાલે (૧૫મીએ) બોપરે ૩:૨૫ કલાકે જી-મેઇલથી મેસેજ આવ્યો હતો કે મારા પત્નિના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૭૮૨૫ કપાઇ ગયા છે.

આ જાણી અમે બંને ચોંકી ગયા હતાં. કારણ કે અમે કોઇ વ્યવહાર કર્યો જ નહોતો તો પણ પૈસા કેમ કપાઇ ગયા? અમે તપાસ કરવા એચડીએફસી બેંક ખાતે જતાં ત્યાંથી જાણવા મળ્યું હતું કે ઓનલાઇન આ રકમ કપાઇ ગઇ છે. આ જાણી અમે વધુ ચોંકયા હતાં, કારણ કે અમે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કોઇપણ પ્રકારની પ્રોસીઝર જ કરી નહોતી. એ તો ઠીક બેંકનું એટીએમ છે તેનો પણ છેલ્લા લાંબા સમયથી ઉપયોગ કર્યો નથી. થોડા દિવસ પહેલા મેં ગૂગલ પે એપ્લીકેશન માત્ર ડાઉનલોડ કરી હતી. જો કે બાદમાં તે અનઈન્સ્ટોલ પણ કરી નાંખી હતી. એકાઉન્ટ તો ખોલ્યું જ નહોતું. આમ છતાં ઓનલાઇન નાણા ઉપડી ગયા હતાં.

આ પછી હું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને લેખિત ફરિયાદ આપી હતી. બકુલભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે મારી જેમ બીજા એક વ્યકિત પણ ફેસબૂક મારફત નાણાકીય ફ્રોડ થયાની ફરિયાદ સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ્યા હતાં. તો એચડીએફસી બેંક બાલાજી હોલ બ્રાંચ ખાતે પણ તપાસ કરતાં ત્યાં છેલ્લા બે મહિનામાં આ રીતે ફ્રોડના ત્રણેક કિસ્સા બન્યાનું જાણવા મળ્યું હતું. જો કે એચડીએફસી બેંકના ખાતેદારો માટે સારી બાબત એ છે કે  જો આ રીતે ફ્રોડ થયું હોય અને ૨૪ કલાકની અંદર બેંકમાં જાણ કરી દેવામં આવે તો ફ્રોડથી ગયેલી રકમ મોટે ભાગે પાછી મળી જવાના ચાન્સ રહે છે.

બકુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં પણ જો નાણા ઉપડી જતાં હોય તો લોકો ઓનલાઇન બેંકીંગ સેવાનો ઉપયોગ કરતાં ડરવા માંડશે. સાયબર ક્રાઇમ પોલીસ માટે આ નવીન પ્રકારની છેતરપીંડી પડકારરૂપ ગણાશે. લોકડાઉનના સમયમાં આ પ્રકારની ગઠીયાગીરી વધી ગઇ છે. સાયબર ક્રાઇમની ટીમો તપાસ તો કરે જ છે, પરંતુ મુળીયા સુધી પહોંચી શકવામાં સફળતા મળતી નથી.

(3:11 pm IST)