Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

શહેરમાં ભૂકંપથી કોઇ નુકશાન નહિઃ ઉદીત અગ્રવાલ

મ્યુ.કોર્પોરેશનનાં તમામ સંકુલનો સર્વે ચેકીંગ કરાવતા મ્યુ.કમિશ્નર

રાજકોટ,તા.૧૬: આજે સવારે આવેલા ભૂંકપના આંચકાથી શહેરમાં જાન-માલની નુકશાની નહી થયાનું મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ. તેમજ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ તમામ સંકુલોનો  સર્વે કરવા અધિકારીઓને મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે તા. ૧૬ ના રોજ સવારે અનુભવાયેલા ૪.૮ ની તીવ્રતાના ભૂકંપને પગલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે તમામ સંબધિત અધિકારીઓને મનપાના તમામ સંકુલોમાં ચેકિંગનો આદેશ આપ્યો હતો. આ આદેશ અનુસંધાને તમામ સિટી એન્જી. ઓ અને અન્ય સંબધિત શાખા અધિકારીઓ દ્વારા સત્વરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે અધિકારીઓના રીપોર્ટ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે, શહેરમાં અનુભવાયેલા ભૂકંપના તીવ્ર ઝટકા બાદ મનપા દ્વારા તમામ સંકુલોમાં ચેકિંગ કરાયું હતું અને એક પણ સંકુલમાં કોઇ પ્રકારના નુકશાન થયેલ નથી. તમામ ફેસીલીટી સહી સલામત છે.

આજે સવારે ભૂકંપ બાદ તુર્ત જ આજી – ૧ ડેમ, આજી પમ્પીંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ, વિવિધ હેડ વર્કસ, ન્યારી – ૧ ડેમ, ન્યારી પમ્પીંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ, માધાપર - ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર અને ઘંટેશ્વર ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના બે ટ્રાન્સફર સ્ટેશન, રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિટી બસ અને બી.આર.ટી.એસ. ના બસ સ્ટોપ સહિતની ઈમારતોને કોઇ નુકશાની થઇ નથી. આ ઉપરાંત અધિકારીઓએ વોર્ડ નં. ૧૭ માં આનંદનગર કોલોની, વોર્ડ નં. ૧૦ માં ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડ કોલોની તથા વોર્ડ નં. ૬ માં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું અને તેમાં નુકશાની જોવા મળેલ નથી

(4:09 pm IST)