Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પરીન ફર્નિચર તથા પરીન ટાટા મોટર્સ દ્વારા સ્વ. દિપેશભાઇ ધીરજલાલ નંદાણી તથા સ્વ. અવનીબેન દિપેશભાઇ નંદાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથી નિમિતે

કાલે મેગા રકતદાન કેમ્પ : ૧૧૧૧ બોટલ બ્લડ એકઠું કરવાનો સંકલ્પ

૫ લાખથી વધુ લોકોને રકતદાનનું મહત્વ વર્ણવર્તી વિડીયોકલીપ પણ મોકલાવીઃ ૩૫ થી વધુ સંસ્થામાં પરિનની ટીમ રૂબરૂ જઇ પ્રોજેકટર પર પેઝેન્ટેશન આપી બ્લડ ડોનેશન વિશે માહિતી તથા જાગૃતિ આપવાનું કાર્ય કરેલ

 

રાજકોટઃ તા.૧૬, ખાસ કરીને માનવીના જીવનમાં બે વસ્તુ ખુબ જ અગત્યની હોય છે. એક પાણી અને બીજુ લોહી. પરીન ફર્નિચર તથા પરિન ટાટા મોટર્સ દ્વારા ખાસ કરીને લોહીની પડતી ઘટને ધ્યાને લઇને ગત વર્ષે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૯૫૧ બોટલ એકત્ર કરેલ હતી. ચાલુ વર્ષે પરીન ફર્નિચર તથા પરિન ટાટા મોટર્સ દ્વારા સ્વ. દિપેશભાઇ નંદાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથી નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે તા.૧૭ને મંગળવારે સવારે ૮ થી ૮ સુધી ગોંડલ રોડ પરના પરીન ટાટા મોટર્સ, પરીન ફર્નિચરની બાજુમાં મેગા  બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે . જેમા પરિન ગૃપના ૩૦૦ થી વધારે સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કરી સમાજના આ સત્કર્મમાં સહયોગ આપશે અને ૧૧૧૧ થી વધુ બોટલ બ્લડ એકઠુ કરવામાં આવશે. જેનો સદ્ઉપયોગ થેલેસેમીયા પીડીત બાળકો અને દર્દીનારાયણ માટે કરાશે.

 મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય સમાજ માટે કંઇક અર્પણ કરવાનો છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ કરીને યુવાનો વધારે પ્રમાણમાં જોડાય એવુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પરીન ગૃપના ચેરમેન શ્રી ઉમેશભાઇ નંદાણી જણાવે છે કે બીજાને ઉપયોગી થવા  કરાયેલુ દરેક કર્મ કે નાનામાં નાનો પ્રયાસ પણ ઇશ્વરના ચોપડે નોંધાય જ છે. અને આ માટે જ સમાજ માટે કંઇક કરવુ જોઇએ એવા આશયથી આ કેમ્પમાં વધુ યુવાનો જોડાય એ માટે કોલેજોમાં જઇને બ્લડ ડોનેટ કરવાથી કેવા ફાયદા થાય છે. અને સમાજમાં લોહીની કેટલી જરૂર છે એ અંગેના સેમિનાર યોજાયા હતા. તેમાં ગાર્ડી સ્કુલના ડિ.વી. મહેતા, સવોદય સ્કુલના ભરતભાઇ ગાજીપરા અને પી.ડી. માલવીયાના જાનીએ અમને સહયોગ આપ્યો હતો. આ પ્રયાસને યુવાવર્ગમાંથી સફળતા મળી હતી અને ૧૦૦૦ થી વધારે પ્રિ-રજીસ્ટ્રેશન થયા છે.

બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ લોકો જોડાય એ માટે પરિન ફર્નિચરના ચેરમેનશ્રી ઉમેશભાઇ નંદાણી અને ડાયરેકટર શ્રી બિદેશભાઇ નંદાણી અને ડાયરેકટર શ્રી પરિનભાઇ નંદાણી, દર્શિલ  નંદાણી, દેવઙ્ગ નંદાણી તથા તેમની ટીમના શ્રી રાહુલ ધામી, કોમલ સોની, રાજીવ ભટ્ટનાકર, અજીત નંદાણી, કમલેશ કોટક અને અભિષેક પટેલ, જહેમત ઉઠાવી  રહયા છે. 

યુવા ડાયરેકટર શ્રી પરીનભાઇ નંદાણી ઉદ્યોગ જગતના યુવાનોને અપીલ કરે છે કે વેપાર-ઉદ્યોગની સાથોસાથ આવા સામાજીક કાર્યોમાં પણ જોડાય તેવી વિનંતી.

 આ કેમ્પને સફળ બનાવવા માટે હરિવંદના કોલેજ, ગાર્ડી કોલેજ, પી.ડી. માલવીયા કોલેજ, સર્વોદય એજયુકેશન ઝોન, સનસાઇન કોલેજ જેવી એજયુકેશન સંસ્થાઓ તથા ફેલોટેક પમ્પ્સ, સીનોવા ગિયર્સ, ગેલેકસી કાસ્ટીંગ, તન્મય ઓટો, ટિલારા પોલીપ્લાસ્ટ પ્રા.લી. શ્રી રાજ ટેકનોકાસ્ટ, કેપ્ટન પાઇપ્સ, આન હોન્ડા, અને આન હીરો, રાજકોટ હોન્ડા, અમુલ ઇન્ડસ્ટ્રીઝ,પુજારા ટેલીકોમ, ડોકટર પમ્પ, મહેન્દ્ર સાર લિમિટેડ, રાજ કુલીંગ સિસ્ટમ, શિવશકિત ડેરી, મિત્તલ કોપર, ટેરા ફલોપંપ લીમીટેડ, મેટ ફલો કાસ્ટ જેવી કોર્પોરેટ કંપનીઓ સહિતની સંસ્થાઓ વગેરેનો સહકાર મળેલ છે. વધુને વધુ રકતદાતાઓએ રકતદાન કરવા યુવા ડાયરેકટર શ્રી પરિનભાઇ નંદાણી દ્વારા અનુરોધ કરાયો હતો. વધુ માહિતી માટે મો. ૯૮૯૮૪ ૯૮૯૮૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 સ્થળઃ પરિન ટાટા મોટર્સ, પરિન ફર્નિચરની બાજુમાં ગોંડલ રોડ, વાવડી, રાજકોટ તા.૧૭ (મંગળવાર) સમયઃ૮ થી ૮ સુધી તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે  પરીન ફર્નિચરના ચેરમેન શ્રી ઉમેશભાઇ નંદાણી, ડાયરેકટર શ્રી બિદેશભાઇ નંદાણી તેમજ મિતલભાઇ ખેતાણી વિ.નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

એકત્રિત રકત સમાજને અર્પણ

રાજકોટ : રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ કેન્સર હોસ્પિટલના સહયોગથી બ્લડ એકત્ર કરી સમાજને અર્પણ કરવામાં આવશે. આ કેમ્પમાં યુવાવર્ગ વધુમાં વધુ જોડાય એ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે કારણ કે યુવા વર્ગમાં તંદુરસ્તી સારી હોય છે જેથી આ વર્ગના યુવાનો બ્લડ ડોનેટ કરવા તરફ વધુ પ્રેરાય. એમાં પણ આજના સમાજમાં સ્ત્રીઓ પણ બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

રકતદાતાઓને લઈ જવા અને મૂકી જવાની વ્યવસ્થા

રાજકોટ : આ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ પ્રકારની બાબત પર ધ્યાન આપવામાં આવ્યુ છે. જેમાં પરીન ટાટા મોટર્સના સેન્ટ્રલી એશી શો-રૂમમાં જ આ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૫૦થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જે લોકોએ બ્લડ ડોનેટ કરવા પ્રિ-રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તેઓને બ્લડ ડોનેટ કરવા પિકઅપ ડ્રોપની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે લોકો બ્લડ ડોનેટ કરશે એમને પ્રોત્સાહિત કરવા માટે ગીફટ પણ આપવામાં આવશે અને કેમ્પમાં આવનાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવતીકાલે મંગળવારે સવારે ૮ થી સાંજે ૮ સુધી આ કેમ્પ ચાલુ રહેશે.

(4:03 pm IST)