Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

નિર્દોષ સોની પ્રૌઢને રહેંસી નાખનારા ભરત સોનીનું રટણ-મારા ગ્રહ ખરાબ ચાલે છે એટલે આવું થઇ ગયું!

પેલેસ રોડના આદિત્ય એલિગન્સના સેલ્સમેન વસંતભાઇ ઝીંઝુવાડીયાના અપહરણ- હત્યા-લૂંટમાં પકડાયેલા સોની પિતા-પુત્ર ૧૮મી સુધી રિમાન્ડ પર :શ્રી જ્વેલર્સ વાળા ભરત લાઠીગ્રા અને પુત્ર સુમિત લાઠીગ્રાએ દેણું ઉતારવા હત્યા કર્યાનું કહ્યું: પરંતુ ખરેખર કેટલું દેણું? જે સોનુઓગાળી નાંખ્યું એ સિવાયનું સોનુ કોને-કોને આપ્યું કે છુપાવ્યું? તે સહિતના મુદ્દે તપાસઃ આજીડેમ પોલીસ ઘટનાનું રિકસ્ટ્રકશન કરાવશે :હત્યાનો જરાય અફસોસ ન હોય તેમ લોકઅપમાં નિરાંતે સુઇ ગયા

સેલ્સમેન સોની પ્રૌઢ વસંતભાઇ ઝીંઝુવાડીયાનું અપહરણ કરી હત્યા નિપજાવી એક કરોડનું સોનુ લૂંટી લેવાની ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલી નાંખી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ તથા અધિકારીઓએ ડિટેકશનની વિગતો આપી હતી તે વેળાની તસ્વીરમાં આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો જોઇ શકાય છે. નીચેની તસ્વીર હત્યારા સોની પિતા-પુત્ર ભરત હસમુખલાલ લાઠીગ્રા (ઉ.૫૨) અને સુમિત ભરત લાઠીગ્રા (ઉ.૨૯)ની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: પેલેસ રોડ પર રાજશ્રૃંગી કોમ્પલેક્ષમાં આવેલા આદિત્ય એલિગન્સ નામના શો રૂમમાં વેપારીઓને દાગીના પહોંચાડવાનું કામ કરતાં અને જામનગર રોડ પર ઘંટેશ્વર સામે આવેલા વિતરાગ એપાર્ટમેન્ટમાં રહેતાં વસંતભાઇ ભોગીલાલ ઝીંઝુવાડીયા (ઉ.૫૩) નામના સોની પ્રૌઢનું અપહરણ કરી, હત્યા નિપજાવી ૧ કરોડના સોનાની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા શ્રી જ્વેલર્સવાળા સોની પિતા-પુત્ર ભરત હસમુખલાલ લાઠીગ્રા (ઉ.૫૨) તથા તેના પુત્ર સુમિત (ઉ.૨૯) (રહે. શ્રમજીવી સોસાયટી-૨/૯, ઢેબર રોડ સાઉથ)નો કબ્જો ક્રાઇમ બ્રાંચ પાસેથી આજીડેમ પોલીસે સંભાળી કોર્ટમાં રજૂ કરતાં બંનેના ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. એક કરોડનું દેણું ઉતારવા સેલ્સમેનની હત્યા કરી સોનાની લૂંટ કર્યાનું રટણ કરનારા પિતા-પુત્રને આ કૃત્યનો જરાપણ અફસોસ ન હોય તેમ રાત્રે લોકઅપમાં શાંતિની સુઇ ગયા હતાં. ભરતે તો એવું રટણ પણ કર્યુ હતું કે, 'મને ખબર જ નથી પડતી કે મારાથી આવું થ્યું કઇ રીતે...મારા ગ્રહ ખરાબ હાલે છે એટલે આવું થઇ ગ્યું!'.

 શનિવારે બપોરે વસંતભાઇ ઝીંઝુવાડીયા શો રૂમ ખાતેથી પોતાના ઇટર્નો સ્કૂટરમાં ૧ કરોડના સોનાના દાગીનાનો થેલો લઇ વેપારીઓને બજારમાં બતાવવા જવા નીકળ્યા હતાં. પરંતુ જમવાનો સમય થઇ ગયો છતાં પરત ન આવતાં દૂકાને ટિફીન લઇને આવેલા પુત્ર ભાવીને પિતા વસંતભાઇને ફોન જોડ્યો હતો. પરંતુ તે બંધ આવતો હોઇ એલિગન્સ શો રૂમના માલિકને ભાવીને જાણ કરતાં પ્રારંભે ઘરમેળે શોધખોળ શરૂ કરાઇ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. વસંતભાઇનું સ્કૂટર દિવાનપરા પાસેથી મળ્યું હતું. ત્યાં જ બપોર બાદ આજીડેમ કિસાન ગોૈશાળા નજીકથી એક પ્રૌઢની લાશ મળી હતી. તપાસ થતાં આ લાશ ગૂમ થયેલા વસંતભાઇ ઝીંઝુવાડીયાની જ હોવાનું સ્પષ્ટ થતાં અને એફએસએલની તપાસમાં ગળાચીપ આપી હત્યા કરાયાનું જણાતાં પી.આઇ. પીે.એન. વાઘેલા, ભકિતરામભાઇ નિમાવત, વિરેન્દ્રસિંહ, સ્મિતભાઇ સહિતે ભાવીનભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

મામલો અપહરણ, હત્યા અને એક કરોડના સોનાની લૂંટનો હોવાનું માલુમ પડતાં જ ખુદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એડી. ડીસીપી હર્ષદ મહેતા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા મેદાનમાં આવ્યા હતાં. તેમની સાથે પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. પી.એન. વાઘેલા, ક્રાઇમ બ્રાંચ અને આજીડેમની ટીમોએ હત્યા લૂંટનો ભેદ ઉકેલવા તાબડતોબ કામગીરી શરૂ કરી દીધી હતી. આઇ-વે પ્રોજેકટનાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને હત્યા-લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

આ હત્યા દિવાનપરા નજીક જ સોનાની દૂકાન ધરાવતાં શ્રી જ્વેલર્સવાળા સોની વેપારી ભરત લાઠીગ્રા અને અને તેનો પુત્ર સુમિત લાઠીગ્રા સામેલ હોવાની દ્રઢ શંકા ઉપજતાં બંનેને ઉઠાવી લઇ વિશીષ્ટ ઢબથી પુછતાછ શરૂ થઇ હતી. પ્રારંભે તો કંઇપણ નહિ જાણતા હોવાનું રટણ કરનારા બંનેએ બાદમાં પોલીસનો અસલી મિજાજ ચાખતાં જ વસંતભાઇની હત્યા કર્યાનું કબુલી લીધુ હતું.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે અઠવાડીયા પહેલા જ પિતા-પુત્ર ભરત અને સુમિતએ સેલ્સમેન વસંતભાઇને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો. અષાઢી બીજના દિવસે વધુ સોનુ હોઇ જેથી આ દિવસને પસંદ કર્યો હતો. પિતા-પુત્રની ધારણા મુજબ જ સેલ્સમેન વસંતભાઇ અષાઢી બીજના દિવસે અઢી કિલો જેટલુ સોનુ લઇને નીકળ્યા હતાં. જેને ભરત પોતાની ઇનોવા કારમાં બેસાડી ભકિતનગર સર્કલ પાસે ચા પીવા લઇ ગયા બાદ ચા પીવડાવી પરત આવતી વખતે પુજારા પ્લોટ પાસે ઝેરી સ્પ્રે છાંટી વસંતભાઇને બેભાન કરી દીધા બાદ ભરતે પુત્ર સુમિતને બોલાવ્યો હતો. સુમિતે ઇનોવાનું ડ્રાઇવીંગ કર્યુ હતું અને ભરત પાછળ બેસી ગયો હતો. એ પછી પ્લાસ્ટીકની દોરીથી વસંતભાઇને ફાંસો દીધો હતો. બેભાન વસંતભાઇ તરફડીયા મારવા માંડતા સુમિતે તેના પગ પકડી રાખ્યા હતાં.

વસંતભાઇનું મોત નિપજ્યા બાદ ભરતે પુત્ર સુમિતને ઘરે રવાના કરી દીધો હતો અને પોતે લાશનો નિકાલ કરવા આજીડેમ પાસે પહોંચ્યો હતો. ત્યાંથી પરત ફરતી વખતે દાગીના કાઢી લઇ બોકસ અને થેલો કાંટાની વાડમાં ફેંકી દઇ સોનુ લઇ ઘરે પહોંચ્યો હતો. ફટાફટ અડધા દાગીના ભઠ્ઠીમાં ઓગાળી નાંખ્યા હતાં અને બીજા લેણદારોને આપી દીધા હતાં. ભરત અને સુમિતની આ કબુલાત બાદ બંનેની ધરપકડ કરી તેના ઘરમાંથી ૧૮૬૩ ગ્રામ ૩૬૦ મિલી ગ્રામ વજનના રૂ. ૫૨,૨૩,૮૧૯ના સોનાના ૪ ઢાળીયા, ઇનોવા કાર જીજે૬ઇએચ-૭૯૧૧, ઇલેકટ્રીક સગડી રૂ. ૫૦૦૦ની તથા એકટીવા જીજે૩કેબી-૭૫૪ કબ્જે કરાયા હતાં.

વિશેષ તપાસ માટે બંને આરોપીઓને આજીડેમ પોલીસને સોંપવામાં આવતાં પી.આઇ. પી.એન. વાઘેલા, ભકિતરામભાઇ, વિરેન્દ્રસિંહ, સ્મીતભાઇ અને ડી. સ્ટાફના પીએસઆઇ રાઠવા, કનકસિંહ, મહિપાલસિંહ, જયદિપસિંહ, પંકજભાઇ, શૈલેષભાઇ સહિતે બંને આરોપીઓની વિશેષ પુછતાછ શરૂ કરી હતી. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવતાં ૧૮મી સુધીના રિમાન્ડ મળતાં પોલીસે બાકીના દાગીના કબ્જે કરવા તજવીજ આદરી છે. દેણું થતાં અઠવાડીયા પહેલા પ્લાન ઘડી હત્યા-લૂંટ કર્યાનું રટણ કરનારા ભરતને ખરેખર કેટલુ દેણું હતું? તેણે બાકીનું સોનુ કોને-કોને આપ્યું? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. ભરતે એક તબક્કે તો પોતાનાથી શું થઇ ગયું તે ખબર જ ન પડી હોવાનું અને ગ્રહ ખરાબ હોવાથી આમ થઇ ગયાનું રટણ પણ કર્યુ હતું. પૈસાની લાલચમાં ભરતે પોતાના એકના એક પુત્ર સુમિતને પણ હત્યારાનું લેબલ લગાડી દીધું છે. પોલીસે બંનેને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરશે.

પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગહલોૈત,, જોઇન્ટ કમિશ્નર ડી.એસ. ભટ્ટ,  ડીસીપી બલરામ મીના, ડો. કરણરાજ વાઘેલા તથા એસીપી ભરત રાઠોડ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવી. આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલા, પી.એસ.આઇ. આર.સી. કાનમીયા, કે.કે. જાડેજા, બી.ટી. ગોહિલ, એ.એસ. સોનારા, કે.જી. સીસોદિયા, એસ.વી. સાંખળા સહિતે  જુદી જુદી ટીમો બનાવી ભેદ ઉકેલવાની કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)