Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જિલ્લા પંચાયત ટુંક સમયમાં તૂટશેઃ મુખ્યમંત્રીનો ધડાકો

હવાઓ સે કહ દો કી અપની ઔકાત મેં રહે, હમ પૈરો સે નહિ, 'હૌસલો' સે ઉડા કરતે હૈ! : કમલમમાં અગ્રણીઓની બેઠકમાં પ્રવચન વખતે રૂપાણીની સાફ વાતથી રાજકીય ખળભળાટઃ ભાજપના બે જ સભ્યો છે તે બે પૈકી એક (મોટાભાગે સોનલબેન શીંગાળા) પ્રમુખ બનશેઃ મુખ્યમંત્રીએ કહયું કુંવરજીભાઇની જેમ હજુ ઘણા ભાજપમાં આવવા તૈયાર છેઃ બધાને કુંવરજીભાઇ જેવુ (મંત્રી પદ) શકય નથી છતાં ઘણુ શકય થઇ શકે

રાજકોટ તા.૧૬: ગાંધીનગરમાં ત્રણ દિવસ પહેલાં ભાજપના પ્રદેશ હોદેદારો, શહેર-જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ અને વિવિધ મોરચાઓના પ્રદેશ હોદેદારોની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજય  રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત તૂટી રહયાની બેધડક આગાહી કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જવા ભાજપ સંગઠન અને સરકાર કામે લાગ્યાના નિર્દેષ મળે છે. કુંવરજીભાઇ બાવળિયા ભાજપમાં જોડાયા પછી તેમના જુથના સભ્યોની મદદથી ભાજપે નવાજુની સર્જવા આગેેકદમ માંડયા છે.

મુખ્યમંત્રીએ માઇક પરથી જ જણાવેલ કે ટુંક સમયમાં રાજકોટ જિલ્લા પંચાયત

અને સબંધિત ત્રણ-ચાર તાલુકા પંચાયત તૂટશે. આપણા (ભાજપના) બે જ મહિલા સભ્યો ચૂંટાયેલા છે તે પૈકી એક પ્રમુખ બનશે (રાજકીય સમીક્ષકોના મતે ભાજપે પ્રમુખ નક્કી કરવાના હોય તો શ્રીમતી સોનલબેન શીંગાળા પ્રમુખ બને તેવા સંજોગો)

શ્રી રૂપાણીએ એવું પણ જણાવ્યાનું જાણવા મળે છે કે કુંવરજીભાઇની જેમ બીજા ઘણા ભાજપમાં આવવા માંગે છે પણ બધાને કુંવરજીભાઇ જેવુ (મતલબ પ્રધાનપદ) શકય નથી છતા બીજુ ઘણું બધુ શકય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં ૨૬ દિવસ પહેલાં જ કોંગ્રેસના શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયા પ્રમુખ બન્યા છે. કોંગ્રેસના ૩૪ પૈકી ર સભ્યોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસ પહેલા અર્જુન ખાટરિયાએ ૨૬ સભ્યોની બહુમતીની પત્રકારો સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી.

એક પખવાડિયામાં સમિતિઓની રચના માટે સામાન્ય સભા બોલાવવી પડે તેમ છે. એક તરફ તોતીંગ બહુમતીનો કોંગ્રેસનો દાવો અને બીજી તરફ ભાજપના માત્ર બે જ સભ્યો ચૂંટાયેલા હોવા છતાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત તૂટી રહયાની મુખ્યમંત્રીએ જાહેર આગાહી કરી તે બાબત ઘણું કહી જાય છે. જિલ્લાના રાજકારણમાં નવાજુનીના ભણકારા વાગી રહયાં છે.

(3:40 pm IST)