Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મેટોડાની ફેકટરીમાં નકલી બોંબ મુકવાના કારસ્તાનમાં તપાસનો ધમધમાટઃ સીસીટીવી ફુટેજની ચકાસણી

અસ.ઓ.જી.ની ટુકડીએ ફેકટરીના માલીકો અને કર્મચારીઓની પુછતાછ કરીઃ ભય ફેલાવવાના ષડયંત્રની શંકા

તસ્વીરમાં ઘટના સ્થળે દોડી ગયેલ રેન્જ આઇજી ડી.એન.પટેલ, લોધીકાના મહિલા પીએસઆઇ ગઢવી તથા રૂરલ બોંબ સ્કવોડનો સ્ટાફ અને બીજી તસ્વીરમાં બોંબ ડીફયુઝની કાર્યવાહી કરાઇ હતી ત્યારે રૂરલ એસપી અંતરીપ સુદ નજરે પડે છ. ઇન્સેટ તસ્વીરમાં નકલી બોંબ દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨)

રાજકોટ, તા., ૧૬: રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઇડીસીમાં સત્યાય ટેકનોકાસ્ટ પ્રા.લી. નામની ફેકટરીમાં ગઇકાલે નકલી બોંબ મળી આવ્યાની ઘટનામાં રૂરલ એસઓજી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. એસઓજીની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી કરાઇ રહી છે. આ નકલી બોંબ ભય ફલાવવા માટે જ મુકાયો હોવાનુંં પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં આવેલ સત્યાય ટેકનોકાસ્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા નાથાભાઇ નારણભાઇ વારજીયા (રહે. ડુંગરપુર) ગઇકાલે વ્હેલી સવારના પોતાના રૂમમાં માળીયા ઉપર મુકેલ હીટર ઉતારવા જતા માળીયા ઉપર લાલ રંગની સેલોટેપ વિટેલા ચાર-પાંચ પાઇપ અને તેમાં એક ડીજીટલ વોચ તથા વાયર ફીટ કરેલ હાલતમાં વસ્તુ  મળી આવતા આ વસ્તુને લઇ સિકયુરીટી  ગાર્ડને બતાવતા તેણે બોંબ જેવું હોવાનું કહેતા ફેકટરીમાં બહાર જ આ બોંબ મુકી દેવાયો હતો અને પોલીસને જાણ કરતા લોધીકાના પીએસઆઇ ગેઢવી, રૂરલ એસપી અંતરીપ સુદ તથા રેન્જ આઇજી ડી.એન.પટેલ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

સૌ પ્રથમ પોલીસે ફેકટરી આસપાસ તથા રહેણાંક વિસ્તારના લોકોને દુર કરી રૂરલ બોંબ સ્કવોડ તથા રાજકોટ બોંબ સ્કવોડની ટીમે બોંબ જેવી મનાતી વસ્તુને ડીફયુઝ કરી દુર વાગુદળ ગામની અવાવરૂ ખુલ્લી જગ્યાએ લઇ જઇ બોંબ જેવી વસ્તુ કે જેમાં પાઇપમાં પાવડર ભરેલ હતો તે ટાઇમર વોચ સેમસંગ મોબાઇલની સરકીટ વિગેરે અલગ પાડવાની કામગીરી કરી હતી. ત્યાર બાદ એફએસએલના અધિકારી પી.બી.ગોરણીયાએ ઉકત તમામ વસ્તુઓનું પરીક્ષણ કરતા મળી આવેલ વસ્તુ એકસપ્લોઝીવ (વિસ્ફોટક) ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો અને આ વસ્તુને ફોરેન્સીક લેબમાં મોકલી આપી હતી.

દરમિયાન રૂરલ એસપી અંતરીપ સુદે આ ઘટનાની તપાસ રૂરલ એસઓજીને સોંપતા પીઆઇ જે.એસ.પંડયા, પીએસઆઇ ખોખર તથા પીએસઆઇ વસાવાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ફેકટરીમાં ૬૪ સીસીટીવી કેમેરા છે. તેમાંથી ૪૦ ટકા સીસીટીવી કેમેરા બંધ છે. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ફેકટરીમાં નકલી બોંબ મુકી દેનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

આ ફેકટરીમાં ર૭પ કામદારો છે અને તે મોટાભાગના પરપ્રાંતીય છે. ફેકટરીમાં નિલેષભાઇ માંગરોલીયા સહિત ૬ ભાગીદારો છે. એસઓજીની ટીમે ફેકટરીના માલીકો અને કર્મચારીઓની પુછતાછ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમાં કોઇ વ્યકિતએ ફેકટરીમાં ભય ફેલાવવા નકલી બોંબ મુકી ટીખળ કરી હોવાનું અનુમાન છે. પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે. (૪.૨)

(12:04 pm IST)