Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વોર્ડ નં.૧૧ના જીવરાજ પાર્ક વિસ્તારમાં ચોમાસા પહેલા બ્રિજ (સ્લેબ કલેવર્ટ) બનાવવા માંગ

આ નાલાનું ખાતમુહુર્ત થઇ ગયાને ૧ મહિનો થઇ ગયો છતા કામગીરીમાં ઘોર વિલંબ : કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ઉગ્ર રજૂઆત

રાજકોટ તા.૧૬ : શહેરના વોર્ડ નં.૧૧ માં જીવરાજપાર્ક વિસ્તારમાં મંજૂર થયેલ બ્રિજ (સ્લેબ કલેવર્ટ નાલુ) તાત્કાલીક ધોરણે ચોમાસા પહેલા બનાવવા આ વિસ્તારના કોંગ્રેસ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ ઉગ્ર રજૂઆત કરી છે.

રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૧માં સમાવેશ થતા વિસ્તાર જીવરાજપાર્ક વિસ્તારમાં આ વિસ્તારને કલેવર્ટ પુલની કામગીરી મંજૂર થઇ ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યુ. જેના આજે ૧ (એક) માસ જેવો સમય વિતવા છતા પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી ને વિલંબ કરવામાં આવે છે. 

ઘનશ્યામસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, ટુંક સમયમાં ચોમાસાની મોસમ શરૂ થશે ત્યારે આ વિલંબીત કામગીરીના હિસાબે ફરિવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે. આ કામગીરી મંજૂર થઇ છે. ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે છતાં પણ કામગીરી કયાં કારણોસર વિલંબ કરવામાં આવે છે ? તેવો સવાલ ઉઠાવી ઘનશ્યામસિંહે ચોમાસા પહેલા આ પુલની કામગીરી શરૂ કરીને આ વિસ્તારને ન્યાય આપવાની માંગણી કરી છે.

(4:13 pm IST)