Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રામલલ્લાની નવ ફુટની શ્‍યામવર્ણી મૂર્તિ મુખ્‍ય રથમાં થશે બિરાજમાન

કાલે રામનવમીના પાવન પર્વે શોભાયાત્રાનું રાધેશ્‍યામ ગૌશાળા અને વી.હી.પ દ્વારા જાજરમાન અયોજન : * સૌરાષ્‍ટ્રની સૌથી વિશાળ તથા લાંબા રૂટની ભવ્‍ય શોભાયાત્રા જેમાં જોડાશે લાઇવ પાત્રો સાથેના અનેકવિધ ફલોટ્‍સ, બાઇક,યુવાનો, મહિલાઓ, રામભક્‍તો સહિતનો સમગ્ર રાજકોટનો હિન્‍દુ સમાજ * દુર્ગાવાહિનીની બહેનો એકસરખા વષામાં સજ્જ માથે કેસરી સાફા પહેરીને જોડાશે, ૨૧ બહેનોની એક ટીમ શોભાયાત્રામાં ફરસીરાસ રજુ કરી નારીશકિતનો પરિચય આપશે * નાણાવટી ચોક ખાતે ૧૧૦૦ કિલો મીઠાઇ તથા ૧૧૦૦ કિલો ફરાળનો પ્રસાદ રામ ભકતોમાં મંદિર, ગોંડલ રોડ ખાતે મહાઆરતી * શોભાયાત્રાનો રૂટ અને સમયસારણીની માહિતી આપતા આગેવાનો

રાજકોટઃ આવતીકાલે આગામી તારીખ ૧૭ ને બુધવારે રામ નવમી ના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્‍દુ પરિષદ અને રાધેશ્‍યામ ગૌશાળા ના સંયુક્‍ત ઉપક્રમે સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને સૌથી મોટા રૂટ ઉપર ફરતી ભવ્‍યાતિ ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રામ નવમીના દિવસે નાણાવટી ચોક ખાતે સવારે ૮ કલાકે એક ધર્મસભા બાદ ભવ્‍ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર વિચરશે. અયોધ્‍યામાં બિરાજમાન સ્‍વરૂપ એવા શ્‍યામવર્ણી  રામલલ્લાની ૯ ફૂટ ઊંચી મૂર્તિ આ શોભાયાત્રાના મુખ્‍ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ મૂર્તિને શોભાયાત્રાના રૂટમાં અનેક સામાજિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સેવાકીય સંસ્‍થાઓ, એન.જી.ઓ, મંડળો, ગ્રુપ, રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર વધામણા કરવામાં આવશે. આ ઉપરાંત આ ભવ્‍ય શોભાયાત્રામાં જીવંત પાત્રો સાથેના લાઈવ ફલોટ કે જેમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરીને સંદેશો પાઠવવામાં આવશે તેવા લાઇવ ફલોટ ઉપરાંત શ્રીરામ દરબાર, હનુમાનજી મહારાજ, ભારત માતા, ગૌમાતા, મહાદેવ સહિતની દર્શનીય મૂર્તિઓ સાથે ૩૦ થી પણ વધુ ફલોટ્‍સ જોડાવાના છે. રથયાત્રા શરૂ થતા ૧૧૦૦ કિલો મીઠાઈ તથા ૧૧૦૦ કિલો ફરાળનો પ્રસાદ રામભક્‍તો ને વહેંચવામાં આવશે.

આ ભવ્‍ય શોભાયાત્રામાં બજરંગ દળ ના કેસરી ખેસધારી યુવાનો તેમજ એકસરખા વસ્ત્રમાં સજ્જ માથે કેસરી સાફા પહેરીને દુર્ગા વાહિની ની બહેનો જોડાવાના છે. ૨૧ બહેનોની એક ટીમ ફરસી રાસ પણ પ્રસ્‍તુત કરશે જેને માણવો પણ એક લહાવો છે. શોભાયાત્રા ના રૂટ પર અલગ અલગ સંસ્‍થા, ગૃપ, મંડળો દ્વારા ઠેર ઠેર પાણી, શરબત, છાશ, ફરાળ સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ શોભાયાત્રા જયાં પૂર્ણ થવાની છે તેવા સ્‍થળની પણ એક આગવી વિશેષતા છે.પૂર્ણાહુતિ સ્‍થળ એવા સત્‍યુગ રામજી મંદિર કે જે ન્‍યાલભગત અન્નક્ષેત્ર ના નામથી પણ ઓળખાય છે. જે સ્‍થળે પરમાત્‍મા શ્રી સતચિત આત્‍મન ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ ચત્રભુજ સ્‍વરૂપે બિરાજમાન છે. ૧૯૯૧ થી એટલે કે છેલ્લા ૩૩ વર્ષથી બૃહદ બ્રમ્‍હ મંત્ર  ‘ૐ હિં રામ જય રામ જય જય રામ' ની અખંડ રામધૂન આ મંદિરમાં ચાલી રહી છે. આ ધુનનો હેતુ વિશ્વ કલ્‍યાણ, પ્રલય નિવારણ અને ગૌરક્ષા હેતુ માટે છે. આ શોભાયાત્રા પૂર્ણ થયેલ મુખ્‍યરથમાં બિરાજમાન રામલલ્લાની આરતી  કરવામાં આવશે . જેમાં સત્‍યુગ રામજી મંદિરના સુરેશ મહારાજ અને રાહુલભાઈ જોશી જોડાવાના છે અને બપોરે ૧૨ કલાકે મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ ની  મહાઆરતી કરવામાં આવશે.

રામનવમીની શોભાયાત્રા ને બજરંગ દળના યુવાનોની એક ટીમ સુરક્ષા પૂરી પાડશે સમગ્ર શોભાયાત્રા જયારે રાજકોટના રાજમાર્ગો પર ફરશે ત્‍યારે લાખોની સંખ્‍યામાં રામ ભક્‍તો મુખ્‍ય રથમાં બિરાજમાન અયોધ્‍યા ની મૂર્તિની પ્રતિકૃતિ સમાન શ્‍યામવર્ણી રામલલ્લાના દર્શનનો અને અનેક વિધ ફલોટ નિહાળવાનો લ્‍હાવો લેશે. આતકે તમામ હિન્‍દુ સમાજને  આ ધર્મ સભા અને શોભાયાત્રા માં જોડાવવા વિશ્વ હિન્‍દુ પરિષદ અને રાધેશ્‍યામ ગૌશાળા દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ધર્મ સભા અને શોભાયાત્રા ની માહિતી પ્રેસ મુલાકાતે આવેલ શોભાયાત્રા ના સમિતિના મહામંત્રીઓ હર્ષિતભાઈ ભાડજા , સુશીલભાઈ પાભર, દીપકભાઈ ગમઢા, હર્ષભાઈ વ્‍યાસ, વિહિપ - બજરંગ દળ ના  હર્ષ મૂથરેજા, ધ્‍વનિત સરવૈયા,  મયુર મકવાણા, ગૌરાંગ ડાભી, વિમલ લીંબાસીયા, ભાર્ગવ નીમ્‍બાર્ક, રાજુ સાવલિયા, હિનેશ મકવાણા , ધનરાજ  રાઘાણી, દુર્ગાવાહિની - માતૃશક્‍તિ ના હિરલબેન જાની, શિતલબેન ધામેલીયા, સોનલબેન જોષી, સાક્ષીબેન ધામેલીયા, અંજુબેન પટેલ, વૈશાલીબેન ડોબરીયા, ભાર્ગવીબેન ભટ્ટ ઉપાધ્‍યાય, વિધિબેન જોષી, ઉર્મિલાબેન શુકલ, ભુમીબેન મહેતા, રુચા નિમ્‍બાર્ક, જયોતિબેન પંડયા નજરે પડે છે. (૨૨.૩૫)

શોભાયાત્રામાં આકર્ષણો :-

(૧) શ્રી રામલલ્લાની અયોધ્‍યામાં બિરાજમાન મૂર્તિ જેવી આબેહુબ  શ્‍યામવર્ણી મૂર્તિ (૨) નવદુર્ગાના સ્‍વરૂપને તાદ્રશ્‍ય કરતી દુર્ગાવાહિની બહેનો દ્વારા વેશભૂષા માં સજજ જીવંત પાત્રોનો ફલોટ (૩) શ્રી રામદરબાર નો ફલોટ (૪) હનુમાનદાદા નું બાહુબલી સ્‍વરૂપ ઉજાગર કરતી વિશાળ મૂર્તિ (૫) ભારતમાતાની સુંદર પ્રતિમા (૬) નાના બાળકો દ્વારા અવનવી વેશભૂષા ધારણ કરી શ્રી રામ ભગવાન નું બાળ સ્‍વરૂપ રજુ કરતી જીવંત કૃતિ  (૭) રોકડિયા મિત્ર મંડળ દ્વારા પૂષ્‍પ ની વર્ષા કરતી તોપ (૮) શોભાયાત્રા માં સોથી મોખરે વિશાળ ધર્મદવજ લેહરાવતા યુવાનો (૯) નેપાળી જનજાગૃતિ મંડળ દ્વારા જીવંત પાત્રો સાથે નો ફલોટ

રામનવમી શોભાયાત્રા રૂટ

નાણાવટી ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ    સવારે ૦૮-૦૦ કલાકે

(ધર્મસભા બાદ પ્રસ્‍થાન)

રૈયા ચોકડી                            ૦૯-૩૦ કલાકે

કનૈયા ચોક                             ૦૯-૪૦ કલાકે

હનુમાનમઢી ચોક                      ૦૯-પ૦ કલાકે

કિશાનપરા ચોક                        ૧૦-૦૦ કલાકે

જીલ્લા પંચાયત ચોક                   ૧૦-૧૦ કલાકે

ફુલછાબ ચોક                           ૧૦-૧પ કલાકે

રોકડીયા હનુમાન મંદિર ચોક           ૧૦-ર૦ કલાકે

મોટી ટાંકી ચોક                         ૧૦-૩૦ કલાકે

લીમડા ચોક                            ૧૦-૪૦ કલાકે

એ.સી.બી. ઓફીસ                      ૧૦-૪પ કલાકે

ત્રિકોણબાગ                            ૧૦-પ૦ કલાકે

લાખાજીરાજ રોડ                       ૧૦-પપ કલાકે

કરણસિંહજી બાલાજી મંદિર રોડ         ૧૧-૦૦ કલાકે

સ્‍વામીનારાયણ મંદિર ભુપેન્‍દ્ર રોડ      ૧૧-૧૦ કલાકે

આશાપુરા મંદિર પેલેસ રોડ            ૧૧-૧પ કલાકે

કેનાલ રોડ                             ૧૧-રપ કલાકે

ભુતખાના ચોક                         ૧૧-૩૦ કલાકે

લોધાવડ ચોક                          ૧૧-૪૦ કલાકે

ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ             ૧૧-૪પ કલાકે

બોમ્‍બે ગેરેજ ચોક                      ૧૧-પ૦ કલાકે

સતયુગશ્રી રામજી ભગવાન મંદિર હળઃ શ્રી ન્‍યાલ બપોરે ૧ર કલાકે

ભગત અન્‍નક્ષેત્ર (મહાઆરતિ - પૂર્ણાહુતી)

(3:05 pm IST)