Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

૧૪ વર્ષ પહેલાના ટેક્ષી ચાલક હત્‍યા - લુંટના કેસમાં પકડાયેલ આરોપીઓનો શંકાના લાભ સાથે છૂટકારો

અશ્વિન પોપટ  એડવોકેટ : એમ.જે.આચાર્ય એડવોકેટ

રાજકોટ તા. ૧૬ : શહેરના ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ પેઢીની કારના ચાલકની હત્‍યા કરી લાશને ફેંકી દઈ અને કારની લૂંટ ચલાવવાના ગુનામાં ઝડપાયેલા ત્રણ પૈકી બે સામેનો કેસ ચાલી જતા અદાલતે બંને શખ્‍સોને શંકાનો લાભ આપી છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો છે.

 વધુ વિગત મુજબ મીલપરામાં આવેલી ટ્રાવેલ કંપનીની કાર સુરજીતસિંગ મહેન્‍દ્રસિંગએ બુક કરાવી હતી. એ વખતે ટ્રાવેલ કંપનીનાં ડ્રાઇવર  ચંદુભાઈ ભોજક તા.૦૨-૦૫-૨૦૦૮ નાં રોજ પેસેન્‍જર સુરજીતસિંગ મહેન્‍દ્રસિંગને લઈને ભાવનગર જવા રવાના થયા હતા. અને ભાવનગરથી પરત આવતી વખતે સુરજીતસિંગ મહેન્‍દ્રસિંગએ વીરનગર નજીક તીક્ષણ હથિયારથી ડ્રાઇવર ચંદુભાઈ ભોજકને મોતને ઘાટ ઉતારી લાશ  બાવળની ઝાડીમાં ફેંકી દઈ પાંચેક લાખની કિંમતની કારની લુંટ કરી નાશી છૂટ્‍યાના આક્ષેપો સાથે જસદણ પોલીસ સ્‍ટેશનમાં ટ્રાવેલ કંપનીના માલીક  મહેન્‍દ્રભાઈ જોષીએ ફરીયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે આરોપી સુરતના જગદીશ ઉર્ફે જગો વીરૂભાઈ પીરૂભાઈ પટેલ, પરેશ ઉર્ફે પી.પી. મગનલાલ સાવલીયા ધરપકડ કરી હતી.

આ કેસમાં આરોપી  સુરજીતસિંગ મહેન્‍દ્રસિંગ ભાગતા ફરતા હોય અને તેને વોરંટ પણ બજતું ન હોવાથી અને તેઓનાં જામીન પણ અવસાન પામેલા હોવાથી તેની સામેનો કેસ અલગ કરી આરોપી જગદીશ ઉર્ફે જગો વીરૂભાઈ પીરૂભાઈ પટેલ અને પરેશ ઉર્ફે પી.પી. મગનલાલ સાવલીયા  સામેનો કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ બંને આરોપીઓના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખવામાં આવેલા ઉચ્‍ચ અદાલતના  ચુકાદાઓને ધ્‍યાને લઈ પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ આર.ટી. વચ્‍છાણીએ શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસમાં બંને આરોપી વતી એડવોકેટ  એમ.જે. આર્યાય, નિરવ રૂપારેલીયા, કૌશીક સોઢા, મનોજ સોલંકી, લીગલ એઈડના એડવોકેટ અશ્વિન જે.પોપટ અને તેના સહાયક એડવોકેટ તરીકે કલ્‍પેશ એન. વાઘેલા રોકાયા હતા

(2:22 pm IST)