Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આંબેડકરનગરના યુવાનનું પોલીસના મારથી મોતઃ હત્‍યા

રવિવારે રાતે ખોડિયારનગરના ખુણે રહેતાં રાજુભાઇ સોલંકીને તેના પડોશી સાથે માથાકુટ થઇ ત્‍યારે રાજુનો દિકરો જયેશ નજીકમાં આંબેડકરનગરમાં રહેતાં હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૩૪)ને સમાધાન કરાવવા માટે બોલાવી ગયો હતોઃ તે વખતે પોલીસ હમીરભાઇને મારકુટ કરી ગાડીમાં લઇ ગઇ હતીઃ મોડી રાતે છોડી મુકાયેલ : ગઇકાલે સવારે હમીરભાઇ ન જાગતાં પત્‍નિએ તપાસતાં કપડા બગડી ગયા હતાં: શરીરે ચાંભા હતાં: બેભાન હાલતમાં વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાતાં માથામાં હેમરેજનો રિપોર્ટ આવ્‍યો હતોઃ માલવીયાનગર પોલીસે અજાણી પોલીસ સામે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યા બાદ આજે સવારે હમીરભાઇએ દમ તોડી દેતાં હત્‍યાનો ગુનો નોંધવા કાર્યવાહી : ઘટના સ્‍થળે માર મારી પોલીસે તેને પછાડયાનો અને હેમરેજ જેવી ઇજા થયા બાદ મોત થયાનો આક્ષેપઃ આરોપીની ધરપકડ થાય પછી જ મૃતદેહ સ્‍વીકારવાનો નિર્ણયઃ પરિવારજનો, સમાજના આગેવાનો પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્‍યા

મારકુટ બાદ હાલત ખરાબ થઇ જતાં સારવારમાં રહેલા હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ, તેના શરીરે મારના નિશાન અને તેનો ફાઇલ ફોટો તથા વચ્‍ચે રજૂઆત કરતાં અગ્રણી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૨માં રહેતાં હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) નામના યુવાનને પરમ દિવસે પડોશીની માથાકુટનું સમાધાન કરવા ગયો ત્‍યારે ત્‍યાં આવેલી પોલીસે તેને મારકુટ કરતાં અને ગાડીમાં બેસાડી પોલીસ સ્‍ટેશને લઇ ગયા બાદ ફરથી માર મારી છોડી મુક્‍યા પછી આ યુવાનની હાલત બગડતાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેનું આજે મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરીણમ્‍યો હતો. પોલીસના મારથી મોતની ઘટનાને પટલે મૃતકના સ્‍વજનો, સમાજના લોકોમાં રોષ વ્‍યાપી ગયો હતો. આરોપી પોલીસ કર્મચારીને તત્‍કાળ પકડવાની માંગણી કરવામાં આવી હતી અને આગેવાનો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્‍યા હતાં.

હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને  પરમ દિવસે રાતે વિસ્‍તારમાં રહેતાં જયેશ સોલંકીને તેના પડોશી સાથે ઝઘડો થયો હોઇ જયેશ તેને સમાધાનની વાત કરવા માટે ઘરેથી બોલાવીને લઇ ગયો હતો. એ દરમિયાન પોલીસ આવી ગઇ હોઇ હમીરભાઇને મારકુટ કરી પોલીસની ગાડીમાં બેસાડીને લઇ ગયા બાદ મોડી રાતે તેને પડોશી પરત ઘરે તેડી આવ્‍યા હતાં. ગઇકાલે સવારે તેની હાલત બગડી ગઇ હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં અજાણી પોલીસ વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. આજે સવારે હમીરભાઇએ દમ તોડી દેતાં હત્‍યાની કલમ ૩૦૨નો ઉમેરો કરવા કાર્યવાહી થઇ હતી. પોલીસના મારથી મોતને પગલે મૃતકના સ્‍વજનો, સમાજના આગેવાનોમાં રોષ ફેલાઇ ગયો હતો.  આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૨ બમાં રહેતાં ગીતાબેન હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી પોલીસે અજાણ્‍યા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગીતાબેન રાઠોડે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા પતિ હમિરભાઇ, દિકરા અરમાન સાથે રહુ છું. મારા પતિ હમીરને છેલ્લા ત્રણેક વર્ષથી ડાયાબીટીસની બિમારી છે. તા. ૧૪/૪ના રાતે અગિયારેક વાગ્‍યે અમારી શેરીની બાજુમાં ખોડિયારનગર-૧૬ના ખુણે ચોકમાં રાજુભાઇ સોલંકી અને તેના દિકરા જયેશને તેના પડોશી સાથે ઝઘડો થયો હોઇ જેથી જયેશ સોલંકી મારા પતિ હમીરને ઘરે બોલાવવા આવ્‍યો હતો.

 જયેશે કહેલું કે ગોપાલકાકા તમે મારી સાથે ચાલો, અમારે પડોશી સાથે ઝઘડો થયો છે. તેણે પોલીસની ગાડી બોલાવી છે. તમે આવો તો સમાધાન થઇ જાય. આથી મારા પતિ તેની સાથે ગયા હતાં. પંદરેક મિનીટ પછી મારો દિકરો અરમાન ઘરે આવ્‍યો હતો અને વાત કરી હતી કે પોલીસની ગાડી આવી હતી અને પપ્‍પાને મારતાં મારતાં ગાડીમાં બેસાડીને લઇ ગયા છે.

મારા દિકરાની આ વાત સાંભળી મારા સાસુ કેશુબેન  અમારા પડોશમાં રહેતાં નાનજીભાઇના ઘરે ગયા હતાં અને તેમને મારા સાસુએ વાત કરી હતી કે પોલીસ મારા દિકરા હમીરને ગાડીમાં બેસાડીને લઇ ગઇ છે. આ પછી નાનજીભાઇ રાતના એકાદ વાગ્‍યા આસપાસ મારા પતિ હમીરને એકટીવામાં બેસાડી ઘરે લઇ આવ્‍યા હતાં. તેઓ અર્ધબેભાન જેવી હાલતમાં હતાં. મારા પતિને સવારે વહેલા ઉઠવાની ટેવ હોઇ પરંતુ નહિ ઉઠતાં હું તેને જગાડવા જતાં તેની તબિયત વધુ ખરાબ જણાઇ હતી. તેનુ પેન્‍ટ પણ ખરાબ થઇ ગયું હોઇ જેથી મેં પેન્‍ટ -શર્ટ બદલતાં તેના શરીરે મારના ચાંભા જોવા મળ્‍યા હતાં.

 જેથી મારા સાસુ કેશુબેનને વાત કરતાં તેણે મારા જેઠ હરેશભાઇને વાત કરી હતી. બાદમાં મારા પતિને કાર મારફત વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. જેને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયાનું ડોક્‍ટરે જણાવ્‍યું હતુ઼. મારા પતિ હમીરને અજાણી પોલીસે માર મારતાં શરીરે ચાંભા થઇ ગય છે અને માથામાં હેમરેજ જેવી ઇજા થઇ છે. પીઆઇ જે. આર. દેસાઇ અને દિપકભાઇએ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇનું સવારે મોત નિપજતાં હત્‍યાની કલમ ઉમેરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના મારથી મોતની ઘટનાને પગલે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ જે.આર. દેસાઇ અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતકના સ્‍વજનો, મોટી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરો વોકહાર્ટ હોસ્‍પિટલે એકઠા થયા હતાં અને આ બનાવમાં હત્‍યાની કમલનો ઉમેરો કરાયો હોઇ તત્‍કાળ આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી લેવાની માંગણી કરી હતી. રજૂઆતમાં પુર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થ પરમાર સહિતના પણ સામેલ થયા હતાં.  (૧૪.૭)

હમીરભાઇને ત્રણેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હતી

ઞ્જમૃત્‍યુ પામનાર હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને ત્રણેક વર્ષથી ડાયાબીટીસની બિમારી હતી. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:55 pm IST)