Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા જાહેર મંચ પરથી ક્ષત્રીય સમાજની ફરી માફી માંગે તેવી સરકારની ફોર્મ્‍યુલા ફગાવાઇ

પાંચ લાખ ક્ષત્રીયો એકઠા થયા તેના પરથી સામાન્‍ય માણસ પણ ક્ષત્રીયોના રોષનો અંદાજ લગાવે છે તો સરકાર કેમ નહિ? પી.ટી.જાડેજાનો વેધક પ્રશ્ન : ‘રૂપાલા હટાવ લડત' ચલાવતી ૯ર સંસ્‍થાઓની સંકલન સમીતીએ મોડી રાત્રે મુખ્‍યમંત્રી સમક્ષ એક જ ધડાકે ફરી ક્‍હયું ‘ટીકીટ રદ'થી વધુ કાંઇ નહિ :ક્ષત્રીય સમાજ ખોટી અફવાઓ સાંભળે નહિ, સંકલન સમીતી કદી તમારા વિશ્વાસ તોડશે નહિ : ૧૯ મી સુધીમાં ફોર્મ પાછુ નહી ખેંચાય તો સમગ્ર ક્ષત્રીય સમાજ રાજયભરમાં ભાજપની વિરૂધ્‍ધમાં આવી જશે

રાજકોટ, તા., ૧૬: રવિવારે રાજકોટ નજીકના રતનપર રામમંદીરના સાનિધ્‍યમાં ૩૦ એકર જેવડી વિશાળ જગ્‍યામાં ક્ષત્રીય સમાજના યોજાયેલા શાંતિપુર્ણ અસ્‍મિતા સંમેલનમાં સ્‍વયંભુ રીતે આશરે પાંચ લાખ ક્ષત્રીય રાજપુતો ઉમટી પડતા સરકાર સફાળી જાગી હોય તેમ ગત મોડી રાત્રે રૂપાલાના વિરોધમાં લડત ચલાવતી ૯ર સંસ્‍થાઓની સંકલન સમીતીના સભ્‍યોને તાબડતોબ ગાંધીનગર મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને બોલાવી સમજાવવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો. જો કે, સંકલન સમીતીએ રૂપાલાની ટીકીટ રદ'થી વધુ ક્ષત્રીય સમાજને બીજુ કાંઇ ખપે નહિ તેવું સ્‍પષ્‍ટ જણાવી દીધું હતું.

આજે સંકલન સમીતીના સૌરાષ્‍ટ્રના અગ્રણી પી.ટી.જાડેજાએ સવારે રાજકોટ પરત આવી બીગબજાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદીરના સાનિધ્‍યમાં પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવી હતી. જેમાં વિગત આપતા તેઓએ જણાવ્‍યું હતું કે, ગઇ રાત્રે ૧ર વાગ્‍યા આસપાસ અમારી સંકલન સમીતીના રપ થી ૩૦ સભ્‍યોને મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને બોલાવવામાં આવ્‍યા હતા. જયાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજીએ ક્ષત્રીય સમાજનો રોષ ઠારવા પ્રયાસો કરવા અમને નમ્ર સુચન કર્યુ હતું. જો કે ઉપસ્‍થિત સંકલન સમીતીએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું હતું કે, ગઇકાલે યોજાયેલા સંમેલનમાં એકઠા થયેલા પાંચ લાખ ક્ષત્રીયો સમાજની બહેન-બેટીને લાંછન લાગે તેવી રૂપાલાએ કરેલી ટીપ્‍પણીથી રોષે ભરાઇ સ્‍વયંભુ એકઠા થયા હતા. હવે આ સમાજને પાછો વાળવો કોઇ પણના હાથમાં નથી. સમાજના રોષને અમારે વાચા આપવી જ પડે. અમે પણ આપને જણાવીએ છીએ કે, સંમેલનની નજીકની અને દુરોગામી અસરોને સમજીને રૂપાલા પોતાનું નામાંકન પાછુ ખેંચે તો જ ક્ષત્રીય સમાજની બહેન-બેટીઓની અસ્‍મિતાને રૂપાલાએ નમન કરી માફી માગ્‍યાનું અમે સમાજને કહી શકીએ.

પી.ટી.જાડેજાએ વધુમાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીએ રૂપાલા જાહેર મંચ પરથી ક્ષત્રીય સમાજની ફરી માફી માંગે તેવી ફોર્મ્‍યુલા પણ રજુ કરી હતી પરંતુ તે સંકલન સમીતીએ ગ્રાહય રાખી ન હતી. તેમણે ક્ષત્રીય સમાજને અપીલ કરતા જણાવ્‍યું હતું કે, ગઇકાલથી સંકલન સમીતી વિષે આડાઅવળી વાતો વહેતી કરવામાં આવી હતી. સમાજ આવી વાતો ધ્‍યાને ન ધરે. સંકલન સમીતી એ સમાજ જ છે. અમે સમાજની ભાવના સાથે છીઅ,ે તેમના વિશ્વાસને કદી તોડીશું નહિ તેમ દેવાધિદેવ મહાદેવના સાનિધ્‍યમાં સોગંદ પુર્વક જણાવું છું.

રૂપાલા ફોર્મ આજે ભરી રહયા છે ત્‍યારે હવે પછી ક્ષત્રીય સમાજની શું લડત રહેશે? તે વિષે પી.ટી.જાડેજાએ જણાવ્‍યું હતું કે, સંમેલન પુરૂ થયું એટલે અમારી લડત પાર્ટ-૧ પુરો થયો હવે લડત પાર્ટ-ર મુજબ આગળ વધવામાં આવશે. ૧૯ મી તારીખ સુધીમાં જો રૂપાલા ફોર્મ પાછુ નહિ ખેંચે તો ભાજપની વિરૂધ્‍ધમાં ઘરે-ઘરે પ્રચાર કરી કચકચાવીને વિરોધમાં મતદાન કરવામાં આવશે. અમે જો કે મોદીજી અને ભાજપના આંધળા અનુયાયીઓ છીએ. પરંતુ રૂપાલાની ટીકીટ રદ નથી થઇ રહી એટલે અમારે ભાજપના વિરોધમાં ના છુટકે સમગ્ર સમાજે જવુ જ પડશે.

(1:29 pm IST)