Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાન વધારવા ચૂંટણી તંત્રના અવિરત પ્રયાસો

વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરો દ્વારા મતદાનની અપીલ

રાજકોટ:લોકશાહીના અવસર સમી લોકસભાની ચૂંટણીમાં મત આપીને સહભાગી થવું, એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ત્યારે ૧૦ - રાજકોટ સંસદીય મત વિસ્તારના મતદાનમાં મહત્તમ મતદારોને સહભાગી બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના માર્ગદર્શનમાં મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અન્વયે સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશ અનુસાર અવિરત અવનવી પ્રવૃત્તિઓ થકી 'મતદાન એ મહાદાન'ના મંત્રને સિદ્ધ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. 

 વિધાનસભા મત વિસ્તાર મુજબ  ૬૬ - ટંકારા આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર સુબોધ દુદકીયાના દિશાનિર્દેશ અનુસાર પડધરી તાલુકામાં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણીએ ૧૦% કરતા ઓછું હોય તેવા ભાગો પૈકી મતદાન મથક નં. ૨૮૦માં રાદડ મુકામે, મતદાન મથક નં. ૨૪૪માં મોટી ચણોલ ગામે, મતદાન મથક નં. ૨૬૮ તથા ૨૬૯માં મોટા ખીજડીયા ખાતે, મતદાન મથક નં. ૨૭૦માં છેલ્લી ઘોડી ખાતે તેમજ મતદાન મથક નં. ૨૮૭ તથા ૨૮૮માં ખંભાળા ગામ ખાતે બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાન વધારવા માટે ગામલોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જાતિ આધારિત તફાવત દૂર કરવા મહિલાઓને મતદાનની પ્રક્રિયા સમજાવાઈ હતી. તેમજ સૌને મતદાનના દિવસે મતદાનને પ્રાથમિકતા આપવાની પ્રેરણા પૂરી પડાઈ હતી. 

70- રાજકોટ દક્ષિણના આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર ચાંદનીબેન પરમાર એ કરુણા ફાઉન્ડેશનના 'કરુણા ટોક્સ' કાર્યક્રમમાં ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે આ મત વિસ્તારમાં ચાલતી સ્વીપ એક્ટીવીટીઝ ઉપરાંત મતદાન પ્રક્રિયા, મતદાનમથક સહીતની ચૂંટણીલક્ષી ઉપયોગી ચર્ચા કરી હતી.

 ૭૧ - રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલભાઈ ચક્રવર્તીના સૂચનો પ્રમાણે પુરુષ અને સ્ત્રી જાતિના મતદાનની ટકાવારીમાં વધુ તફાવત રહેલો હોય તેવા મતદાન મથક વિસ્તારમાં મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધીકા તાલુકાના બાલસર ગામ ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને, જશવંતપુર ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને, રાવકી ગામ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને અને અભેપર ગામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સહપરિવાર મત આપવા જવા માટે પ્રેરિત કરાયા હતા. અને અચૂક મતદાનની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી.

          ૭૨ - જસદણના પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાની અધ્યક્ષતામાં "નંદઘર" આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી બહેનો દ્વારા મતદાન માટે અપીલ કરતી મહેંદી મૂકીને લોકોને મતદાન કરવાની પ્રેરણા અપાઈ હતી. આ તકે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવા એ પણ હાથમાં મતદાન માટેની અપીલ કરતી મહેંદી મુકાવીને મતદાન માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ તકે સૌએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતાં. ઉપરાંત, ભાડલા, સાણથલી અને ઝુંડાળા ગામોમાં પણ ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અંતર્ગત મત આપવા માટે લોકોને પ્રેરિત કરાયા હતાં.

    ૭૫ - ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારી જયેશભાઈ લીખિયાના વડપણ હેઠળ મતદાન અંગે જાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે ધોરાજી શહેરમાં જાહેર સ્થળોએ મતદાનનું મહત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું. આમ, ૧૦ - રાજકોટ સંસદીય વિસ્તારમાં ઠેર-ઠેર વધુમાં વધુ લોકો ચૂંટણીમાં સહભાગી બને, તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે.

(1:09 am IST)