Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2024

રાજકોટ જિલ્લામાં યુવા મતદારોને વોટિંગ માટે પ્રેરિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા ડિજિટલ કેમ્પેઈન

ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફેસબુક તથા ટ્વીટર પર પોસ્ટર-બેનર થકી મહત્તમ મતદાનની અપીલ: રેડિયો પરથી ઓડિયો મેસેજ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશને અપાતો વેગ

રાજકોટ :સોશિયલ મીડિયા આજે માહિતીના પ્રચાર-પ્રસારનું ખૂબ પ્રભાવશાળી માધ્યમ છે. અનેક યુવાનો-નાગરિકો તેનો વ્યાપક ઉપયોગ કરે છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે યુવાનો તેમજ નાગરિકોને પ્રેરિત કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશમાં ડિજિટલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર તંત્રના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તથા ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ પોસ્ટ થકી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંદેશ અપાય છે.

કલેક્ટર કચેરી તરફથી મળતી માહિતી મુજબ, ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ વધારવા તથા મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આઠેય વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી (એ.ઈ.આર.ઓ.) દ્વારા ૬૪થી વધુ ટ્વીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય તથા કેન્દ્રીય ચૂંટણી પંચ કચેરીના રિ-ટ્વીટ પણ કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી (ડી.ઈ.ઓ.)ના સ્તરેથી,  Collector and DEO Rajkot @CollectorRjt હેન્ડલ ઉપર બાવન ટ્વીટ કરીને ડિજિટલી મતદારોનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરાયો છે.

ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે ચૂંટણીમાં મતદાન જાગૃતિ અંગેની રિલ્સ બનાવીને પોસ્ટ કરીને યુવાનોમાં મતદાર જાગૃતિ લવાઈ રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૩૨ રિલ્સ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫, ૬૯ – રાજકોટ પશ્ચિમમાં ૧૫, ૭૧ – રાજકોટ ગ્રામ્યમાં ૧૮, ૭૨ – જસદણમાં ૭, ૭૩ – ગોંડલમાં ૨૧, ૭૪ – જેતપુરમાં ૦૧, ૭૫ – ધોરાજીમાં ૦૪ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી સ્તરેથી, Collector_rjt એકાઉન્ટ ઉપર ૫૧ રીલ્સ પોસ્ટ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા ફેસબુકના માધ્યમથી મતદાન જાગૃતિ માટે પૂરતો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૧૫, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૧૯, ૭૨–જસદણમાં ૦૫, ૭૩–ગોંડલમાં ૨૧, ૭૪ – જેતપુરમાં ૦૬, ૭૫–ધોરાજીમાં ૧૯ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી સ્તરેથી, Collectorate Rajkot ફેસબુક એકાઉન્ટ પર ૪૮ પોસ્ટ કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લામાં વિધાનસભા મત વિસ્તારોમાં કુલ મળીને ૨૬૩ બેનર પોસ્ટ કરાયા છે, તો વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં  ૨૦ જેટલા હોર્ડિંગ્સ દ્વારા પણ મતદાન જાગૃતિ લવાઈ રહી છે. જિલ્લામાં કુલ મળીને ૩૧ જેટલા ઓડિયો મેસેજ રેડિયો પર પ્રસારિત કરીને મતદાન જાગૃતિ ઝુંબેશને વેગ અપાઈ રહ્યો છે. 

(1:00 am IST)