Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રેમડેસિવિર ઇન્જેકશનની કાળા બજારીથી દર્દીઓને ડામ : કોંગ્રેસ

ઇન્જેકશનની અછત, સંકલનનો અભાવ કે ભાજપાનું આંતરીક રાજકારણ ? ગાયત્રીબા વાઘેલા અને મનસુખ કાલરીયાનો સવાલ

રાજકોટ,તા. ૧૬: રાજકોટ સહિત ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે ઠેર ઠેર દર્દીઓના સગાઓની લાઇનો લાગે છે. આનો લાભ લઇ અમુક તત્વો ઈન્જેકશનના કાળા બજાર કરે છે. આવા કાળા બજારીના અનેક કિસ્સાઓ બને છે જે લોકોની લાચારીના કારણે બહાર આવતા નથી.અને દર્દીઓને દંડાવુ પડે છે. તેવો પ્રદેશ કોંગ્રસ મહિલા પ્રમુખ ગાયત્રીબા તથા પૂર્વ વિપક્ષી નેતા મનસુખ કાલરીયાએ આક્ષેપ કર્યો હતો.

આ અંગે ગાયત્રીબા અને મનસુખભાઇએ યાદીમાં જણાવ્યું હતુ કે, રાજકોટના કલેકટર કહે છે કે હોમ કવોરંટાઇન દર્દીઓને પણ રેમડેસિવિર મળશે.નાયબ મુખ્યમંત્રીશ્રી કહે છે કે બે દિવસમાં પુરતો જથ્થો મળશે, મુખ્યમંત્રીશ્રી કહે છે કે રેમડેસિવિર ઈન્જેકશનની અછત દૂર થતા એક અઠવાડીયુ લાગશે. આ બધાની વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે.લોકો અત્યેરે ખૂબ હેરાન છે.

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત જગજાહેર છે એવા સંજોગોમાં ગુજરાત માંથી જ ગઈ કાલે ૨૫૦૦૦ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો ઉત્ત્।ર પ્રદેશ મોકલવામાં આવ્યો એ ગુજરાતના લોકોને અન્યાય સમાન છે. જાણવા મળ્યા મુજબ આમાં ભાજપાનું આંતરીક રાજકારણ છે જેના કારણે ગુજરાતના લોકોને ભોગ બનવુ પડે છે.આ સ્થિતિ તાત્કાલિક નિવારવી જરૂરી છે. તેવી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા અને મનસુખભાઇ કાલરીયાએ  માંગ કરી છે.

(4:07 pm IST)