Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની આવશ્યક ધારા હેઠળ સમાવેશ :વધુ કિંમત કે સંગ્રહાખોરી કરનાર સામે સાત વર્ષ સુધીની કેદ અને દંડનીય કાર્યવાહિ કરાશે: કલેકટર રૈમ્યામોહન

રૂા. ૧૫ થી વધુ કિંમત હોય તો કેશ મેમા કે બિલ વગર વેંચાણ થઇ શકશે નહીં

રાજકોટ: ભારત સરકારશ્રીના ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા તા. ૧૩ના રોજ બહાર પડવામાં આવેલ જાહેરનામા અન્વયે કોવીડ ૧૯ મેનેજમેન્ટ અન્વયે માસ્ક અને હેન્ડ સેનીટાઈઝર ના ઉત્પાદન, ગુણવત્તા, વેંચાણ વિગેરેના નિયંત્રણ માટે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ હેઠળ હૂકમ પ્રસિધ્ધ કરાયેલછે. જે અન્વયે રાજય સરકારના આવશ્યક ચિજવસ્તુ નિયમન હુકમ મુજબ રાજકોટ કલેકટર  રેમ્યામોહન દ્વારા એક યાદી પ્રસિધ્ધ કરી નીચે મુજબની  જોગવાઇઓનું પાલન કરવા જણાવાયું છે.

 

  આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ આવરી લેવાયેલ તમામ વસ્તુઓ (માસ્ક, સર્જીકલ માસ્ક , એન-૯૫ માસ્ક તથા હેન્ડ સેનીટાઈઝર) નું વેંચાણ  કરતા વેપારીઓએ વેપારના સ્થળે ઉઘડતો સ્ટોક, તેમજ બંધ સ્ટોક સહિત ભાવોની યાદી દેખાય તે રીતે પ્રદર્શીત કરવાની રહેશે. ઉત્પાદક દ્વારા નિયત કરેલા ભાવથી વધુ કિંમતે વહેંચી શકાશે નહીં. આવશ્યક ચિજવસ્તુઓ હેઠળ ઉપરોકત વસ્તુઓની સંગ્રહાખોરી કરી શકાશે નહીં. રૂા. ૧૫ થી વધુ કિંમત હોય તો કેશમેમા કે બિલ વગર વેંચાણ થઇ શકશે નહીં. વેપારીએ ઉઘડતો સ્ટોક, દિવસ દરમ્યાન મેળવેલ સ્ટોક તથા બંધ સ્ટોકની વિગતો દર્શાવતું દૈનિક રજીસ્ટર નિભાવવાનું રહેશે તથા દૈનિક હિસાબો રાખવાના રહેશે.

 ઉપરોકત જોગવાઇઓ તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમોનું /જોગવાઇઓનું ઉલ્લંઘન  કરનાર ઓછામાં ઓછી ત્રણ માસની તથા વધુમાં વધુ સાત વર્ષની કેદ શિક્ષા તથા દંડને પાત્ર ઠરશે.     

(7:54 pm IST)