Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જાહેરમાં થૂંકનાર-કોગળા કરનાર ચાર દંડાયાઃ ર હજારનો ડામ

ઉદિત અગ્રવાલે સીસીટીવીમાં નિહાળ્યા બાદ વિવિધ સ્થળો પર મનપાની ટીમને દોડાવીઃ પ૦૦-પ૦૦ના દંડ

રાજકોટ તા. ૧૬ :હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેરમાં થુંકતા અને જાહેરમાં કોગળા કરવા પર સરકાર  દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. કોરોના વાઈરસને નીયાન્ત્રમાં રાખવા માટે કેન્દ્ર સરકાર  અને રાજય સરકાર  દ્વારા કડક કાર્યવાહી કરવા માટેની સુચના આપવામાં આવી રહી છે, જરૂર જણાયે દંડની કાર્યવાહી પણ કરવામાં માટે સરકાર  તરફથી આદેશ આપવામાં આવેલ છે, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા-કોગળા કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજરોજ તા. ૧૬-૦૩-૨૦૨૦ ના રોજ જાહેરમાં થુંકતા-કોગળા કરતા કુલ ૪ વ્યકિતઓને રૂ. ૫૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. આ ચાર પૈકી એક વ્યકિતને મ્યુનિ. કમિશનર એ પોતાની ચેમ્બરમાં વિડીયોમાં સીસીટીવીની મદદથી લાઈવ નિહાળ્યા બાદ મનપાની ટીમને સ્થળ પર રૂબરૂ મોકલી એ વ્યકિતને રૂ. ૫૦૦/- નો દંડ કરાવ્યો હતો. આ વ્યકિતને જાહેરમાં થુંકતા અને ત્યારબાદ દંડની વસૂલાતની સમગ્ર દ્યટના કમિશનર એ લાઈવ નિહાળી હતી. આ અંગે મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આજરોજ મહાનગરપાલિકા દ્વારા ડો. યાજ્ઞિક રોડ પર આવેલ ચા-પાનની દુકાનોએ જાહેરમાં થુંકતા કે જાહેરમાં કોગળા કરતા વ્યકિતઓને દંડ કરવામાં આવ્યો હતો, જેમાં યાજ્ઞિક રોડ ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોલ પાસે ઉભેલા   કીર્તિરાજસિંહ જાડેજાને મ્યુનિ. કમિશનર એ પોતાની ઓફિસમાં સીસીટીવી મારફત લાઈવ કોગળા કરતા તેમને રૂ. ૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો હતો, ઉપરાંત સર્વેશ્વર ચોક, મેહુલ કિચન પાસે   રાજુભાઈ, યાજ્ઞિક રોડ પરથી   જીગ્નેશભાઈ અને સર્વેશ્વર ચોક પરથી   અનિલભાઈ પરમારને રૂ. ૫૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. કુલ ૪ વ્યકિતઓ પાસેથી રૂ. ૨,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી મ્યુનિ. કમિશનર ના માર્ગદર્શન મુજબ નાયબ પર્યાવરણ ઈજનેર   વલ્લભભાઈ જીંજાળા, એસ.આઈ. કેતન ગોંડલીયા, જયસુખ ડાભી દ્વારા કરવામાં આવી હતી.

(4:02 pm IST)