Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

એસીપી ક્રાઇમ ટીમે આજી જીઆઇડીસીમાંથી ૮૨ હજારનો દારૂ ભરેલા ટેમ્પો સાથે રઝાકને પકડ્યો

રસુલપરાનો શખ્સ દિકરીની ફી ભરવાના પૈસાની વ્યવસ્થા કરવા દારૂ ભરી આવ્યો! : પીએસઆઇ એમ. એસ. અંસારી, એસઓજીના પ્રદિપસિંહ ગોહિલ અને કૃષ્ણદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૬: આજી જીઆઇડીસી વિસ્તારમાં ડાયનામેટિક નામના બંધ કારખાના સામે એસીપી ક્રાઇમની ટીમે દરોડો પાડી કોઠારીયા સોલવન્ટના એક શખ્સને રૂ. ૮૧૨૦૦ના દારૂ અને ટેમ્પો વાહન સાથે પકડી લીધો હતો.

એસીપી ક્રાઇમ ટીમના પીએસઆઇ એમ. એસ. અંસારી, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ અને કૃષ્ણદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે આજી જીઆઇડીસીમાં ડાયનામેટીક નામના બંધ કારખાના પાસે જીજે૦૩એઝેડ-૫૧૩૧ નંબરનો ટેમ્પો દારૂના જથ્થા સાથે આવ્યો છે. આ બાતમી પરથી દરોડો પાડી ટેમ્પો કબ્જે કરી ચાલકને સકંજામાં લીધો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ રઝાક આમદભાઇ પીપરવાડીયા (ઉ.૩૨-રહે. કોઠારીયા સોલવન્ટ રસુલપરા, ઝમઝમ ચોક) જણાવ્યું હતું.

તેના ટેમ્પોમાંથી રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીની ૧૮૫ બોટલો, મેકડોવેલ્સ નંબર વનની ૩૫ બોટલો અને મેઝિક મોમેન્ટ રિમીકસ એપલ ફલેવર વોડકાની ૧૨ બોટલો મળી કુલ ૮૧૨૦૦નો દારૂ મળતાં તે તથા ૬ લાખનું વાહન કબ્જે કરાયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ અંસારી, એસઓજીના વિજેન્દ્રસિંહ એ. ઝાલા, કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ અને કૃષ્ણદેવસિંહે આ કામગીરી કરી હતી.  પકડાયેલા રઝાકે એવું રટણ કર્યુ હતું કે તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. હાલમાં તે ગુજરાત સાઇડ ગયો હોઇ ત્યાંથી દારૂ ભરી લાવ્યો હતો. પોતાની દિકરી કે જે ભણે છે તેની ફી ભરવાની વ્યવસ્થા ન હોઇ પહેલી જ વખત ખેપ માર્યાનું રટણ પણ તેણે કર્યુ હોઇ પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.

(3:58 pm IST)