Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભીંસ પડતાં ભાઇબંધ જીગો ઉર્ફ વાંદરી ચાલુ કારમાંથી ઉતરીને ભાગ્યો...પીછો કરનારે તેના કારખાનેદાર મિત્રનું અપહરણ કર્યુઃ ત્રણ શખ્સની ધરપકડ

ગોંડલના જીગાને ત્યાંની મુસ્લિમ યુવતિ સાથે લવ હોઇ તેણીના સગા શોધતા-શોધતા રાજકોટ આવ્યા'તા : જીગો કારખાનેદાર મિત્ર નૈનેશ પટેલ સાથે કારમાં હતોઃ કારનો પીછો થતાં તે ભાગી ગયો ને નૈનેશને તેની જ કારમાં ઉઠાવી ઘુસ્તાવાયો : અમુલ સર્કલ પાસે પોલીસને જોઇ ગોંડલનો રિયાઝ ઉર્ફ હુશેન ઉર્ફ કાલી, નઝીર ગોરી અને રાજકોટનો ચિનલો નૈનેશને ઉતારી ભાગી ગયાઃ ભકિતનગર પોલીસે ત્રણેયને પકડ્યા

રાજકોટ તા. ૧૬: ગાંધી સોસાયટીના કારખાનેદાર પટેલ યુવાનની કાર પર પથ્થરમારો કરી આંતરી બાદમાં  તેની જ કારમાં ગોંડલ-રાજકોટના ત્રણ મુસ્લિમ શખ્સોએ અપહરણ કરી ફેરવી કારમાંથી ભાગી ગયેલા તેના મિત્ર ગોંડલના પટેલ શખ્સને બોલાવવાનું કહી મારકુટ કરી હતી. છેલ્લે અમુલ સર્કલ પાસે પોલીસ ઉભી હોઇ આરોપીઓ પટેલ યુવાનને તેની કારમાં મુકી ભાગી ગયા હતાં. ભકિતનગર પોલીસે એકને પકડી લીધો છે. ગોંડલના યુવાનને મુસ્લિમ યુવતિ સાથે પ્રેમસંબંધ હોઇ તેના કારણે તેણીના સગાઓ તેને શોધવા રાજકોટ આવ્યા હતાં. આ વખતે આ યુવાન રાજકોટના મિત્ર પટેલ કારખાનેદાર સાથે તેની કારમાં હતો. પીછો થતાં તક જોઇ એ ભાગી ગયો હતો અને તેનો કારખાનેદાર મિત્ર ફસાઇ જતાં તેનું અપહરણ થયું હતું. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.

બનાવ સંદર્ભે ભકિતનગર પોલીસે નાના મવા રોડ ગાંધી સોસાયટી-૬માં રહેતાં અને પટેલનગર-૩માં શોૈર્ય સેલ્સ નામે હાર્ડવેરનું કારખાનુ ચલાવતાં નૈનેશ રજનીભાઇ પરસાણા (પટેલ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ગોંડલના રિયાઝ ઉર્ફ હુશેન ઉર્ફ કાલી રહેમાનભાઇ ચાવડા તથા નઝીર રઝાકભાઇ ગોરી અને રાજકોટના ચિનલો સિપાહી વિરૂધ્ધ આઇપીસી ૩૬૫, ૩૪૨, ૫૦૬ (૨), ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

નૈનેશ પટેલે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું કારખાનુ ચલાવુ છું અને ગોંડલ ભોજરાજપરામાં રહેતો જીગો ઉર્ફ વાંદરી વસંતભાઇ ગજેરા મારો મિત્ર છે. રવિવારે સાંજે સાડા છએક વાગ્યે પટેલનગરમાં હું મારા કારખાને હતો ત્યારે મિત્ર જીગો ઉર્ફ વાંદરી ગોંડલથી આવ્યો હતો. અમે બંને મારી પોલો કાર જીજે૦૩ડીએન-૧૧૭૨માં બેસી ૫૦ ફુટ રોડ પર વિશાલ હેર આર્ટ નામની દુકાને આવ્યો હતો. આ વખતે બે બાઇક પાછળ આવતાં મિત્ર જીગા ઉર્ફ વાંદરીએ  મને સ્પીડથી કાર હંકારવાનું કહ્યું હતું. જીગાએ મને વાત કરી હતી કે હું મારે ગોંડલની મુસ્લિમ યુવતિ સાથે પ્રેમસંબંધ હોઇ તેના કારણે તેણીના માસીના દિકરા હુશેન ઉર્ફ કાલી રહેમાનભાઇ ચાવડા અને તેના સંબંધ નઝીર રજાકભાઇ ગોરી સાથે તથા ચીનલા સિપાહી સાથે માથાકુટ ચાલે છે. આ બધા માથાભારે છે અને મને ગોતે છે.

જીગાએ આ વાત કરતાં મેં મારી કાર સ્પીડથી ભગાવી હતી. અમે ૮૦ ફુટ રોડ પર આલ્ફા રોડવેઝ પાસે પહોંચ્યા ત્યારે ટ્રાફિક હોઇ ગાડી ધીમી પડતાં જીગો ઉર્ફ વાંદરી ગાડીમાંથી ઉતરી ગયો હતો. મેં બીકને લીધે કાર આગળ ભગાવી મુકી હતી. એ દરમિયાન ગાયત્રીનગર ત્રિશુલ ચોક પાસે પીછો કરી રહેલા શખ્સોએ પથ્થરમારો કરી મારી કારના કાચ ફોડી નાંખતા મેં કાર ધીમી પાડી હતી. એ સાથે જ એક એકટીવા કાર આગળ આવી ગયુ હતું. એક શખ્સે મને ગાળો દીધી હતી. બાદમાં મને બહાર ખેંચી મારી જ કારમાં પાછળ બેસાડી દીધો હતો. બાજુમાં એક શખ્સ મને પકડીને બેસી ગયો હતો. બીજો એક આગળ બેસી ગયો હતો અને ત્રીજાએ કાર હંકારી મુકી હતી.

હું કંઇ બોલુ એ પહેલા મને જેમતેમ બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. ૮૦ ફુટ રોડ પર કાર ચલાવી હતી. એ પછી આ શખ્સોએ મને જીગાને બોલાવ...તેમ કહી ધમકી આપી હતી. જીગાને મેં ફોન કર્યો હતો. પરંતુ ફોન લાગ્યો નહોતો. આ શખ્સો એક બીજાને નામથી બોલાવી વાત કરતાં હોઇ જેથી મને ખબર પડી હતી કે કાર ચલાવતો હતો એ શખ્સ હુશેન ઉર્ફ કાલી હતો. બાજુની સીટમાં નઝીર હતો અને ચીનલો મને પકડીને બેઠેલો હતો. દરમિયાન કાર અમુલ સર્કલ પાસે પહોંચી હતી. ત્યાં પોલીસે નાકાબંધી કરી હોઇ હુશેન ઉર્ફ કાલીએ નજીકની શેરીમાં કાર ઉભી રાખી દીધી હતી. મને મારું નામ-સરનામુ પુછી મુકીને ભાગી ગયા હતાં.

એ પછી મારા મોટા ભાઇ રાજનભાઇ અનેસગા સંબંધીને ફોન કરીને બોલાવ્યા હતાં. મને મુંઢ માર માર્યો હતો. પણ સારવાર લીધી નહોતી. મિત્ર જીગો ઉર્ફ વાંદરીને મુસ્લિમ યુવતિ સાથે લવ હોઇ તેને ચાલતી માથાકુટને કારણે આ બનાવ બન્યો હતો. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ એસ. વી. ડાંગર, નિલેષભાઇ મકવાણા અને સ્ટાફે ગુનો નોંધ્યો હતો.  પોલીસે હુશેન ઉર્ફ કાલી રહેમાનભાઇ ચાવડા (ઉ.૨૨-રહે. મોટી બજાર, મક્કા મસ્જીદ પાસે ગોંડલ), નાઝીર રઝાકભાઇ ગોરી (ઉ.૨૪-રહે. તિરૂમાલા શોપીંગ સેન્ટર સામે ગોંડલ) અને મોહસીન ઉર્ફ ચીનલો દિલાવરભાઇ કુરેશી (ઉ.૨૯-રહે. લાખાજીરાજ સોસાયટી દુધ સાગર સોસાયટી-રાજકોટ)ની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એ. વી. પીપરોતર, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, ભાવેશભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રવિરાજ પટગીર, મનિષ શિરોડીયા, મેહુલ ડાંગર, ક્રિપાલસિંહ, વિજયગીરી સહિતે ત્રણેયને પકડી લીધા હતાં. ઓળખ પરેડ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:57 pm IST)