Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રાજકોટ-અમદાવાદ ૬ માર્ગીય નેશનલ હાઇવે અંતર્ગત...

માલીયાસણ ગામ પાસે બનતા નવા ટોલનાકાથી ખેડૂતો-ઉદ્યોગો-ટ્રાન્સપોર્ટરોને ગંભીર નુકસાન થશેઃ મચી ગયેલો દેકારોઃ આવેદન

માલીયાસણ ટોલનાકા વિરોધ સમિતિના ૩૦૦ થી વધુ લોકો કલેકટર કચેરીએ ઉમટી પડયાઃ સુત્રોચ્ચારઃ વિસ્તૃત રજૂઆતો

માલીયાસણ ટોલનાકા કમીટીના લોકોએ કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :.. માલીયાસણ ટોલનાકા વિરોધ સમિતિના ૩૦૦ થી વધુ લોકોએ સુત્રોચ્ચાર સાથ કલેકટરને આવેદન પાઠવી અમદાવાદ નેશનલ હાઇવે ના રાજકોટ બામણબોર સેકશનને ૬ માર્ગીય કરવામાં હાલ માલીયાસણ ગામ પાસે બની રહેલા ટોલનાકાના રાજકોટના સામાન્ય નાગરીકો, ખેડૂતો તેમજ ઉદ્યોગો માટેના ગેર ફાયદા વર્ણવી રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, અમો માલીયાસણ ગામના અસરકતા ખેડૂતો, આસપાસની જીઆઇડીસીના હોદેદારો, રાજકોટના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસીએશન ના હોદેદારો, માલીયાસણ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ રાજકોટના અન્ય નાગરીકો વતી વિવિધ સેવાકીય સંસ્થાના હોદદારો, આપને આવેદન પત્ર આપી જણાવીએ છીએ કે, માલીયાસણ ગામ પાસે ખેતીની જમીનમાં ટોલ નાકુ બનાવવાનું આયોજન છે. શહેરની નજીક રૂડા વિસ્તારમાં ટોલનાકાનું આયોજન કરવું અ ઉપર દર્શાવેલ સર્વેને તેમજ સામાન્ય નાગરીકો માટે નુકશાનકર્તા છે.આ ટોલનાકુ શહેરના આમ નાગરીકો તેમજ માલીયાસણ પછી અમદાવાદ બાજુ આવતા જીઆઇડીસી માટે તકલીફ રૂપ બનશે. શહેરના અલગ-અલગ ઉદ્યોગ ઝોનથી આ જીઆઇડીસી સુધીની માલની અવર-જવર પર ટોલની અસર થશે.

આ ટોલનાકાથી રાજકોટ શહેરના તમામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ નુકશાની થશે શહેરથી માલીયાસણ ગામ પછી આવતા ટ્રાન્સ્પોર્ટની  ઓફીસ તથા ગોડાઉનો સુધીની માલની રોજીંદી હેરફેર ઉપર ગંભીર અસર થશે.

પરીણામે આ ટોલનાકાનું સ્થળ ફેરવી રૂડા વિસ્તારથી દૂર લઇ જવા માગણી કરી હતી.

(3:56 pm IST)