Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

નાનામવા ચોકડીએ ૩૦.૪૦ કરોડના ખર્ચ ઓવરબ્રિજનું ટેન્ડર જાહેર

બ્રીજ ૫૧૨ મીટરની લંબાઇ, ૭.૫૦ મીટરની પહોળાઇમાં બનશે : બંને બાજુ ૬.૫૦ - ૬.૫૦ મીટરના સર્વિસ રોડની સુવિધા : બે વર્ષની મુદ્ત

રાજકોટ તા. ૧૬:  શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારશ્રીના સહયોગથી નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક, ઉમીયા ચોક, કાલાવડ રોડ જડુસ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠીયા ચોક પાસે, જંકશન ઉપર ઓવરબ્રીજ તેમજ અન્યત્ર અન્ડરબ્રીજ બનાવવાના પ્રોજેકટ હાથ પર લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે નાનામવા ચોકડીએ ૩૦.૪૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાનો ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તમામ બ્રીજો માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર હોવાનું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

વિવિધ માર્ગો પરના જંકશન ઉપર ઓવરબ્રીજ તેમજ અન્યત્ર અન્ડરબ્રીજ બનાવવાના પ્રોજેકટ હાથ પર લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને ગત તા.૨૯ ફેબ્રુઆરીના મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન નિહાળવામાં આવ્યું હતું.  રજુ થયેલ પ્રેઝન્ટેશન અનુસાર નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક, ઉમીયા ચોક, કાલાવડ રોડ જડુસ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી, સોરઠીયા ચોક પાસે, બ્રીજ બનાવવામાં આવશે અને આ તમામ બ્રીજો માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા કરવાની કાર્યવાહી કરવા સુચનાઓ અપાઇ હતી. જે અન્વયે નાના મવા ચોકડીએ ઓવરબ્રીજ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર નાના મવા જંકશને ૫૧૨ મીટરની લંબાઇ અને ૭.૫૦ - ૭.૫૦ મીટરની પહોળાઇ તથા બંને બાજુ ૬.૫૦ - ૬.૫૦ મીટરની સુવિધા સાથેનો બ્રીજ બનશે. આ બ્રીજના કામની બે વર્ષની મુદ્દત આપવામાં આવી છે. ૪ એપ્રિલે ટેન્ડરનો નિર્ણય થશે.

(3:46 pm IST)