Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પત્નિ અને પ્રેમીના હાથે મનોજ સોનીની સાસણ જંગલમાં હત્યા

'પતિ-પત્નિ ઔર વો'નો કિસ્સોઃ પહેલા ચોટીલા લઈ ગયા પરંતુ ભીડ હોવાથી જંગલમાં રિક્ષાચાલકને પતિને મોતને ઘાટ ઉતારી દીધો : રાજકોટની વર્ષા નામની મહિલા અને ધારી-દેવડાનાં હિંમત મહેતાએ મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :. 'પતિ, પત્નિ ઔર વો'ના કિસ્સામાં પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટનાં મનોજભાઇ સીમેજીયા (સોની) ની સાસણનાં જંગલમાં ધારીનાં  હિંમત મહેતા અને રાજકોટની વર્ષાએ હત્યા કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ, રણુજા  મંદિર સામે આવેલ બાલાજી પાર્કમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સોની (વાણીયા) મનોજભાઇ કાંતીલાલ સીમેજીયાની ગત તા. ૧ર નાં રોજ મેંદરડા પાસેનાં સાસણનાં જંગલમાં કાંઠાળા નેસ્ટ જતા  રસ્તે અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવી હતી.

આ બારામાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલતા મૃતકની હત્યા થયાનો રિપોર્ટ આવ્યો હતો.

આ અંગે મેંદરડાનાં પીએસઆઇ એ. બી. દેસાઇ વગેરેએ તપાસ કરતાં અને મૃતકનાં પરિવારજનોનાં નિવેદન લેતા રાજકોટની વર્ષા નામની મહિલા અને ધારી  (દેવડા)નો હિંમત મહેતાએ મનોજભાઇની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

આ અંગે ગઇકાલે સાંજે મેંદરડા પોલીસે મૃતકનાં પુત્ર રજનીકાંત સીમેજીયાએ વર્ષા અને હિંમત સામે મનોજભાઇની હત્યાની ફરીયાદ કરતા પીએસઆઇ દેસાઇએ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરેલ.

હત્યાનાં આ બનાવમાં વર્ષા અને હિંમત મહેતા વચ્ચે આડ સંબંધ હોય જેના કારણે પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવ બંને એ કાવતરૂ રચી વર્ષાએ મૃતક મનોજભાઇને ફરવાનાં બહાને હિંમત મહેતા સાથે મોકલેલ.

બાદમાં બંનેએ સાસણના જંગલમાં અવાવરૂ જગ્યાએ મનોજ સીમેજીયાને મારી નાખી લાશનો નાશ કરવા મૃતદેહને જંગલમાં મુકી પુરાવાનો નાશ કરીને વર્ષા અને હિંમત  નાસી ગયા હતાં.

દરમિયાન રાજકોટના રિક્ષાચાલકની તેના પત્નિ અને પ્રેમીએ સાથે મળીને મોતને ઘાટ ઉતારેલ છે ત્યારે આ પ્રકરણમાં વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવક રિક્ષા ચલાવતો હતો અને દારૂ પીવાનો વ્યસની હતો.

જેથી પત્નિ વર્ષા અને તેના પ્રેમી હિંમત મહેતા પહેલા ચોટીલા લઈ ગયા હતા, પરંતુ પૂનમ હોવાથી ત્યાં ભારે ભીડ હોવાથી આ બન્ને તેમને ગીરના જંગલમાં લઈ ગયા હતા.

જ્યારે પત્નિ અને તેના પ્રેમીએ દારૂ પીવડાવીને માથુ બોથડ પદાર્થ સાથે અથડાવીને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટયા હતા.

આ હકિકતના આધારે પીએસઆઇ દેસાઇએ બંનેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.(૨-૧૮)

(4:01 pm IST)