Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રૂ.ર૦૦ ની લોન લઇને પાપડ વણવાના શરૂ કર્યાઃ 'લિજ્જત' બ્રાન્ડનું ટર્નઓવર રૂ.૧૬૦૦ કરોડ

શકિત-સ્વરૂપા જશવંતીબેનઃ સામાન્યથી 'પદ્મશ્રી' સુધીની સફર

૪પ૦૦૦ મહિલાઓને આર્થિક આત્મનિર્ભર બનાવ્યાઃ રૂ.૮૦ કરોડના પાપડની નિકાસઃ દેશભરમાં ગજબનું નેટવર્કઃ ગુજરાતી મહિલાએ સેવાક્ષેત્રે દેશ-વિદેશમાં પ્રેરણાના ડંકા વગાડયા

''શાદી ઉત્સવ યા ત્યૌહાર, લિજ્જત પાપડ હો હરબાર..કરરરમ...કુરરમ, કુરરરમ....કરરરમ, મજેદાર-લહેજતદાર...સ્વાદ મે લિજ્જત-લિજ્જત પાપડ'' વર્ષો પહેલા દૂરર્શન પર આ જાહેરાત એટલી ચાલેલી કે નાનાથી મોટા સહુ કોઇની ચીભે ગવાતી, આજે હકીકતમાં આ લિજ્જતની લહેજત એટલી પ્રસરી છે કે તેને પાપડ થકી પદ્મશ્રીનું સન્માન મેળવવામાં જવલંત સફળતા મળી છે. તાજેતરમાં મૂળ ગુજરાત અને વર્ષોથી મુંબઇમાં રહેતા 'શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ'ના ધરોહર સમા જસવંતીબેન જમનાદાસ પોપટને આ વર્ષે પદ્મશ્રીથી સન્માનીત કરાયા.

દુનિયામાં જીવવા માટે કહેવાય છેને કે 'પાપડ બેલને પડતે હૈ' પણ જો સમૂહમાં પાપડ વણવામાં આવે તો તેને 'લિજ્જત પાપડે' કહી શકાય-કારણ આજે ભારતમાં પાપડનો પર્યાય લિજ્જત પાપડ બની ગયા છે. આજે હજારો મહિલાઓની રોજી રોટી આ પાપડ પુરા પાડે છે લિજ્જત પાપડના સ્વાદને વાગોળતા ૯૩ વર્ષના જસવંતીબેન પોપટ કહે છે.આવી કલ્પના નહોતી કે 'લિજ્જત'ના વટવૃક્ષને પદ્મશ્રી જેવું મોટુ સન્માન મળશે. પરિવારની આવક વધારવાના ઉદ્દેશ સાથે ૧૯પપમાં જસવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાની, ઉજમબેન નરનદાસ કુંડલિયા, બાનુબેન એમતાના, લાગુબેન અમૃતલાલ ગોકાની, અને જયાબેન વિ. વિઠ્ઠલાની આ બહેનો પાસે રસોઇ બનાવવાની એકમાત્ર કળાનો ઉપયોગ કરી પાપડ બનાવવાનું શરૂ કરેલું તેઓ ઇચ્છતા હતા કે મહિલાઓ જાતે કમાઇ અને ખર્ચ કરે.

જસવંતીબેન કહે છે છોકરાઓ નિશાળે જાય, પુરૂષો તેના કામે જતા ત્યારે ઘરકામ પતાવ્યા પછી નવરાશના સમયમાં શું કરવું ? ત્યારે મેં પાપડ બનાવવાનો વિચાર વહેતો મુકયો કારણ ગુજરાતમાં પાપડનું બહુ ચલણ એટલે થયું પાપડ બનાવીએ તો ઘરઘરાઉ વેંચાઇ જશે. ત્યારે સમાજ સેવી છગનલાલ કરમસી પારેખ (છગનબાપા)ને વાત કરી રૂ. ર૦૦ ની લોન લઇ કાચી સામગ્રી અડદનો લોટ, હિંગ, કાળા-મરચા જેવો કાચો માલ લાવ્યા સાત મહિલાઓમાંના એક કે જેઓના મકાનની અગાસી પર ભેગા મળ્યા મે લોટ બાંધ્યો અને અમે સાતેય ગૃહિણીઓએ સાથે મળી પાપડ વણ્યા કુલ ૪૦ પાપડ થયા અને વેપારીને આપ્યા બસ...પછી શું પાપડ પર પકકડ જમાવી દીધી એકજ અઠવાડિયામાં અમે ઉધારી ચૂકવી અને નફો રળતા થઇ ગયા. ૧પ માર્ચ ૧૯પ૯માં 'લિજ્જતનું રજીસ્ટ્રેશન પણ થયું.'

૬૦ દાયકા પહેલા ભેગા થયેલા એ સાત બહેનોમાં પાપડ બનાવવાનો મૂળ વિચાર જશવંતીબેનનો હતો તેમને લિજ્જતના ફાઉન્ડર માનવામાં આવે છે શરૂમાં તેઓ સાતથી આઠ કિલો પાપડ વણી શકતા એટલે બધા મળી લગભગ પ૦ કિલો આસપાસ પાપડ વણતા જસવંતીબેન કહે છે સામગ્રી લેવાથી લઇ પાપડ વણી તેનું પેકિંગ કરતા એટલું જ નહી બહેનોને પાપડ બનાવવાનું શિખવવા પણ જતા  અમે શરૂમાં ૧૩પ ચોરસ ફુટની રૂમમાં પાપડ બનાવવાની શરૂઆત કરેલી આજે લિજ્જત પાપડની ૮ર શાખાઓ છે. ૪પ૦૦૦ થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડે છે જસવંતીબેન કહે છે. ૬૦ વર્ષથી જે કામ હું કરૃં છું તેનું ફળ પદ્મશ્રી પુરસ્કાર રૂપે અમને મળ્યું છે.  લિજ્જત પાપડનું ટર્નઓવર આજે ૧૬૦૦ કરોડ રૂપિયાથી સુધી પહોંચ્યું છે.!

માત્ર ભારત નહિં, વિદેશમાં પણ લિજજતની લહેજત પ્રસરી છે. વિદેશમાં પણ લિજજતનું ૮૦ કરોડનું નિકાસ બજાર છે. લિજજતની દરેક મહિલાને બહેન તરીકે ઓળખવામાં આવે છે. ગિરગામ મુંબઇમાં તેનું હેડ કવાર્ટર છે. જયાં ર૧ મહિલાઓની કમિટી રહેલી છે જે લિજજતનો બધો જ દારોમદાર સંભાળે છે.

ઘરની એક-એક મહિલા કામ કરવા બહાર જાય તો ઘર કોણ સંભાળે ? લિજજતે આ માટે જબરી ગોઠવણ કરી છે. જયાં શકય બને ત્યાં લિજજતની બસ સવારમાં મહિલાઓને લેવા આવે. મહિલાઓને સંસ્થામાંથી પાપડ બનાવવા માટે બાંધેલા લોટ આપવામાં આવે. જે લઇ બહેનો ફરી બસ મારફત ઘરે જાય અને પાપડ વણે. જે બીજા દિવસે જમા કરાવે અને કામનું વળતર મેળવી લે.

મહારાષ્ટ્રનાં લોનાવાલા - ખંડાલાના ઘાટ નીચે ખપોલી ગામમાં જસવંતીબેનનો જન્મ થયેલો. જસવંતીબેન દોઢ ચોપડી ભણ્યા છે. અને બીજા ધોરણની પરીક્ષા નથી આપી!  બધાનાં સાથ સહકારથી અને ઠાકોરજીની કૃપાથી જીવનમાં કયારેય કોઇ તકલીફ નથી આવી. તેઓ આજે પણ સવારે પાંચ વાગે ઉઠી પાપડ બનાવવા માટેનું કામ કરે છે. તેઓ આજે પણ નિરગાંવ શાખાએ સંચાલક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમને પંજાબી પાપડ ભાવે છે. તેઓ નાનપણથી પાપડ વણતા એટલે તેમાં તેમની હથરોટી હતી. તેમનાં પાપડનાં વ્યવસાયે પારકાને પણ પોતાનાં કર્યો છે.

શરૂઆતમાં બે પ્રકારનાં પાપડ બનાવાયા હતાં. જે કવોલિટી મુજબ સસ્તા અને મોંઘા હતાં. ત્યારે છગનલાલ પારેખ (છગનબાપા)એ તેમને કવોલિટી સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સમજાવ્યા.

તેમનાં માર્ગદર્શનથી વ્યવસાયમાં ખાતા વહિ અને બચતનું મહત્વ સમજયાં. તેમનાં પથદર્શનથી લિજજત એક કો-ઓપરેટીવ સિસ્ટમ રીતે ૮ થી ૧૦ પ્રતિશત વર્ષના વૃધ્ધિ દરે આગળ વધવા લાગ્યું. શરૂમાં નાની બાળાઓ પણ આમાં જોડાઇ શકતી પણ પછીથી ૧૮ વર્ષની ઉપર નકકી કરાઇ હતી. ત્રણ મહિનામાં ૭ થી વધી રપ ગૃહિણીઓ આ વ્યવસાય સાથે જોડાઇ હતી. પહેલા વર્ષે તેમનું કુલ વેંચાણ ૬૧૯૬ રૂ. રહ્યું હતું. જસવંતીબેન અને બહેનોએ સુરતની બાજુમાં આવેલ વાલોરમાં પહેલી શાખા ખોલેલી ત્યારબાદ વડાલામાં અને પછી પુનામાં ત્રીજી શાખા ખોલી. બે મહિનામાં ત્રણ શાખા ખોલી ત્યાંની બહેનોની રોજગારી પુરી પાડી હતી. અને ખરા અર્થમાં  'આત્મ નિર્ભર' બનાવી હતી. ૮૦ નાં દસકામાં દેશભરનાં મેળાઓમાં સ્ટોલ લગાવ્યા અને દરેક દુકાનમાં લિજજતના બેનરો દેખાવા લાગ્યા. વર્ષ ર૦૦ર સુધી લિજજતનું ટર્ન ઓવર દશ કરોડ સુધી પહોંચી ગયું હતું. ૧પ માર્ચ ર૦૦૯ માં આ ગ્રુપે તેની પ૦ મી વર્ષ ગાંઠ ઉજવી હતી. લિજજતમાં કામ કરતી બહેનોનાં બાળકોને ૧૦-૧ર ની પરીક્ષા પાસ કર્યા પછી સ્કોલરશિપ પણ આપે છે. એ ઉપરાંત ન્યુનતમ વ્યાજદર અને કોઇપણ ગેરન્ટી વિના લોન પણ આપે છે.  નોંધનીય બાબત એ છે કે, લિજજતે કોઇપણ પ્રકારની સરકારની સહાય કે કોઇની પણ આર્થિક મદદ નથી લીધી.નાનકડા વિચારમાંથી વટવૃક્ષ બનેલી લિજજત પાપડ સંસ્થાના બા જસવંતીબેન પોપટ કહે છે, બહેનોએ તેમનાં પગભર ઉભા રહેવું જરૂરી છે. કંઇ પણ કરો, તમે ભણેલા હોય કે નહિં પણ પગભર બનો. અમારી સાથે જોડાવ અને મહેનત કરો. અને આનંદથી જાત મહેનતથી કામ કરો. લિજજત પાપડમાં કામ કરનાર દરેક બહેનો માલિક છે. દરેકનો  સાથ અને સહકાર રહયો છે ત્યારે આ પદ્મશ્રી મળ્યો છે. પાપડથી પદ્મશ્રી મળવાથી ખુબ આનંદ અને રાજીપો છે.

  • 'લિજજત' નામ કઇ રીતે પડયું ?

'લિજજત' એક ગુજરાતી શબ્દ છે. જેનો અર્થ સ્વાદિષ્ટ એવો થાય છે. પાપડનાં નામ શું રાખવા ? તેવો વિચાર કર્યા બાદ એક પ્રતિયોગીતા રાખવામાં આવી. અને તેમાં દરેક મહિલાઓએ એક ચિઠ્ઠીમાં પોતે વિચારેલા નામો લખ્યા. કેટલાય નામો આવ્યા. પણ 'લિજજત' નામ દરેકને મનમાં વસી ગયું. 'લિજજત'નું નામ કરણ કરનાર પ્રતિયોગીતાનાં વિજેતા ધીરજબેન રૂપારેલ રહ્યા હતાં અને એ સમયે તેમને 'પાંચ રૂપિયા' નું ઇનામ પણ અપાયું હતું..! આજે એજ લિજજત પાપડ રૂપે ઘરઘરમાં વસી ગઇ છે. 'લિજજત' નામ મળ્યા પછી સંસ્થાનું નામ 'શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજજત પાપડ' રાખવામાં આવ્યું. આજ લિજજત પાપડને તૈયાર કરવાની પ્રક્રિયા સહિતની વિધિ નેશનલ જયોગાફિક તેના 'મેગા કિચન' નામની સીરિઝમાં દર્શાવી ચૂકયું છે.

  • વરસાદમાં પાપડ સૂકવવાનો શોધ્યો ઉપાય !

લિજજત પાપડની શરૂઆત થઇ. બહેનો મળી અને પાપડ બનાવવા પણ લાગ્યા. જયારે વરસાદની સીઝન શરૂ થઇ ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવ્યો પાપડ સૂકવવાનો. શરૂમાં પહેલા વરસે અનેક પાપડ સૂકાયા નહીં અને નુકસાની વેઠવી પડી. જો કે બહેનોએ તેનો પણ ઉપાય શોધી કાઢયો.

તેમણે સ્ટવ પર એક ટોકરી ઊંધીવાળી રાખી દીધી અને તેના પર પાપડને સૂકવ્યા. ચોમાસામાં આ રીતે સૂકવણીથી પાપડ બગડતા બચ્યા. એવો પણ ઉલ્લેખ છે કે, કોઇ ફેકટરી બંધ પડતાં મશીન વેંચાવાનું હતું ત્યારે મહિલાઓએ મશીન ખરીદી પાપડની સામગ્રી અને લોટ બાંધ્યો અને પાપડ બનાવી તેનું પેકિંગ કર્યુ હતું.

(સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(3:06 pm IST)